અંજાર તાલુકાના અને અંજાર શહેરના જોડિયા ગામ વરસામેડીમાં કોઈપણ જાતની મંજુરી વિના પ્રિ-પ્રાઇમરી સ્કૂલ ચાલતી હતી. જેની માહિતી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉમેશભાઈ રૂઘાણીને મળતા ગુરુવારે છાપો માર્યો હતો, જેમાં સંચાલક મુકેશ ડોંગરા કોઈપણ જાતના દસ્તાવેજો રજુ કરવામાં નિષ્ફળ નિવડ્યા હતા!તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને ખરાઈ કરવા કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે, ફરિયાદ અને માહિતીના પગલે પૂરતી તપાસ કર્યા બાદ કાર્યવાહી કરી હતી, જેમાં ઈનચાર્જ શિક્ષણ નિરીક્ષક આર.ડી. મહેશ્વરીને સાથે રખાયા હતા.
ધોરણ 1થી 8ના કુલ 75 વિદ્યાર્થી ઓને ભણાવાતા હતા. 6 કર્મચારીઅોના સ્ટાફ સાથે અલગ અલગ જગ્યાએ બે રૂમ ભાડે રાખીને શૈક્ષણિક કાર્ય ચાલતું હતું, જેમાં શિક્ષકો સહિતનો સ્ટાફ ક્વોલિફાઈડ જણાયો ન હતો. વળી અેકેય રજિસ્ટર કે અન્ય કોઈ દસ્તાવેજો કે એકેય કાગળ હતું નહીં એટલે કેટલી ફી વસુલાતી હતી એ પણ જાણી શકાયું નથી. જે બાબતે જિલ્લા પંચાયત સ્થિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએ શુક્રવારે રિપોર્ટ કરવામાં આવશે. જે બાદ સીલિંગ સહિતની આગળ ઉપરની કાર્યવાહી કરવામાં આવશે.
ડી.પી.ઈ.ઓ. કોલ જ રિસીવ નથી કરતા
જિલ્લા પંચાયત સ્થિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી છે, જેમાં નિવૃત્તિના આરે ઊભેલા ડી.પી.ઈ.ઓ. તરીકે પ્રજાપતિ ફરજ બજાવે છે. તેઓ ક્યારેય કોલ રિસીવ કરવાની તસદી લેતા નથી. તેમની પાસે ક્યારે કોઈ સચોટ માહિતી પણ હોતી નથી. જવાબદાર અધિકારી તરીકે પ્રત્યુત્તર આપવામાં ડરતા રહેતા હોય છે. તેમણે ઓ પ્રકરણમાં પણ કોલ રિસીવ કરવાની તસદી લીધી ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.