તજવીજ:ભુજ હવાઈમથકની રાજધાની દિલ્હી સાથે કનેક્ટિવિટી શરૂ કરવાના પ્રયાસો બન્યા તેજ

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજયવાડાથી ભુજમાં નિમાયેલા નવા એરપોર્ટ ડાયરેકટરે હવાઈસેવા વધારવા વ્યક્ત કર્યો નિર્ધાર
  • પ્રવાસન જિલ્લો હોવાથી નવી વિમાની સેવા સાથે ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે તે પણ જરૂરી

સરહદી જિલ્લો કચ્છ પ્રવાસન ક્ષેત્રે આગળ વધી રહ્યો છે ત્યારે હાલમાં ભુજની અમદાવાદ, મુંબઈની સાથે કર્ણાટકના બેલગાવ સાથે તો કનેક્ટિવિટી છે તેમજ આગામી દિવસોમાં દેશની રાજધાની દિલ્હી સાથે કનેક્ટિવિટી શરૂ થાય તે દિશામાં પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હોવાનું ભુજ વિમાનીમથકના નવા ડાયરેકટર નવિન સાગરે જણાવ્યું હતું.

ભુજ એરપોર્ટના ડાયરેકટર નવનીત ગુપ્તાના સ્થાને એરપોર્ટ ઓથોરિટી દ્વારા આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે ફરજ બજાવતા નવિન સાગરને મુકવામાં આવ્યા છે તેઓએ ભુજમાં ચાર્જ પણ સંભાળી લીધો છે.ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે,કચ્છ જિલ્લો પ્રવાસનની દ્રષ્ટીએ અગ્રહરોળમાં આવે છે ત્યારે અહીં પ્રવાસીઓને સુવિધા મળી રહે એ માટે ફલાઇટની કનેક્ટિવિટી વધે તે દિશામાં પ્રયાસો કરવામાં આવશે.હાલ તબક્કે દિલ્હીની સીધી વિમાનીસેવા શરૂ થાય તો બંને શહેરના લોકો માટે આવન-જાવન સરળ બની રહે.જેથી આ માટે એરલાયન્સ સાથે વાતચીત કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત અન્ય સેવાઓ શરૂ કરી કચ્છ જિલ્લો પ્રવાસન ક્ષેત્રમાં પ્રવાસીઓની પસંદગી હોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજજો મળે એ દિશામાં પણ તજવીજ હાથ ધરવામાં આવશે તેવું ઉમેર્યું હતું. ઉલ્લેખનીય બાબત છે કે, કંડલાની તુલનાએ ભુજ એરપોર્ટમાં વિમાની સેવા ઓછી છે. અવાર-નવાર રજૂઆતો કરવામાં આવે છે પરંતુ કોઇના-કોઇ કારણોસર સેવા શરૂ થવામાં વિક્ષેપ આવી જાય છે. તહેવારો અને રણોત્સવ પૂર્વે નવી સેવાઓ શરૂ થાય તો પ્રવાસીઓને ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...