ચૂંટણી:કારકિર્દીમાં ભણતર જોવાય પણ રાજકારણમાં ગણતર : કચ્છમાં બે ચોપડીથી સીએ સુધીના ઉમેદવારો મેદાનમાં

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આપના ઉમેદવારો વધુ શિક્ષિત, ભાજપમાં સૌથી ઓછું ભણનારા અબડાસાના જાડેજા ચિત્રોથી કરે છે રજૂઆત, ભુજમાં ભાજપ - કોંગ્રેસના ધો. 10 પાસ પણ નથી, માંડવીમાં વકીલની સામે સીએનો જંગ, ગાંધીધામમાં શિક્ષિતની સામે સેવાભાવી, અંજારમાં શિક્ષણની અસમાનતા, રાપરમાં ભણતર બનશે ગૌણ

જેટલું શિક્ષણ સારું એટલી કારકિર્દીનો આલેખ ઊંચો જઇ શકે. 21મી સદીના માહોલ મુજબ વધુ સારી શૈક્ષણિક પદવી મેળવીને સારા વ્યવસાય કે ઉચ્ચ સરકારી નોકરિયાતોની બોલબાલા વધારે હોય છે. જોકે, ભણતર વ્યક્તિની દિશા નક્કી કરે છે તેમ કોઠાસૂઝ અને ગણતરથી રાજકીય નેતાપણુ ઊભું કરીને સમાજમાં છવાઇ શકાય છે.

હાલમાં વિધાનસભાની ચૂંટણી માટેના કચ્છના મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના શિક્ષણના લેખાજોખા કરીએ તો ગુજરાતી ધોરણ ચાર ચોપડી પાસથી માંડીને કાયદાશાસ્ત્રના જોવા મળે છે. જે ઉમેદવારોએ નામાંકન રજૂ કર્યું છે તેમાં અભ્યાસ સહિતની વિગતો તેમણે કરેલી એફિડેવિટમાં જણાવી છે. જ્યારે જેમણે ફોર્મ નથી ભર્યા તેમની માહિતી તેમના પક્ષ કે બાયોડેટામાંથી મળી શકી છે.

વિગતે વાત કરીએ તો, સત્તાધારી ભાજપમાંથી અબડાસાની નંબર 1 બેઠકના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા માત્ર ચાર ધોરણ પાસ છે. લેખન વાચન નથી આવડતું પરંતુ ભણતર કરતાં ગણતરની સૂઝ અપનાવી છે. જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિના ચેરમેનથી માંડીને અબડાસાના ધારાસભ્ય સુધીના રાજકીયગાળામાં તેમણે ચિત્ર સંજ્ઞાઓ કાગળમાં ચીપકાવીને તેમની રજૂઆતો માટે એક નવતર શૈલી અપનાવી છે.

તેમના કિસ્સામાં બહુ સ્પષ્ટ માની શકાય કે, ભણતર કરતાં ગણતરનો સદુપયોગ વધારે થાય છે. તેમના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના ઉમેદવાર લખપત તાલુકાના ફૂલરા ગામના મામદ જુંગ જત ત્રણ ધોરણ ભણેલા છે. તેઓ પણ કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે સ્થાનિક મુદ્દાઓ પાણી, શિક્ષણ અને આરોગ્યની ધારદાર રજૂઆતો કરતા રહ્યા છે. આમ આદમી પાર્ટીના વસંત ખેતાણી ધોરણ 10, અપક્ષ ઉમેદવાર નિજામુદ્દિન પીર ધોરણ 10, યુસુફશા સૈયદ ધોરણ 7 પાસ છે.

માંડવી બેઠકના ભાજપના અનિરૂદ્ધ દવેએ આર્ટસમાં સ્નાતક થયા બાદ વકીલાતની સનદ પણ મેળવી છે. તો કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ જાડેજા ધોરણ 12 પાસ છે. ત્રીજા મુખ્ય પક્ષ તરીકે ઉભરી આવેલા આમ આદમી પાર્ટીએ કચ્છમાં સૌપ્રથમ જાહેર કરેલા ઉમેદવાર કૈલાસદાન ગઢવી ચાર્ટડ એકાઉન્ટન્ટ છે. રાજ્યસ્તરના રાજકારણમાં નિષ્ણાત તરીકે તેઓ અભ્યાસુ તરીકે આગળ આવ્યા છે.

