4 વર્ષ પહેલા ધરમની બહેનને હાથ ઉછીના આપેલા રૂપિયા પરત લેવા ગયેલા ભુજના દંપતીને માર મારવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA)માં આંકડા અધિકારી તરીકે ફરજ બજાવતા નીલમબેન પટેલે બનાવ સંદર્ભે જૂની રાવલવાડીમાં હનુમાન મંદીર પાસે રહેતા જીગ્નેશભાઈ લાલજીભાઈ જોશી,પત્ની ફાલ્ગુનીબેન,દીકરો રામ અને દીકરી નંદીની સામે ફરિયાદ નોંધાવી હતી.
જે પ્રમાણે, ફરિયાદીના પતિ કૌશિકભાઈ પટેલ હાલમાં આદિપુરની HDFC બેન્કમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે.કૌશિક અગાઉ 2019માં ભુજમાં HDFC બેન્કમાં નોકરી કરતા હતા ત્યારે જૂની રાવલવાડીમાં રહેતાં ફાલ્ગુની જોશીના પરિચયમાં આવતા ફાલ્ગુનીને ધરમની બહેન બનાવી હતી.
2019 માં ફાલ્ગુનીને નાણાંની જરૂર પડતાં કૌશિકે સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવીને રૂ.1 લાખ એક વર્ષની મુદ્દતમાં પાછાં આપી દેવાની શરતે ઉછીના આપ્યા હતા.દરમિયાન, છ માસ બાદ ફાલ્ગુનીને વધુ નાણાંની જરૂર પડતા ફરિયાદીના પતિ કૌશિકે વધુ 50 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા.
ઉછીના આપેલા દોઢ લાખ પરત મેળવવા માટે ઉઘરાણી કરવા છતાં માત્ર વાયદા આપવામાં આવતા અને છેલ્લે ફાલ્ગુનીએ 25 એપ્રિલના નાણાં આપવાનો વાયદો કર્યો હતો છતાં રૂપિયા ન મળતા ગુરુવારે રાત્રે 11 વાગ્યાના અરસામા નીલમબેન પતિ કૌશિક સાથે ફાલ્ગુનીના ઘરે નાણાંની ઉઘરાણી માટે ગયાં હતા.
તે સમયે ફાલ્ગુની અને તેના પરિવારે પૈસા નહીં મળે થાય તે કરી લો તેવું કહેતાં મામલો બીચક્યો હતો. આરોપી જિજ્ઞેશે લોખંડના પાઈપનો ટૂકડો નીલમબેનના ડાબા હાથે ફટકાર્યો હતો અને ફાલ્ગુનીબેન,તેની દીકરી નંદિની અને પુત્ર રામે ભુંડી ગાળો આપી બબાલ કરતા પોલીસને ફોન કરીને બોલાવવામાં આવી હતી જે બાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો જેથી ચારેય જણા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સામાવાળાએ વળતી ફોજદારી નોંધાવી
દરમિયાન રાવલવાડીમાં રહેતા ફાલ્ગુનીબેનની 22 વર્ષીય દીકરી નંદિની જોશીએ શહેરના ભાનુશાલીનગરમાં રહેતા નીલમબેન અને તેમના પતિ કૌશિક સામે મારામારીની વળતી ફરિયાદ એ ડિવિઝનમાં નોંધાવી હતી.જેમાં દંપતીએ ઉછીના રૂપિયા પરત લેવા મુદ્દે ઝગડો કરી ફરિયાદીને માર માર્યો હોવાનું અને જો નાણાં નહિ મળે તો મારી નાખવાની ધમકી અપાઈ હોવાનું જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.