26 જાન્યુઅારી, પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી અા વખતે ભુજિયાની તળેટીમાં અાકાર પામેલા સ્મૃતિવનમાં કરાશે, જેમાં 2001ના ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો દિવંગતોને અંજલિ અાપશે. ઉપરાંત વિવિધ કાર્યક્રમો યોજાશે, જેને લઇને કચ્છના કલેક્ટરે બેઠક બોલાવી હતી.
આ વખતે કચ્છમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ભુજના સ્મૃતિવન ખાતે થનારી છે. ત્યારે આ ઉજવણીની પૂર્વ તૈયારી સંબંધિત બેઠક બુધવારે ભુજ કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. કલેકટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે કાર્યક્રમની રૂપરેખા તથા વ્યવસ્થાપન મુદે ચર્ચા કરાઇ હતી.
કલેકટરે પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ધરતીકંપના દિવગંતોના પરિવારજનો દ્વારા અપાનારી શ્રધ્ધાંજલી તેમજ વૃક્ષારોપણ, ટેબ્લો ર્નિદેશન, પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફિક નિયમન સહિતના તમામ આનુસંગિક મુદ્દે પણ ચર્ચા કરીને સંબંધિત વિભાગોને જરૂરી સુચના આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પશ્ચિમ કચ્છ એસ.પી સૌરભસિંઘ, નિવાસી અધિક કલેકટર મિતેશ પંડ્યા, ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત વગેરે હાજર રહ્યા હતા.
ડિઝાસ્ટર તંત્રની યાદી મુજબ જ લોકોને બોલાવાશે : કેટલાકને ફોન ન આવ્યા
કચ્છમાં ભૂકંપ વખતે મૃત્યુ પામેલા લોકોની તકતી સ્મૃતિવનમાં મૂકાઇ છે અને પ્રજાસત્તાક દિને તેમને તેમના પરિવારજનો અંજલિ અાપશે તે માટે ડિઝાસ્ટર તંત્રની યાદી મુજબ સંબંધિત મામલતદાર કચેરી દ્વારા દિવંગતોના પરિવારને ફોનથી જાણ કરી વધુમાં વધુ 4 લોકોને હાજર રહેવા જણાવાય છે ત્યારે તંત્રની યાદી મુજબ અંદાજિત 11 હજાર લોકો મૃત્યુ પામ્યા છે. ભચાઉ શહેર અને તાલુકા તેમજ અન્ય તાલુકાના અમુક પરિવારજનો કે, જેમને ફોન નથી અાવ્યો કે, તેમના સદસ્યનું નામ તકતીમાં નથી તેવા લોકો સામેથી મામલતદાર કચેરીએ પૂછપરછ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.