હવાઇસેવા શરૂ થવાની શકયતા:ચૂંટણી અને રણોત્સવના કારણે એરપોર્ટ ધમધમ્યું આજથી ભુજ-મુંબઈ વચ્ચે રોજ ફલાઇટની સેવા

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફ્રેબ્રુઆરીમાં યોજાનારી જી-20 સમીટ તેમજ એરપોર્ટ પર ઉપલબ્ધ સુવિધાઓને લઈને વધુ હવાઇસેવા શરૂ થવાની શકયતા
  • અગાઉ સપ્તાહમાં માત્ર 4 દિવસ સેવા હતી છેલ્લા પખવાડિયાથી દરરોજ ખાનગી ચાર્ટ્ડનું આગમન

જિલ્લામથક ભુજ એરપોર્ટ પર અવારનવાર વિમાનીસેવા વધારવાની માંગણી વચ્ચે આજથી આખરે ભુજ-મુંબઈની હવાઈ સેવા રેગ્યુલર થઈ છે.અગાઉ માત્ર સપ્તાહમાં 4 જ દિવસ ભુજ અને મુંબઈ વચ્ચે હવાઈ કનેક્ટિવિટી હતી.જેની સામે હાલમાં રણોત્સવના પ્રવાસીઓનું આગમન અને ચુંટણીને લઈને નેતાઓનું આગમન થતું હોઇ આ સેવા રેગ્યુલર થઈ છે.આજથી ભુજ અને મુંબઈ વચ્ચે દરરોજ વિમાનીસેવા મળી રહેશે.

વર્ષો પહેલાં જેટ એરવેઝની ફ્લાઇટ દરરોજ ભુજથી મુંબઈ વચ્ચે ઉડાન ભરતી હતી અને તેને પ્રવાસીઓની સંખ્યા પણ સારી મળી રહેતી હતી. પરંતુ જેટ એરવેઝ બંધ થયા બાદ ભુજથી મુંબઈને જોડતી કોઈ ફ્લાઇટ ટકી શકી નથી. આ વચ્ચે છેલ્લા લાંબા સમયથી એલાયન્સ એરની 35 સીટર ફ્લાઇટ ભુજ મુંબઈ વચ્ચે કાર્યરત છે. આ ફ્લાઇટ સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવાર એમ સપ્તાહમાં ચાર દિવસ ઉડાન ભરી રહી છે.દરમ્યાન રણોત્સવ શરૂ થઈ જતા દેશ વિદેશના પ્રવાસીઓ કચ્છમાં આવી રહ્યા છે. રોડ અને રેલ માર્ગે સારી પરિવહન સુવિધા હોતા પ્રવાસીઓને રાહત મળે છે પરંતુ ફ્લાઇટ પસંદ કરનારા વર્ગ માટે અનિયમિત ફ્લાઇટ પરેશાની બની રહે છે.

ભુજ એરપોર્ટ તરફથી પણ એરલાઇન્સ કંપનીને ફ્લાઇટની ફ્રિકવન્સી વધારવા જાણ કરાઈ હતી. પ્રવાસીઓનો ધસારો વધતા એરલાઇન્સ કંપનીએ આ ફ્લાઇટ દૈનિક ચલાવવાનું નક્કી કર્યું છે.જેથી આજથી બુધવાર,શુક્રવાર અને રવિવારે પણ સેવા મળી રહેશે.જેથી મુસાફરોને લાંબા ગાળે ફાયદો થશે.દરમ્યાન હાલમાં ચૂંટણી હોવાથી છેલ્લા 15 દિવસથી દરરોજ ખાનગી ચાર્ટ્ડ પ્લેન ભુજ એરપોર્ટ પર લેન્ડ કરી રહ્યા છે.દરરોજ એકથી બે ખાનગી વિમાન આવતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.તો પ્રથમ વખત ગુરુવારે એલાયન્સ અને સ્ટાર એરની રેગ્યુલર ફલાઇટની સાથે 3 ખાનગી વિમાનની અવરજવર પણ એરપોર્ટ પર નોંધાઇ છે.

જેથી લાંબા સમયથી યાતાયાતની રાહ જોતું ભુજ એરપોર્ટ ફરી વિમાન અને પ્રવાસીઓના આવાગમનથી ધમધમતું થઈ ગયું છે.મહ્ત્વની વાત એ છે કે,આગામી ફેબ્રુઆરી મહિનામાં સફેદ રણ ખાતે જી-20 ની સમીટ યોજાવાની છે જેને લઈને વિદેશના ડેલીગેટ્સ પણ ધોરડો આવશે જેથી ચૂંટણી પૂર્ણ થતાં ડિસેમ્બર અંત સુધીમાં નવી વિમાની સેવા શરૂ થવાની શકયતા છે.

ખાનગી એરલાઇન્સ કંપનીઓએ ભુજ એરપોર્ટને માત્ર કમાણીનું સાધન બનાવ્યું
ખાનગી એરલાઇન્સ કંપનીઓએ ભુજ એરપોર્ટને માત્ર કમાણીનું જ સાધન બનાવીને રાખ્યું છે.કારણ કે જ્યારે પ્રવાસન સીઝન હોય કે ધસારો વધવાનો હોય એવા સમયે ફલાઇટની ફ્રિકવન્સી વધારી દેવામાં આવે છે પણ સામાન્ય દિવસોમાં આ સેવા બંધ પણ ઝડપથી કરી દેવામાં આવે છે. હાલમાં જ્યારે રણઉત્સવ અને ચૂંટણીના કારણે પ્રવાસીઓની સંખ્યા વધી છે ત્યારે વિમાની સેવા વધારી દેવાય છે પણ અગાઉના વર્ષોની જેમ રણઉત્સવ પૂર્ણ થતા ફલાઈટ સેવા ચાલુ રહેશે કે ફરી બંધ થઈ જશે તે મુદ્દે પણ જાગૃત નાગરિકોએ સવાલો ઉઠાવ્યા છે.બીજી મહત્વની વાત એ કે, જ્યારે ફુલ સિઝન હોય ત્યારે ખાનગી એરલાઇન્સ કંપનીઓ દ્વારા તગડાથી ચાર ગણા ભાડા વસૂલવામાં આવતા હોય છે. દિવાળીના દિવસોમાં તો મુંબઈની ફ્લાઈટ માટે 25 થી 30 હજાર રૂપિયા ટિકિટનો દર વસુલાયો હતો તેમજ ફલાઇટ કેન્સલ થઈ જાય તો રીંફડ માટે પણ હેરાનગતિ ઉભી કરવામાં આવતી હોવાનું મુસાફરવર્ગે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...