લમ્પી કાળો કેર:કચ્છમાં વાઈરસના કારણે પશુઓના થઈ રહ્યા છે ટપોટપ મોત, અત્યાર સુધીમાં મૃત્યુઆંક 840 પર પહોંચ્યો

કચ્છ (ભુજ )19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ જિલ્લામાં રાજ્યની સૌથી વધારે 5.74 લાખ ગાયોની વસ્તી આવેલી છે.
  • પશુપાલકો, ગૌશાળા વગેરે માટે ગૌવંશને લમ્પીથી બચાવવા સૂચનો જાહેર કરાયા
  • જિલ્લામાં 99,787 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું

કચ્છમાં લમ્પી સ્કિન ડિસીઝનો (Lumpy Skin Disease) કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે પશુધનની મોટી વસતી ધરાવતા કચ્છ જિલ્લામાં (Kutch Animals) આ રોગની ગંભીરતાને સમજીને જિલ્લા તંત્રએ (Kutch District Administration) પણ મોડેથી સજ્જતા દર્શાવી છે.અને પશુ રોગના બચાવ માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જોકે અઢી મહિના પહેલા શરૂ થયેલા આ રોગે હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કિસાન કોંગ્રેસના (Kisaan Congress) પ્રદેશ ચેરમેન પાલ આંબલીયા (Paal Ambaliya) પણ કચ્છ આવી આ મુદ્દે જિલ્લા તંત્રને પગલાં લેવા રજૂઆત કરી હતી. મુદ્દો રાજ્યમાં ગરમ થતાં જિલ્લા પંચાયત (Kutch Jilla Panchayat) દ્વારા ગ્રામ પંચાયતો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે અને લમ્પી વાયરસથી બીમાર પશુઓને બહાર કાઢવા બદલ પશુપાલક વિરુદ્ધ રૂ. એક હજાર અથવા તેથી વધુનો દંડ કરવાની સૂચના પણ આપી છે.

લખપતના કૈયારી ગામથી શરૂ થયેલો રોગ હવે સમગ્ર જિલ્લાના પશુધનમાં પહોંચ્યો
ડો. હરેશ ઠક્કર (ડેપ્યુટી ડાયરેકટર એનિમલ વિભાગ જિલ્લા પંચાયત) નાં જણાવ્યા અનુસાર કચ્છ જિલ્લામાં રાજ્યની સૌથી વધારે 5.74 લાખ ગાયોની વસ્તી આવેલી છે. અને કુલ 102 ગૌશાળાઓ આવેલી છે. ત્યારે એપ્રિલ મહિનામાં કચ્છના સરહદીય લખપત તાલુકાના કૈયારી ગામમાં આ રોગ ફેલાવવાની શરૂઆત થઈ હતી. તો લખપતથી શરૂ થયા બાદ આ રોગ ધીમે ધીમે અબડાસા, નખત્રાણા, માંડવી, મુન્દ્રા અને ત્યારબાદ જિલ્લાભરમાં ફેલાયો હતો. સરકારી આંકડા મુજબ અત્યારસુધીમાં જિલ્લામાં 26,917 કેસ નોંધાયા છે જેની સામે મોતના આંકડા જિલ્લા પશુપાલન અધિકારી પાસે સત્તાવાર રીતે ઉપલબ્ધ ન હોતાં આંકડો જિલ્લા વિકાસ અધિકારીના 'અંગત અભિપ્રાય' મુજબ એક હજારથી વધારે છે.

લમ્પી રોગ આફ્રિકા અને મિડલ ઈસ્ટના દેશોમાંથી ભારતના ઓડિશામાં પ્રવેશ્યો હતો
પશુ રોગ સંશોધન ભુજ કચેરીના આસિસ્ટન્ટ ડાયરેકટર ડૉ. વી. બી. રામાણીના જણાવ્યા અનુસાર આ રોગ આફ્રિકા અને મિડલ ઈસ્ટના દેશોમાંથી ભારતના ઓડિશામાં પ્રવેશ્યો હતો. તો ગુજરાતમાં આ રોગ ગત વર્ષે પ્રથમ વખત વલસાડમાં નોંધાયો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે આ રોગ કેપરીપોક્સ નામના વાઈરસથી થાય છે અને ગાય ભેંસ વર્ગના પશુઓને શિકાર બનાવે છે. એક પશુથી બીજા પશુમાં મચ્છર, માખી, જુ, ઉતરડી જેવા જીવાતથી ફેલાય છે, તો સાથે જ પશુપાલક પણ અનેક પશુઓના સંપર્કમાં આવતા આ રોગ ફેલાઇ શકે છે.

