નખત્રાણા ખાતે આજે મંગળવારે ટ્રાફિકથી ભરચક વિસ્તારમાં સી.એન.જી. ગેસના સિલિન્ડર ભરેલો માલવાહક છકડો અચાનક પલ્ટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. સદભાગ્યે આ બનાવમાં જાનહાનિ ટળી હતી. સી.એન.જી. ગેસના બાટલા ભરેલો છકડો નજીકમાં ઊભેલી અલ્ટો કાર સાથે ટકરાઈ પડતા કારમાં આગળના ભાગે નુકશાન થયું હતું. બનાવના પગલે થોડીવાર માટે લોકોમાં ભાગદોડ થઈ જવા પામી હતી.
નખત્રાણા ખાતેના બેરું ગોળાઈ પાસેના જાહેર માર્ગ પર પલટી ગયેલા છકડા વિશે રાહદારીઓએ જણાવ્યું હતું કે, પુરપાટ જતા વાહન ચાલકે અચાનક વાહન પર નિયંત્રણ ગુમાવતાં છકડો પલટી ગયો હતો. સદનસીબે ગેસના સિલિન્ડર ખાલી હોવાના કારણે કોઈ નુકસાન થયું ન હતું. પરંતુ જો સિલીન્ડર ભરેલા હોત તો તેમાં ધડાકા થવાની સંભાવના હતી. પરંતુ ગેસ સિલિન્ડર ખાલી હોવાથી મોટો અકસ્માત ટળ્યો હતો. આ વિશે ગેસ વિક્રેતા જયભાઈએ જણાવ્યું હતું કે છકડોની ક્લેચ તૂટી જતા આ બનાવ બન્યો હતો પરંતુ તેમાં કોઈને ઇજા પહોંચી નથી.
અલબત્ત જિલ્લામાં ભચાઉ સહિતના તાલુકા મથકોએ પ્રતિબંધિત જાહેર કરાયેલા જૂના છકડાઓમાં હજુ પણ રાંધણ ગેસના બાટલાઓનું જોખમી પરિવહન થઈ રહ્યું છે, જે ભવિષ્યમાં ઘાતક સાબિત થઈ શકે છે. ત્યારે આ પ્રકારે થતા ગેસના બાટલાના પરિવહન પર સંબધિત તંત્ર દ્વારા અંકુશ મુકવામાં આવે એવી લોકોએ માગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.