પાણી પીવડાવી પારણા કરાવ્યા:નગરપતિની ખાતરીનું પાલન ન થતા ધરણા અને COની ખાતરીથી પારણા !

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભુજ પાલિકામાં ધરણા પર બેઠેલા લોકોને પારણા કરાવતા ચીફ ઓફિસર. - Divya Bhaskar
ભુજ પાલિકામાં ધરણા પર બેઠેલા લોકોને પારણા કરાવતા ચીફ ઓફિસર.
  • મુખ્ય અધિકારીએ વિપક્ષને પાણી પીવડાવીને પાણીમાં બેસાડી દીધા
  • સફાઈ, પાણી અને ગટર સહિતની સમસ્યા મુદ્દે શરૂ કર્યા હતા

ભુજ નગરપાલિકામાં વોર્ડ નંબર 1ની નગરસેવિકા આઈસુબાઈ સમા અને પ્રદેશ મહિલા કોંગ્રેસ મંત્રી રસીકબા જાડેજાએ ભાજપ શાસિત ભુજ નગરપાલિકા દ્વારા ગટર, પાણી અને સફાઈની નિષ્ફળતા ઉપરાંત ભ્રષ્ટાચારના વિરોધમાં નગરપતિના રાજીનામાની માંગણી સાથે 25મી જુલાઈથી પ્રતિક ધરણા શરૂ કર્યા હતા. પરંતુ, ત્રીજા દિવસે મુખ્ય અધિકારીએ આશ્વાસન આપી અને પાણી પીવડાવી પારણા કરાવ્યા હતા.

ગાંધીજીની પ્રતિમા પાસે જિલ્લા પ્રમુખના ધરણા
ગાંધીજીની પ્રતિમા પાસે જિલ્લા પ્રમુખના ધરણા

આમ, નગરપતિની ખાતરીનું પાલન ન થતા ધરણા શરૂ કર્યા હતા અને મુખ્ય અધિકારી જીગર પટેલે ખાતરી આપતા પારણા કર્યા હતા. ભુજ શહેરમાં 1લી જુલાઈથી ભારે વરસાદ થયો હતો અને 12 દિવસમાં તો 19 ઈંચ જેટલો ખાબકી ગયો હતો. એમાંયે એક જ દિવસમાં સાડા 8 ઈંચ પડતા વોર્ડ નંબર 1, 2 અને 3માં વરસાદી પાણી ભરાયા હતા. જે બાદ ગટરની ચેમ્બર ઉભરાવવા અને સફાઈ સહિતના પ્રશ્નો સર્જાયા હતા, જેથી સ્થાનિક લોકો હાલાકીમાં મૂકાયા હતા.

સમસ્યાના નિવારણ માટે નગરપતિ ઘનશ્યામ આર. ઠક્કર પાસે મોરચા સ્વરૂપે જઈને તાત્કાલિક કામગીરી શરૂ કરીને ઉકેલ લાવવાની ખાતરી મેળવાઈ હતી. જે બાદ નગરસેવિકાએ 25મી જુલાઈ સુધી ઉકેલ ન આવે તો પ્રતિક ધરણાની ચિમકી આપી હતી અને ઉકેલ ન આવતા સોમવારથી પ્રતિક ધરણા પણ શરૂ કરી દીધા હતા. જેમની સાથે પ્રદેશ મહિલા કોંગ્રેસ મંત્રી રસીકબા જાડેજા પણ જોડાયા હતા.

એટલું જ નહીં પણ વાજતે ગાજતે વિપક્ષીનેતા કાસમ સમા, ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોર ગઢવી અને પૂર્વ વિપક્ષીનેતા રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો ધરણા ઉપર બેઠા હતા. પ્રથમ બે દિવસો દરમિયાન તો ધરણા દરમિયાન નગરપતિની ચેમ્બરમાં ધસી જઈને નગરપતિની ગરિમા હણતા કાર્યક્રમો પણ આપ્યા હતા. પરંતુ, બુધવારે સવારે અચાનક વણાંક આવ્યો હતો, જેમાં મુખ્ય અધિકારી જીગર પટેલ છાવણીમાં આવ્યા હતા.

તેમણે નગરપાલિકાની સ્થિતિથી વાકેફ કર્યા હતા અને તાત્કાલિક કામગીરી શરૂ કરવા ખાતરી આપી હતી. એટલું જ નહીં પણ પાણી પીવડાવીને પારણા કરાવ્યા હતા. જોકે, ધરણા દરમિયાન આમેય પાણી પીવાની છૂટ હોય છે. સામાન્ય રીતે જ્યુસ પીવડાવીને ધરણા કરવામાં આવતા હોય છે.

ચીફ અોફિસરની બાંહેધરીથી આટોપ્યા
નગરસેવિકા આઈસુબાઈને કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે, ચીફ ઓફિસરે બાંહેધરી આપી હતી. એટલે આટોપ્યા. તેમને વધુમાં પૂછ્યું કે, ખાતરી તો નગરપતિએ આપી હતી. તો તેમણે કહ્યું કે, મુખ્ય અધિકારીએ કામ શરૂ કરાવી દીધું છે અને ગટરની સમસ્યા ઉકેલવા ખાતરી આપી છે. જોકે, તેમણે રાજીનામાની માંગણી બાબતે ફોડ પાડી ન હતી.

ગાંધીજીની પ્રતિમા પાસે જિલ્લા પ્રમુખના ધરણા
બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ ભાજપ સરકાર દ્વારા ઈડીનાં દુરુપયોગથી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીને હેરાન કરાયાના આક્ષેપો સાથે મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા કર્યા હતા, જેમાં રામદેવસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ભાટી, રાજેન્દ્રસિંહ જાડેજા, કિશોર ગઢવી, કલ્પના જોશી, દીપક ડાંગર, ગની કુંભાર, પુષ્પા સોલંકી, અંજલી ગોર, કાસમ સમા, મહેબુબ પંખેરીયા, આકાશ રાજગોર, હમીદ સમા, હાસમ સમા, ધીરજ રૂપાણી સહિતના જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...