ઉભા પાકમાં નુકશાન:પશ્વિમ કચ્છમાં પડેલા અતિ વરસાદના કારણે ખારેક, શક્કરટેટી અને કપાસનો ઉભો પાક પાણીમાં ધોવાયો

કચ્છ (ભુજ )2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુન્દ્રા માંડવી વિસ્તારમાં ખારેકમાં અને નખત્રાણા પંથકમાં શક્કર ટેટી અને કપાસના પાકમાં નુકસાન

પશ્ચિમ કચ્છના નખત્રાણા, મંડવી, અબડાસા, લખપત અને મુન્દ્રા તાલુકામાં 20 ઇંચથી વધુ અતિ વરસાદ પડી જતા ખારેક, શક્કરટેટી અને કપાસના પાકમાં વ્યાપક નુકશાની પહોંચતા આર્થિક ફટકો પડયો હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે. અતિવૃષ્ટિ તરફ જઈ લઈ જઈ રહેલા વરસાદથી નખત્રાણા પંથકના ગ્રામીણ વિસ્તારના ખેડૂતોનો ઉભો પાક સડી જતા હાલાકી ઉભી થઇ છે. છેલ્લા પખવાડિયાથી અવિરત વરસી રહેલા વરસાદના કારણે રામપર ( પિયોણી ) વિસ્તારમાં હાલ સક્કરટેટી પાક સંપૂર્ણ પણે બગડી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

ખેડૂત દીઠ શક્કરટેટીના પાકમાં રૂ. 5 લાખ જેટલું નુકશાન
આ અંગે રામપર ગામના ખેડૂત ઈશ્વર મનજી કેશરાણીએ જણાવ્યું હતું કે તેમણે પોતાની વાડીમાં પાંચ એકરમાં સક્કરટેટીનો પાક લીધો હતો.જે જુલાઈ મહિના સુધી ઉપજ મેળવી શકા તેમ હતું. પરંતુ આ વિસ્તારમાં પચીસ ઇંચથી પણ વધુ એકધારો વરસાદ પડતાં ખેતરના ચાસમાં પાણી ભરાઈ ગયા છે, ભરાયેલા પાણીનો નિકાલ ના થઈ શકતા 25 ટન જેટલુ ઉત્પાદન નાશ પામ્યુ છે..સરેરાશ રૂ.20 પ્રતિ કિલોના હોલસેલના ભાવે થતાં સોદા પ્રમાણે રૂ.પાંચ લાખ જેટલું નુકશાન થયુ છે. આજ પ્રકારે આ વિસ્તારના અનેક ખેડૂતોને શક્કર ટેટીના પાકમાં હાનિ પહોંચી છે.

દાડમ અને કપાસના પાક પણ નુકશાનીનો ભોગ બન્યા
નખત્રાણાના વિથોણ ગામના ખેડૂત વેલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે દાડમના પાકને પણ મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. છોડની આસપાસ વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે.જેનાથી નુકશાન થશે તેમજ ફલાવરિંગને પણ મોટું નુકશાન થશે. આજ ગામના શાંતિલાલ નાયાણીના જણાવ્યા અનુસાર ગઈ કાલે વરસેલા વરસાદના કારણે ચાર એકરમાં વાવવામાં આવેલ કપાસના પાકને ખેતરમાં વરસાદી પાણી ફરી વળતાં ખૂબ જ નુકશાન થયું છે. જ્યારે
મોહન કેશરાણીના જણાવ્યા અનુસાર બારહી ખારેકને પણ અવિરત વરસતા વરસતા મોટું નુકશાન થયુ છે. જોકે જે ખેડૂતોએ પ્લાસ્ટિકથી ખારેકને રક્ષણ આપેલુ છે તેમને 10 ટકા જેટલું નુકશાન થયું છે ,જ્યારે અન્ય ખેડૂતોએ પ્લાસ્ટિકથી ખારેકને રક્ષણ નથી આપ્યું તેવી ખારેકને 25 થી 40 ટકા જેટલું નુકશાન થયું છે. આજ પરિસ્થિતિ કપાસના પાકમાં પણ ઉદ્દભવી છે.

અન્ય સમાચારો પણ છે...