ભાસ્કર એક્સકલૂઝિવ:જિલ્લા પંચાયતએ સ્ટેમ્પ ડ્યૂટીની ગ્રાન્ટમાંથી ખાનગી હોસ્પિટલને 50 લાખ ફાળવ્યા!

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીએ ખર્ચ અમાન્ય રાખી આરોગ્ય વિભાગનું ધ્યાન દોર્યું
  • ગુજરાત અદાણી ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડીકલ સાયન્સે ટ્રોમા સેન્ટરના સાધનો માંગ્યા હતા
  • ​​​​​​​ખાનગી નિયંત્રણમાં આવતી સેવા કે મિલકતમાં રકમના ઉપયોગની નથી જોગવાઈ

ખાનગી હોસ્પિટલનું સંચાલન કરતી ગુજરાત અદાણી ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડીકલ સાયન્સે ટ્રોમા સેન્ટરના સાધનોની માંગણી કરવામાં આવી હતી, જેથી જિલ્લા વિકાસ અધિકારીના આદેશથી 50 લાખ રૂપિયાની રકમ ફાળવી દેવામાં આવી હતી. પરંતુ, સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીએ ઓડિટ દરમિયાન સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી ખાનગી હોસ્પિટલને 50 લાખના સાધનો ખરીદવા રકમની ફાળવણીને નિયમ વિરુદ્ધ નોંધીને આરોગ્ય વિભાગના સચિવનું ધ્યાન દોર્યું હતું.

ઓડિટ નોંધમાં જણાવાયું છે કે, ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ જિલ્લા પંચાયત કચેરીની વહીવટી સત્તા અને ફરજોમાં સ્વભંડોળમાંથી કાર્ય કરાવી શકે છે. પરંતુ, તેના નિયંત્રણ હેઠળની સેવામાં જ તે રકમનો વપરાશ કરી શકે છે. ખાનગી નિયંત્રણમાં આવતી સેવા કે મિલકતમાં રકમનો ઉપયોગ કરે તેવી જોગવાઈ થઈ નથી. પંચાયત ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાઠના ઠરાવ મુજબ સ્ટેમ્પ ડ્યૂટીની ગ્રાન્ટમાંથી કોઈ ખાનગી હોસ્પિટલ કે સરકારી હોસ્પિટલને બાંધકામ કરવા કે બાંધકામ ન થયું હોય તેવા કિસ્સામાં તેને સંબંધિત આરોગ્યના સાધનો ખરીદવા રકમ ફાળવવાની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી.

આમ છતાં જિલ્લા પંચાયતના 2018ની 12મી ફેબ્રુઆરી અને 26મી ફેબ્રુઆરીના પત્ર ઉપરથી ગુજરાત અદાણી ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ દ્વારા 2018ની 28મી ફેબ્રુઆરીએ ખરીદ સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં 50 લાખના ખર્ચે જેમ ઉપરથી 18 ફાઈવ ફંકશન ઈલેક્ટ્રીક બેડ, 2 એનેસ્થિક વર્ક સ્ટેશન વિથ મોનિટર અને 5 સિયરિંગ પમ્પ ખરીદવાનું નક્કી થયું હતું. જે બાદ 2018ની 20મી માર્ચે જિલ્લા પંચાયત પાસે ટ્રોમા સેન્ટરના સાધનોની માંગણી કરવામાં આવી હતી, જેથી જિલ્લા વિકાસ અધિકારીએ 2018ની 26મી માર્ચે 50 લાખની રકમ ગુજરાત અદાણી ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડીકલ સાયન્સને ફાળવવામાં આવી હતી.

