સગવડતાના અભાવ:અર્થકવેક મ્યુઝિયમની હાઇડ્રોલિક લિફ્ટ સંચાલકો, પર્યટકો માટે બની માથાનો દુ:ખાવો; 4 વખત બંધ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોંઘી ટિકિટ આપી આવતા મુલાકાતીઓમાં સંપૂર્ણ સગવડતાના અભાવે કચવાટ

નવરાત્રિથી જ પ્રવાસી ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે સ્મૃતિવનની એક લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે તો અર્થકવેક મ્યુઝિયમને 30 હજાર જેટલા પ્રવાસીઓએ નિહાળ્યું છે. કચ્છ આવવા માટે સફેદ રણ બાદનું સૌથી મોટું આકર્ષણ એવા સ્મૃતિવનમાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્મિત ભૂકંપ સંગ્રહાલયની સગવડતાઓમાં ક્યાંક ને ક્યાંક કચાશ આવનારમાં કચવાટ ફેલાવે છે. મ્યુઝિયમ શરૂ થયા બાદ 50 દિવસમાં ત્રણથી ચાર વખત હાઇડ્રોલિક લિફ્ટ બંધ થઈ જતા વરિષ્ઠ અને મહિલા મુલાકાતઓ માટે સંપૂર્ણ સંગ્રહાલય જોવું મુશ્કેલીરૂપ બન્યું હતું.

ઉલ્લેખનીય છે કે 300 રૂપિયા જેટલી મોંઘી ટિકિટ ખર્ચ્યા બાદ જો મુલાકાતથી આખું મ્યુઝિયમ જોઈ ન શકે તો નિરાશ થાય.અદ્યતન ટેકનોલોજીથી નિર્મિત ભૂકંપ સંગ્રહાલયમાં વિવિધ વિષયોને સાંકળીને અદભુત સગવડતાઓ સાથેનું મ્યુઝિયમ સ્મૃતિવનમાં બનાવવામાં આવ્યું છે. સિનિયર સિટીઝન અને મહિલા મુલાકાતીઓને ધ્યાનમાં રાખીને બધા જ વિભાગની મુલાકાત લઈ શકે તે માટે છ હાઈડ્રોલિક લિફ્ટ પણ ઊભી કરવામાં આવી છે. જો કે, લોકાર્પિત થયા બાદ આ લિફ્ટ સંચાલકો અને પર્યટકો માટે વારંવાર બંધ થવાને કારણે માથાનો દુખાવો બની છે.

આ અંગે સોની પ્રોજેક્ટના કર્મચારી વલીમભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ લિફ્ટ હાઈડ્રોલિક સિસ્ટમથી ઓપરેટ થતી હોવાથી તેનું યોગ્ય જાણકાર વ્યક્તિ દ્વારા સંચાલન થવું જોઈએ. ઉપરાંત મેન્ટેનન્સ માટે ખાસ કુશળતા ધરાવતા ઇજનેર અમદાવાદથી આવે ત્યાં સુધી તે બંધ રહે છે જોકે હાલ ચાલુ હોવાનું ઉમેરી અને આવી કોઈ ટેકનિકલ ક્ષતિ ન થાય તેના માટેના કંપની દ્વારા પ્રયાસો ચાલુ હોવાનું કહ્યું હતું. તો જીએસડીએમએ ના અધિકૃત અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં લિફ્ટ બંધ હતી ત્યારબાદ ચાલુ જ છે.

બંધ હતી તે ગાળામાં કદાચ અગવડતા પડી હોઈ શકે. વાસ્તવમાં રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ છ હાઇડ્રોલિક લિફ્ટ સુપ્રત કરવામાં આવી ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેફટી ફીચર હોવા જોઈએ તે પૂર્ણ થયા ન હતા. જોકે હાલમાં તે પણ લગાવવામાં આવ્યા હોવાથી કોઈ દુર્ઘટનાને અવકાશ નથી.

અન્ય સમાચારો પણ છે...