ભુજમાં જ્ઞાતિવાર સમીકરણમાં જંગમાં ઉતરેલા જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલ ધોરણ 7 પાસ છે. રાજકીય આવડતના આધારે તેઓ બે ટર્મથી જિલ્લા પ્રમુખ તરીકે છે અને ભાજપને તાલુકા અને જિલ્લા પંચાયતોમાં સત્તા જાળવવાના રાજકારણમાં સફળ થયા બાદ હવે ધારાસભામાં પોતે જંગમાં છે. જ્યારે કોંગ્રેસના અરજણ ભુડિયા ધોરણ 9 પાસ છે. ગ્રામીણ રાજકારણના સંચાલન સાથે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રી તરીકેની ભૂમિકા રહી છે. આપના રાજેશ પિંડોરિયા ધોરણ 12, દક્ષાબેન બારોટ એમએ છે, અપક્ષ ઉમેદવાર હુસેન થેબા બે ચોપડી, રાઇટ ટુ રિકોલ પાર્ટીના કાસમ નોડે પાંચ પાસ છે.

અંજારના ભાજપના ત્રિકમભાઇ છાંગા બીએ, બીએડ, એલએલબી છે. જ્યારે કોંગ્રેસના રમેશભાઇ ડાંગર ધોરણ 7 પાસ છે. આપના અરજણ રબારીની ચાર ધોરણ પાસ હોવાની નોંધ છે. અનુસૂચિત જાતિની અનામત બેઠક ગાંધીધામના ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરી વાણિજ્ય સ્નાતક છે અને પીજીડીએચઆરની ડિગ્રી ધરાવે છે. તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ભરત સોલંકી ધોરણ 9 પાસ છેે. તેઓ રાજકીય ઉપરાંત સામાજિક અને ધાર્મિક ટ્રસ્ટ સાથે સંકળાયેલા રહ્યા છે. ઉપરાંત આપના ઉમેદવારો હિતેશકુમાર મકવાણા એમએ છે, બુધાભાઇ મહેશ્વરી એલએલબીનો અભ્યાસ ધરાવે છે.

કચ્છની છ નંબરની રાપર બેઠકના ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજા ધોરણ 9 પાસ છે. વાગડ વિસ્તારમાં ખાસ કરીને તેમણે રાજકીય હારજીતનો સામનો કર્યા બાદ રાપર બેઠકમાં બીજી વખત ઉમેદવાર બન્યા છે. તેમની સામે કોંગ્રેસના ભચુભાઇ આરેઠિયા ધોરણ 1 1 પાસ છે. તેઓ ગુજરાતી, હિન્દી ઉપરાંત મુંબઇના વ્યવસાયી હોવાના કારણે મરાઠી જાણે છે. અત્યાર સુધી ગ્રામ પંચાયત કે અન્ય કોઇ ચૂંટણી લડ્યા નથી અને સીધા વિધાનસભાના જંગમાં આવ્યા છે.

ભુજમાં આપના ડમી ઉમેદવાર કેમ્બ્રિજ યુનિ.ના વિદ્યાર્થી
ઉમેદવારોના શિક્ષણની વિગતો ચકાસતાં એમ પણ જાણવા મળ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ડમી ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કરનારા અલ્પેશ ભુડિયાએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એડવાન્સ લેવલનો ડીકોર્સ કર્યો છે.

ચૂંટણી અાચારસંહિતા ભંગની કચ્છમાંથી અાવી 22 ફરિયાદ
ભુજ : કચ્છમાં ચૂંટણીની જાહેરાત થવાની સાથે જ અાદર્શ અાચારસંહિતાની અમલવારી ચાલુ થઇ ગઇ છે ત્યારે અત્યાર સુધી જિલ્લામાંથી અાચારસંહિતા ભંગની 22 ફરિયાદો અાવી છે, જેનો તાત્કાલિક નિકાલ સંબંધિત તંત્ર દ્વારા કરી દેવાયો છે.

વિધાનસભાની સામાન્ય ચૂંટણી કચ્છની 6 બેઠકો માટે તા.1-12ના યોજાવાની છે અને ચૂંટણીની તારીખ જાહેર થવાની સાથે જિલ્લામાં અાદર્શ અાચારસંહિતા લાગુ પડી ગઇ છે. અાચારસંહિતા અને ખર્ચ સંબંધી ફરિયાદો માટે સી-વીજીલ નામની અેપ્લિકેશન શરૂ કરાઇ છે.

ફરિયાદી દ્વારા મળેલી ફરિયાદો સંબંધિત ટીમ દ્વારા સંબંધિત ચૂંટણી અધિકારીને મોકલવામાં અાવે છે અને તેનો તાત્કાલિક નિકાલ કરવાના પ્રયાસો કરાય છે ત્યારે કચ્છમાં અત્યાર સુધી અાદર્શ અાચારસંહિતા ભંગની 22 ફરિયાદો અાવી છે. ટીમના નોડેલ અધિકારી તુષાર બારમેડાઅે જણાવ્યું હતું કે, અત્યાર સુધી અાવેલી અાચારસંહિતા ભંગની ફરિયાદોમાં તમામે તમામ રાજકીય પક્ષોના બેનર, પોસ્ટર સંબંધી છે અને અત્યાર સુધી અાવેલી તમામ ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...