સુવિધાથી વંચિત:રણમાં પ્રવાસીઓના ધાડાં આવે છે ત્યારે ધોરડોનો વોચ ટાવર જી-20ના નામે બંધ

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રણની સફેદીને ઊંચાઇથી નિહાળવાની સુવિધાથી સહેલાણીઓ વંચિત
  • સનસેટ અને સનરાઈઝનો નજારો માણી ન શકાતાં નારાજગી
  • ધોરડો સુધી પહોંચવાના માર્ગના ડાયવર્ઝન : ઉડતી ધૂળના લીધે દ્વિચક્રી ચાલકો સૌથી વધુ હેરાન

ફેબ્રુઆરી મહીનાના પ્રથમ પખવાડિયામાં જી-20ની આંતરરાષ્ટ્રીય સમીટ ધોરડો ખાતે યોજાવાની છે. વિદેશી ડેલીગેટ્સ એરપોર્ટ પર ઉતરીને રસ્તા માર્ગે ધોરડો જવાના હોવાથી હાલમાં નવો રસ્તો બનાવાઇ રહ્યો છે તેના ડાયવર્ઝનથી તો સેંકડો પ્રવાસીઓ પરેશાન છે જ પણ માંડ માંડ ધોરડો પહોંચેલા પ્રવાસીઓ જ્યારે વોચટાવર બંધ જુએ છે ત્યારે નિરાશ થઈ જાય છે. કારણકે વોચ ટાવર પરથી સનરાઈઝ અને સનસેટનો નજારો માણવાલાયક હોય છે પણ તે હાલમાં બંધ કરી દેવાતા નિરાશા વ્યાપી ગઈ છે.

સફેદ રણની વચ્ચે એક વોચ ટાવર ઊભો કરવામાં આવ્યો છે. આ વોચ ટાવર પર ચડી પ્રવાસીઓ જ્યારે મીઠાના અફાટ રણનો નજારો માને છે ત્યારે ધરતી અને આકાશ વચ્ચેની ક્ષિતિજ અદ્રશ્ય થઈ જાય છે. સફેદ રણમાં તસવીરો લેવા માટેનું ઉત્તમ સ્થાન વોચ ટાવર બંધ થતાં પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ તેમની પાસેથી છીનવાઈ ગયું છે.

કથિત રીતે મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના સાવચેતીના પગલે આ વોચ ટાવર ઉપર ચડવા પર પ્રતિબંધ મુકાયો છે. કારણકે મીઠાની ખારાશના કારણે તેના મૂળિયા કટાઈ ગયા છે. જોકે અગાઉ તેનું સમારકામ ન કરાયું પણ જી-20 ના ડેલીગેટ્સ આવવાના હોવાથી તેને નવા રંગરૂપ આપવામાં આવી રહ્યા છે.

પ્રવાસીઓએ જણાવ્યું કે,લોરીયા પછી રસ્તો ખરાબ છે તેમાંય સામેથી મીઠાના વાહનો આવતા હોવાથી જોખમ રહે છે તેમાં પણ વેકરિયાના રણમાં ડાયવર્ઝન અપાયું છે. જેથી ઊડતી ધૂળના કારણે ડ્રાઇવિંગ પણ માંડ થાય છે દ્વિચક્રી પર જતો વ્યક્તિ તો કાળો પડી જાય છે. જોખમ સાથે પહોંચ્યા બાદ વોચ ટાવર પર ચડવા મળતું નથી જેથી નિસાસો નાખ્યો હતો.

વોચ ટાવર પર લાઈટ એન્ડ સાઉન્ડ શો થશે
વિશ્વના 20 દેશોના પ્રતિનિધિઓ પ્રવાસન મુદ્દે ચર્ચા કરવા ધોરડોમાં ભેગા થશે ત્યારે વોચ ટાવર પર લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે.વોચ ટાવરને સફેદ રંગના કાપડ વડે ઢાંકી તેના પર લાઈટનું પ્રોજેક્શન કરતા સફેદ રણમાં દૂર દૂર સુધી લોકો આ લાઈટ શો નિહાળી શકશે.હાલમાં 80 ટકા કામ પૂર્ણ થયું હોવાનો દાવો કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...