કયા સાધનની કેટલી કિંમત હતી

નંગસાધનકિંમત રૂપિયામાં
18ફાઈવ ફંકશન ઈલેક્ટ્રિક બેડ2124864
2અેનેસ્થિટિક વર્ક સ્ટેશન વિથ મોનિટર2880000
5સિરિંગ પમ્પ103275

ખરીદ સમિતિમાં સી.ડી.એમ.ઓ. અને ગેઇમ્સના ડોકટર
ગુજરાત અદાણી ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડીકલ સાયન્સે 2018ની 28મી ફેબ્રુઆરીએ ખરીદ સમિતિની રચના કરી હતી, જેમાં ગૈમ્સના મુખ્ય સંચાલક ડો. રાવ અધ્યક્ષ તરીકે હતા.અન્ય પાંચ સભ્યો પૈકી એક સી.ડી.એમ.ઓ. અને બાકીના ગૈમ્સના ડોકટરો હતા.જેમના દ્વારા 2018ની 2જી માર્ચે સાધનોની ખરીદી નક્કી કરીને રોજકામ કરવામાં આવ્યું હતું. જે ધ્યાને લઈને 2018ની 20મી માર્ચે જિલ્લા પંચાયત કચેરી પાસે ટ્રોમા સેન્ટરના સાધનોની માંગણી કરવામાં આવી હતી.

વિભાગના વડાની સમિતિ નહોતી
ઓડિટ નોંધમાં કહેવાયું છે કે, રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ ઉપરાંત નાણા વિભાગના ઠરાવ મુજબ 30 લાખથી વધારે રકમની જેમ પરથી ખરીદી કરવાની થાય. પરંતુ, તેવા કિસ્સામાં વિભાગના વડાની સમિતિ દ્વારા ખરીદીની કાર્યવાહી કરવાની રહે છે. જ્યારે આ કિસ્સામાં 50 લાખથી વધારે રકમના સાધનોની ખરીદીમાં ઠરાવોની જોગવાઈ સિવાય ગૈમ્સના અધિકારી દ્વારા ખરીદી થઈ છે. જે ખરીદી પણ નિયમ મુજબ નથી. જેની ખરાઈ પણ જિલ્લા પંચાયતની કચેરીએ કરી નથી.

રકમ ફાળવાઈ તે અગાઉ સાધનો ખરીદાઈ ગયાની ભીતિ
સામાન્ય સભાના ઠરાવ મુજબ સિવિલ હોસ્પિટલ ભુજમાં જિલ્લાનું પ્રથમ ટ્રોમા સેન્ટ શરૂ થવાનું છે. તેવું સ્પષ્ટ જણાવાયું છે. જ્યારે સાધનોના બિલો અગાઉથી સંસ્થાને મળેલા છે, જેથી ટ્રોમા સેન્ટર અગાઉથી કાર્યરત હોવાનું કે નવું શરૂ કર્યાની ખરાઈ પણ કરાઈ નથી.

દર્દી પાસે ચાર્જ લેવા નથી તેના પ્રમાણપત્ર નથી
દર્દીઓની સારવારનો કોઈ ખર્ચ ચાર્જ વસુલ કરવાનો નથી તેવી શરત છે. પરંતુ, સાધનો ખાનગી સંચાલન કરતી હોસ્પિટલને આપ્યા છે, જેથી દર્દી પાસે કોઈ ચાર્જ લેવાયો નથી તેવા પ્રમાણપત્ર રેકર્ડ ઉપર રાખવામાં આવ્યા નથી અને તેની ખરાઈ પણ કરાઈ નથી.

ડેડ સ્ટોક પર નોંધાયા નથી
2018ની 26મી માર્ચના કાર્યાલય આદેશ મુજબ 50 લાખની રકમ ચૂકવવામાં આવી છે, જેમાં શરત મુજબ સાધનોની માલિકી જિલ્લા પંચાયતની રહેશે. પરંતુ, 25 નંગ સાધનો જિલ્લા પંચાયત કચેરીના ડેડ સ્ટોક પર નોંધવામાં આવ્યાના કોઈ આધારો ઓડિટમાં રજુ કરાયા નથી.

તાંત્રિક મંજુરીના આધારો નથી : શરત મુજબ તાંત્રિક મંજુરીમાં દર્શાવવામાં આવેલા સાધનો ખરીદવાના રહેશે, જેથી સરકારની તાંત્રિક સમિતિએ મંજુરી આપેલી હોય તેના કોઈ આધાર ફાઈલ ઉપર નથી.

અન્ય સમાચારો પણ છે...