લમ્પી રોગના કારણે 840 જેટલા પશુઓના મોત જિલ્લામાં થઈ ચુક્યા છે ત્યારે મૃત પશુઓના નિકાલ માટે ગામન બહાર ખાડો ખોદી તેમાં વાયરસનાં કારણે મરણ જનાર પશુઓને દાટવાથી રોગનો ફેલાવો રોકી શકાય છે. તો રોગનો ફેલાવો રોકવા ગામડાઓ દ્વારા આઇસોલેશન વોર્ડ બનાવી શકાય છે તેવું અભિપ્રાય પણ પશુ સંશોધન અધિકારીએ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસ દ્વારા સરકાર સમક્ષ પગલાં લેવાની રજૂઆત કરાઈ હતી
તો છેલ્લા થોડા દિવસોમાં આ રોગ પ્રત્યે ચિંતા વધતા કિસાન કોંગ્રેસના પ્રાદેશિક નેતા પાલ આંબલીયાના કચ્છ પ્રવાસ બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક પત્રકાર પરિષદ બોલાવી આગળની કામગીરી વિશે માહિતગાર કર્યા હતા. તો ગ્રામ પંચાયતો માટે લમ્પી વાયરસ મુદ્દે નોંધણી, કાળજી અને મૃત પશુના નિકાલ માટે સૂચનાઓ આપતો પરિપત્ર અમલમાં મૂકવામાં આવ્યો હતો.

તંત્ર દ્વારા પશુપાલકો માટે પરિપત્ર બહાર પડાયો
પરિપત્ર મુજબ ગામડાઓમાં લમ્પી વાયરસથી પીડાતા પશુઓને તેમના માલિકો દ્વારા ઘરમાંથી બહાર કાઢવા પર મનાઈ ફરમાવવામાં આવી છે અને જો આ નિયમનો ઉલ્લંઘન થાય તો ગ્રામ પંચાયત જે તે પશુપાલક પર રૂ. એક હજાર અથવા તેનાથી વધારેનો દંડ ફટકારી શકશે. તો સાથે જ ગ્રામ પંચાયતો દ્વારા લમ્પી વાઈરસના નોંધાયેલા કેસ, મોત અને રસીકરણનો રેકોર્ડ રાખવું પડશે. મૃત પશુઓનું નિકાલ કરવા માટે પણ ગામની બહાર મોટા ખાડા ખોદી તેમાં પશુપાલન વિભાગની માર્ગદર્શિકા મુજબ દાટવાની કામગીરી કરવાની રહેશે, જે માટેનું ખર્ચ ગ્રામ પંચાયતના સ્વભંડોળ, નાણાપંચની ગ્રાન્ટ અથવા તો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી કરવાનું રહેશે.

જિલ્લા પંચાયત દ્વારા 16 ટીમ કામે લગાવી
તો સાથે જ જિલ્લા પંચાયત દ્વારા રાજ્ય સરકાર પાસેથી ચિકિત્સકો અને નિરીક્ષકોની વધારાની 16 ટીમની માંગ કરી છે, જેમાંથી સરકારે બનાસકાંઠાથી 12 ટીમ ફાળવવામાં આવી છે અને સોમવાર સુધીમાં કચ્છ આવી કામગીરી શરૂ કરશે. ભુજપુર પાંજરાપોળના ટ્રસ્ટી મનોજભાઈ હેનિયાના જણાવ્યા અનુસાર ભુજપુર કાળા ઘોઘા રોડની સીમામાં જે અંદાજીત 250 થી 300 ગાયોના ખુલ્લામાં પડેલા મૃતદેહોનો જે વીડિયો વાયરલ થયેલો તે તમામ ગાયોના મૃત્યુ લંપી વાયરસના કારણે થયેલા હતા.

અન્ય સમાચારો પણ છે...