વરસાદની આગાહી:ખડીરના ધોળાવીરા, કલ્યાણપરમાં અડધો ઇંચ, પ્રાથળ પંથક પણ પલળ્યો

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અષાઢી બીજ પૂર્વે ત્રણ દિવસ વા, વીજ ને વરસાદની આગાહી
  • પવનની ઝડપ વધીને 25થી 40 કિ.મી. રહેવાની શક્યતા

કચ્છમાં વરસાદની આગાહી વચ્ચે ખડીરના ધોળાવીરા, કલ્યાણપરમાં અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો તો વળી પ્રાથળ પંથક પણ ઝાપટાંથી પલળ્યો હતો. જિલ્લામાં સત્તાવાર રીતે અષાઢી બીજથી ચોમાસું બેસતું હોય છે અને અષાઢી બીજને હજુ 18 દિવસની વાર છે તે વચ્ચે કચ્છી નવા વર્ષ પહેલા આજે સોમવારથી 3 દિવસ માટે વા, વીજને વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.

રવિવારે ભચાઉ તાલુકાના ખડીર પંથકના ધોળાવીરા અને કલ્યાણપરમાં રાત્રિના વાતાવરણમાં આવેલા અચાનક પલટા વચ્ચે અડધો કલાક વરસાદી ઝાપટાંથી શેરીઓમાં જોશભેર પાણી વહી નીકળ્યા હતા અને અડધો ઇંચ પાણી પડી ગયું હતું. કલ્યાણપરના ભોજાભાઇ અને ધોળાવીરાના મુરજી રાઠોડે જણાવ્યું હતું કે, ઉત્તર દિશાએથી ગાજવીજ અને ભારે પવન સાથે ચડી આવેલા વરસાદના કારણે નાના પશુઓને ઉપયોગી થાય તેટલો ઘાસચારો ઉગી નીકળશે. જો કે, ખડીરના આ બે ગામો સિવાય અન્યત્ર વરસાદના હેવાલ નથી.

રાપર તાલુકા અને શહેરમાં બપોર પછી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. રાપરમાં ભારે ગરમી વચ્ચે એકાએક મીની વાવાઝોડા જેવો પવન ફૂંકાવવાની શરૂઆત થઈ હતી તો સાંજે ધૂળની ડમરીઓના કારણે શહેરમાં ધૂળિયું વાતાવરણ થઈ ગયું હતું. આ ઉપરાંત પ્રાથળ પંથક પણ વરસાદી ઝાપટાંથી પલળ્યું હતું. પ્રાથળ વિસ્તારના લોદ્રાણી, નાગપુર, બેલા સહિતના ગામોમાં વરસાદી ઝાપટાં પડ્યા હોવાનું બેલાના ભુપતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. તો વળી રાત્રિના 10.30 વાગ્યે રાપરમાં ફરી વરસાદ શરૂ થયો હતો.

કચ્છના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની સાથે ઉકળાટ વધતાં લોકો પરસેવે ન્હાય છે અને આકાશમાં વાદળોના જમાવડા સાથે વરસાદી માહોલ ખડો થયો છે. 1 જુલાઇના કચ્છી નવું વર્ષ અષાઢી બીજ છે અને તે પહેલા જ કચ્છમાં સોમથી બુધવાર દરમ્યાન અમુક સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી વકી છે, તેમાંય સોમવારે તો જિલ્લા મથક ભુજમાં વરસાદ પડશે તેવી શક્યતા દર્શાવાઇ છે.

હવામાન વિભાગના કહેવા મુજબ જિલ્લામાં તા.13-6થી તા.15-6 સુધી મહત્તમ તાપમાનનો પારો ઘટીને 37 ડિગ્રીની આસપાસ અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 70 ટકા રહેશે. પવનની ઝડપ 10થી 15 કિ.મી. પ્રતિ કલાક રહેશે પરંતુ જે વિસ્તારમાં વરસાદ પડશે અને વરસાદ ચાલુ રહેશે તે દરમ્યાન પવનની ગતિ વધીને 25થી 40 કિ.મી. રહેવાની શક્યતા છે. ત્યારબાદ જિલ્લામાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે.

કંડલા એરપોર્ટ અને પોર્ટ રાજ્યમાં સૌથી ગરમ
રવિવારે કંડલા એરપોર્ટ અને કંડલા પોર્ટ રાજ્યના સૌથી ગરમ મથકો બની રહ્યા હતા. મહત્તમ, લઘુત્તમ તાપમાનમાં કંડલા એરપોર્ટ 40.2 ડિગ્રી, 28.2 ડિગ્રી, કંડલા પોર્ટ 40.1 ડિગ્રી, 28.5 ડિગ્રી, ભુજ 38.6 ડિગ્રી, 27.2 ડિગ્રી અને નલિયા 35.8 ડિગ્રી અને 28.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

વાગડમાં પ્રથમ વરસાદ બાદ કચ્છમાં નબળા ચોમાસાની વાયકા અનેક વાર પડી છે ખોટી
કચ્છમાં એવી લોક વાયકા છે કે જો સૌપ્રથમ વાગડમાં વરસાદ પડે તો કચ્છમાં દુષ્કાળ પડે છે જો કે ભુતકાળમાં અનેક વખત જિલ્લામાં સૌપ્રથમ વાગડમાં વરસાદ પડ્યા બાદ જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે. જેથી અત્યાર સુધી લોક વાયકા ખોટી ઠરી છે.

અન્ય સમાચારો પણ છે...