દિવ્યાંગ છીએ તો શું થયું?:કચ્છના માધાપર પાસેની કન્યા શાળાની દિવ્યાંગ છાત્રાઓ સહયોગી દાતાઓ માટે બનાવી રહી છે 5000 રાખડીઓ

કચ્છ (ભુજ )20 દિવસ પહેલા
  • શાળા ખાતે કચ્છી હસ્તકળાની વિવિધ તાલીમ દીકરીઓને અપાય છે
  • વર્ષ દરમિયાન આવતા તહેવાર અનુરૂપ વિવિધ વસ્તુઓની તાલીમ પ્રમાણે વસ્તુ બનાવાય છે

જિલ્લા મથક ભુજ નજીક માધાપર પાસે આવેલી શ્રી નવચેતન અંધજન મંડળ સંચાલિત કન્યા પ્રાથમિક શાળામાં છાત્રાઓ વિવિધ કચ્છી હસ્તકળાની તાલીમ મેળવી પોતાની કળા રજૂ કરતી રહે છે. આગામી રક્ષાબંધનના તહેવાર પ્રસંગે હાલ શાળાની દિવ્યાંગ વિદ્યાર્થિનીઓ 5 હજાર જેટલી રાખડીઓ બનાવી રહી છે. જે સંસ્થાને આર્થિક સહયોગ આપતા દેશ વિદેશના સખી દાતાઓને ભેટ સ્વરૂપ પહોંચાડવામાં આવશે. શાળામાં અભ્યાસ સાથે શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગ દીકરીઓ રેસમની દોરમાં રંગબેરંગી મોતી પરોવી રાખડીઓ બનાવતી જોવા મળી રહી છે. તેમની આ કળા તેમને ભવિષ્યમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. રાખડી સિવાય મડ વર્ક, ગ્રીટિંગ કાર્ડસ, માટીની મૂર્તિઓ, ઘઉંના લોટમાંથી દીવડાઓ સહિતની અનેક હાથ બનાવટની વસ્તુઓ બનાવતા શીખી રહી છે.

દિવ્યાંગ દીકરીઓને અભ્યાસ સાથે છાત્રાલયની નિઃશુલ્ક સેવા પ્રાપ્ત થાય છે
શ્રી નવચેતન અંધજન મંડળ સંચાલિત કુમાર શાળા અને પ્રાથમિક કન્યા શાળા તથા છાત્રાલય હાલ માધાપર સ્થિત બે અલગ અલગ એકમ ખાતે કાર્યરત જોવા મળી રહી છે. જેમાં કન્યા શાળા ખાતે જરૂરતમંદ શારીરિક માનસિક દિવ્યાંગ દીકરીઓને અભ્યાસ સાથે છાત્રાલયની નિઃશુલ્ક સેવા પ્રાપ્ત થઈ રહી છે. પ્રાથમિક કન્યા શાળામાં હાલ 112 છાત્રાઓ અભ્યાસ કરી રહી છે. તેમાં 55 થી વધુ વિદ્યાર્થિનીઓ દિવ્યાંગ છે. તેઓને શાળા સમય દરમિયાન એક તાસ સૌ કાર્ય પ્રવુતિ હેઠળ હસ્તકળાની તાલીમ આપવામાં આવે છે. જેના અંતર્ગત તેઓ રક્ષાબંધન તહેવારના ઉપલક્ષમાં રાખડી બનાવતા શીખી રહી છે. આ પ્રવુતિ દ્વારા ગરીબ ઘરની છાત્રાઓ ભવિષ્યમાં આત્મનિર્ભર બની શકે તે માટે કરવામાં આવતા હોવાનું શાળા તરફથી જણાવાયુ હતું.

ઇતર પ્રવુતિ દ્વારા દિવ્યાંગ દીકરીઓમાં આત્મવિશ્વસનો વધારો થાય છે
કન્યા શાળાના આચાર્ય જલ્પાબેન મારુએ છાત્રાઓને તાલીમબદ્ધ શિક્ષણ આપવાની જવાબદારી ઉધોગ શિક્ષિકા ગીતાબેન ભટ્ટને સોંપી છે. ગીતાબેને કહ્યું કે શાળા સમય દરમિયાન એક કલાક દિવ્યાંગ અને સામાન્ય દીકરીઓને વિવિધ વસ્તુઓ બનાવતા શીખવવામાં આવે છે. છાત્રાઓને ઉધોગ રૂમ ખાતે સિલાઈ કામ, પેન્ટિંગ, ગ્રીટિંગ કાર્ડસ, ઉન વર્ક, ભરત ગૂંથણ, મડ વર્ક જેવી અનેક હસ્તકળાની તાલીમ આપવામાં આવે છે. તેમજ વર્ષ દરમિયાન આવતા જાહેર તહેવારો નિમિતે તેને અનુરૂપ વસ્તુઓ બનાવતા શીખવીએ છીએ. આ પ્રવુતિ દ્વારા દિવ્યાંગ દીકરીઓમાં આત્મવિશ્વસનો વધારે કરે છે, જે તેમના ભાવિ માટે આત્મનિર્ભર બનાવવામાં પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. હાલ 50 જેટલી દીકરીઓ રાખડી નિર્માણના કાર્યમાં પ્રવૃત છે.

હસ્તકળાની સ્પર્ધા યોજી વિજેતા છાત્રાઓને પ્રોત્સાહિત કરાય છે
વિશેષમાં જણાવતા તેમણે કહ્યું કે છાત્રાઓને તહેવાર અનુરૂપ વસ્તુઓની તાલીમ આપવાની સાથે બાદમાં વસ્તુ નિર્માણ અંગે સ્પર્ધા પણ યોજાતી રહે છે. તેમાં દિવ્યાંગ કક્ષા અનુસાર અલગ અલગ કેટેગરીમાં તેમને વિજેતા ક્રમ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવતી રહે છે. જે તેમના માનસિક વિકાસમાં ખૂબ લાભદાયક બને છે. ખૂબીની વાત એ છે કે શારીરિક ખોટ ધરાવતી દીકરીઓ પણ રાખડી, માટીની મૂર્તિ, વેસ્ટમાંથી બેસ્ટની કૃતિઓ તૈયાર કરીને ખૂબજ ખુશી વ્યક્ત કરતી હોય છે. આ તમામ કામગીરી સંસ્થાના મહામંત્રી અને સ્થાપક પ્રજ્ઞાચક્ષુ લાલજીભાઈ પ્રજાપતિ સંભાળે છે. અને દેખરેખ સહ મંત્રી હિમાંશુ સોમપુરા રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...