કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપની યાદમાં ભુજીયા ડુંગરની તળેટીમાં બે દાયકે સ્મૃતિવન મ્યુઝીયમનું નિર્માણ કરવામાં આવ્યું છે.હાલમાં પ્રવાસન સિઝન છે જેથી પ્રવાસીઓના ધાડેધાડા આવી રહ્યા છે પણ સ્મૃતિવનમાં આવતા સહેલાણીઓ મ્યુઝીયમની મોંઘી ફી ને ત્યાં જવાનું ટાળી રહ્યા છે.સ્મૃતિવન પરિસરમાં લાખ લોકોની એન્ટ્રી નોંધાઇ છે જેમાં માત્ર અડધા પ્રવાસી જ મ્યુઝિયમની મુલાકાતે આવ્યા છે.બાકીના 300 રૂપિયાની મોંઘી ફી સાંભળીને માત્ર વોક વે અને સન સેટ પોઇન્ટ નિહાળી પરત ગયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 28 ઓગસ્ટના ભુજીયા તળેટીમાં સ્મૃતિવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.જે બાદ થોડા દિવસો સુધી ફી નક્કી કરાઇ ન હોવાથી મુલાકાતીઓ માટે પ્રવેશ નિષેધ રખાયો હતો.બાદમાં એન્ટ્રીના 20 અને મ્યુઝીયમના 300 રૂપિયા ફી નક્કી કરાતા જાગૃત નાગરિકોએ આ ફી વધુ હોવાનું કહી નારાજગી વ્યક્ત કરી હતી પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભૂતકાળમાં જ્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા ત્યારે વ્યાજબી ચાર્જ રાખવાની વાતો થઈ હતી.અલબત્ત વ્યાજબી ફી ના મુદાનો છેદ ઉડી ગયો છે.
તાજેતરમાં સરકારના સચિવ પંકજ કુમારે માહિતી જાહેર કરતા જણાવ્યું હતું કે,છેલ્લા 3 માસમાં 1.22 લાખ લોકોએ સ્મૃતિવનમાં પ્રવેશ મેળવ્યો હતો જેમાં મ્યુઝીયમમાં માત્ર 55 હજાર સહેલાણીઓ જ આવ્યા છે.એકતરફ વડાપ્રધાન મોદી સ્મૃતિવન મ્યુઝીયમ દેશમાં એકમાત્ર હોવાનું અને તે જાપાન અને અમેરિકાના અર્થકવેક મ્યુઝીયમને ટકકર મારતુ હોવાથી એકવાર અવશ્ય મુલાકાત લેવા જણાવી રહ્યા છે બીજી તરફ મ્યુઝીયમમાં સહેલાણીઓ ઓછા આવે છે તે મુદ્દે સરકારે કોઇ ચિંતા સેવી નથી જે પણ ગંભીર બાબત છે.
કચ્છના સ્થાનિક મુલાકાતીઓ માટે તો ફી ઓછી કરો
સ્મૃતિવન મ્યુઝીયમમાં ભૂકંપ સમયના ઘટનાક્રમો રજૂ કરવામાં આવ્યા છે.કચ્છવાસીઓએ આ ઘટનાઓમાંથી જીવંત પસાર થયા છે ત્યારે કમસેકમ કચ્છના સ્થાનિક પ્રવાસીઓ માટે ફી મા રાહત અપાય તે જરૂરી છે.હાલમાં દરેક મુલાકાતીઓ પાસેથી રૂ.300 ફી લેવાય છે ત્યારે સ્થાનિક પ્રવાસી પાસેથી ઓછી ફી લેવાય તેવી માંગણી પણ ઉઠી રહી છે.
પ્રજાકીય પ્રતિનિધિઓનું અકળાવનારું ભેદી મૌન
સરકાર કોઈ પણ નિર્ણય લે ત્યારે તેને સારો ગણાવી સોશ્યલ મીડિયામાં વખાણ કરતી પોસ્ટ મુકવા માટે થનગનતા લોકો તથા પ્રજાકીય પ્રતિનિધિઓ આ મુદ્દે ચૂપકીદી સેવીને બેઠા છે જાગૃત નાગરિકો જણાવે છે કે,આ મુદ્દે નેતાઓ આગળ આવી સરકારમાં રજુઆત કરી ફી મા ઘટાડો કરે તે જરૂરી છે.
ભૂકંપની વરસીના દિવસે એન્ટ્રી નિ:શુલ્ક રાખો
26 જાન્યુઆરી એટલે કચ્છ માટે ગોઝારો દિવસની સ્મૃતિનો દિન છે કારણકે વર્ષ 2000માં આ દિવસે લાખો લોકોએ તેમના પરિવારજનો અને સ્નેહીઓ ગુમાવ્યા હતા અને તેઓની સ્મૃતિમાં જ સ્મૃતિવન મ્યુઝીયમ,ચેકડેમ, નેમ પ્લેટ લગાવી આ સ્થળનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે કમસેકમ આ દિવસે કચ્છવાસીઓ માટે આ સ્થળે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવે એ મૃતકોને સાચી શ્રધ્ધાજલી કહેવાશે.દરરોજ સવારે મોર્નિંગ વોક માટે એન્ટ્રી ફ્રી રખાતા દરરોજ સવારે 5 થી 9 પાર્કિંગમાં જગ્યા મળતી નથી એ જગ્યાનું મહત્વ દર્શાવે છે.
માહિતીના અભાવે ઘણા પ્રવાસીઓ ભટકાય છે
કચ્છવાસીઓ સ્મૃતિવન શુ છે તે જાણે છે પણ બહારથી આવતા લોકો પાસે પૂરતી માહિતી હોતી નથી.તેઓ આ સ્થળને માત્ર પ્રવાસન સ્થળ સમજી બેસે છે પણ હકીકતમાં આ લોકોની લાગણી અને યાદો સાથે જોડાયેલું સ્થળ છે.જેથી બહારના પ્રવાસીઓને સાચી માહિતી મળે તે પણ અનિવાર્ય છે.અગાઉ પ્રવાસીઓ માટે લિફ્ટની સેવા બંધ હોવાના અને ડિજિટલ યુગમાં સ્કેનર ન હોવાના મુદા પણ ઉપસ્થિત થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.