સ્વદેશ દર્શન યોજના 2.0માં ધોળાવીરા:સિંધુ-સરસ્વતી સભ્યતાના વિશ્વ પ્રસિદ્ધ નગર ધોળાવીરાને વિકસાવવા કેન્દ્ર સરકારનો નિર્ણય

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ તબક્કામાં 19 રાજ્યોના 36 સ્થળોની પસંદગીમાં દ્વારકાનો પણ સમાવેશ
  • સ્થળોના વિકાસ માટે કન્સલ્ટન્ટ નિમવા દરખાસ્ત પણ બહાર પાડી
  • વિશ્વ ધરોહર સ્થળ બન્યા બાદ હવે માળખાકીય સુવિધા વધારવા મહત્ત્વપૂર્ણ પગલુ

સિંધુ-સરસ્વતી સભ્યતાનું વિશ્વ પ્રસિદ્ધ નગર ધોળાવીરાને વિકસાવવા કેન્દ્ર સરકારે સ્વદેશ દર્શન યોજના 2.0માં તેને સ્થાન અાપ્યું છે. યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સ્થાન મળ્યા બાદ હવે ધોળાવીરામાં પ્રવાસીઅો અને માળખાકીય સુવિધા ઊભી કરવી જરૂરી છે તેના ભાગરૂપે કેન્દ્ર સરકારે પ્રવાસન વિભાગની અા મહત્વપૂર્ણ યોજનામાં સમાવેશ કર્યો છે. ગુજરાતમાં ધોળાવીરાની સાથે પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાને પણ અા નવી યોજનમાં સ્થાન અપાયું છે. અા સ્થળોના વિકાસ માટે કન્સલ્ટન્ટ નિમવા કેન્દ્રના પ્રવાસન વિભાગે દરખાસ્ત પણ બહાર પાડી દીધી છે.

અા અંગે મળતી વિગતો મુજબ છેલ્લા કેટલાક વર્ષોથી ધોળાવીરાના વિકાસમાં સરકાર વિશેષ રસ લેતી થઇ છે. ચાર વર્ષ અગાઉ ધોળાવીરાને અાઇકોનિક ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા નક્કી કરાયુ હતું. ત્યારબાદ ધોળાવીરાને વિશ્વ ધરોહર સ્થળ બનાવવા સરકારે યુનેસ્કોને ડોઝિયર મોકલ્યુ હતું. યુનેસ્કોઅે ડોઝિયર મંજૂર કરીને ધોળાવીરાને વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરતા કચ્છને અેક નવી સિદ્ધિ પ્રાપ્ત થઇ હતી. તેવામાં હવે દુનિયાભરના પર્યટકો ધોળાવીરા તરફ અાવી રહ્યા છે. પરંતુ ધોળાવીરા જ્યાં અાવેલુ છે તે ખડીરમાં હજુ પણ માળખાકીય સુવિધાની કમી છે.

પ્રવાસીઅો માટે પણ યોગ્ય સવલતો નથી. તેવામાં કેન્દ્ર સરકારે ધોળાવીરાને વિકસાવવા પ્રવાસન વિભાગની મહત્વપૂર્ણ સ્કીમ સ્વદેશ દર્શન 2.0માં તેની પસંદી કરી છે. સ્વદેશ દર્શન યોજનામાં કેન્દ્ર સરકાર પસંદ કરેલા સ્થળોના વિકાસ માટે અેજન્સી અથવા રાજ્ય સરકારને સીધી સહાય ચૂકવે છે. જોકે હવે યોજના 2.0માં સરકારે નવીનતા ઉમેરી છે. જેમાં પર્યટક સ્થળોના વિકાસની સાથે તે સ્થળોઅે રોજગારીનું સર્જન, સ્થાનીક સમુદાયને પણ રોજગાર તથા અંતિમ બિંદુ સુધી કનેક્ટિવિટી, પર્યટક પરિવહન માટે પર્યાવરણ અનુકૂળ સાધનોની ખરીદી, પાર્કિંગની સુવિધા સહિતના મુદ્દા ઉમેરાયા છે.

સ્વદેશ દર્શન 2.0માં ધોળાવીરાની સાથે ગુજરાતના દ્વારકાનો પણ સમાવેશ કરાયો છે. કુલ 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના કુલ 36 પર્યટક સ્થળો/ યાત્રાધામોને પહેલા તબક્કામાં પસંદ કરાયા છે. જેમાં ગયા, નાલંદા, હમ્પી, મૈસુર, લેહ, કારગીલ, શિલોંગ, પુડુચેરી, અમૃતસર, જોધપુર, નીલગિરી સહિતના મહત્વપૂર્ણ સ્થળોનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે ધોળાવીરા વિશ્વ વિરાસત સ્થળ બનવાની સાથે જ કેન્દ્ર સરકારે ગ્રાન્ટ ફાળવણી શરૂ કરી દીધી છે. કેન્દ્ર સરકારે ગત વર્ષે 1.25 કરોડની ગ્રાન્ટ ફાળવી હોવાની વાત તાજેતરમાં લોકસભામાં સરકારે સ્વિકાર્યું હતુંં.

સ્વદેશ દર્શન પહેલા તબક્કામાં સિયોતનો સમાવેશ થયો હતો !
કેન્દ્ર સરકારે સ્વદેશ દર્શનની પ્રથમ યોજનામાં ગુજરાતના બાૈદ્ધ પરિસરનો સમાવેશ કર્યો હતો. જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, કચ્છ (સિયોત), ભાવનગર, રાજકોટ, મહેસાણામાં બાૈદ્ધ ગૂફા અને સ્મારકોની મરંમત અને નવીનિકરણ કરવામાં અાવ્યું હતું. તેના માટે કેન્દ્ર સરકારે 26 કરોડની રકમ પણ ફાળવી હતી. જોકે તેમાં સિયોત બાૈદ્ધ ગુફામાં કેટલી રકમ ફાળવવામાં અાવી તે તપાસનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...