સારો વરસાદ પડી ગયા બાદ પાવરપટ્ટી પંથકમાં મોટાપાયે અેરંડાનું વાવેતર કરાયું છે પરંતુ વિષમ વાતાવરણના કારણે પાક સુકાતાં કિસાનોની ચિંતા વધી ગઇ છે. અા પાકને શિયાળાની ઋતુ વધુ માફક અાવે છે પરંતુ કચ્છમાં શિયાળાની શરૂઅાત થઇ ગઇ હોવા છતાં પણ ઠંડી નહિવત છે અને દિવસે તાપ તેમજ રાત્રે ઠંડકથી બેવડી ઋતુ અનુભવાય છે.
ગરમીના કારણે હવે અેરંડાના છોડ સુકાવવા લાગ્યા છે. ખડૂતોના કહેવા મુજબ સામાન્ય રીતે અોગસ્ટ મહિનામાં વાવેતર કરેલા અેરંડામાં હાલે સુકારો જોવા મળી રહ્યો છે. ખેડ, ખાતર, દવાનો છંટકાવ સહિતનો ખર્ચો કર્યા બાદ જયારે ફાલ ઉતારવાનો સમય અાવ્યો છે ત્યારે છોડ સુકાતાં કિસાનોની ચિંતા વધી ગઇ છે. સામાન્ય રીતે દિવાળી બાદ ઠંડીની ધાર વધુ તેજ બને છે પરંતુ દિવાળી બાદ ઠંડીનું જોર ન વધતાં ગરમી યથાવત છે અને ગરમ હવામાનની અેરંડાના પાક પર વિપરીત અસર પડી રહી છે.
રવિ પાક પર પણ વિપરીત અસર
ખેડૂત અગ્રણી કરશન ડાંગરે જણાવ્યું હતું કે, પાવરપટ્ટી પંથકમાં રવિ પાકમાં રાયડો, ઘઉં, ધાણા સહિતના પાકોનું પણ વાવેતર થઇ ગયું છે પરંતુ વાતાવરણીય વિષમતાના કારણે રાયડાનો પાક ઉગી ન નીકળતાં અમુક ખેડૂતોઅે રાયડાનું વાવેતર કર્યા બાદ ફરીથી ખેતર ખેડી નાખી તેમાં ખેડાણ કરીને બીજી વખત વાવેતર કર્યું છે, જેથી કિસાનોને અાર્થિક ફટકો પડ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.