ભચાઉ તાલુકાનાં ચાંદરોડી ગામે આવેલા શિવ મંદિર સાથે અન્ય દેવ મંદિરમાં રહેલી મૂર્તિઓને કોઈ માનસિક વિકૃત શખ્સે બોથડ પદાર્થ વડે નુકસાન પહોંચાડી ખંડિત કરી જવાયાની ઘટના બનવા પામી છે. જેના પગલે સ્થાનિક ગ્રામજનોની લાગણી દુભાઈ છે. આ મામલે ગ્રામજનો દ્વારા નજીકના લાકડીયા પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ કરાવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે તપાસ માટે જતો હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે. મંદિરમાં રહેલી દાનપેટીમાં કોઈ નુકસાન પહોચાડ્યું ના હોવાથી માત્ર મૂર્તિઓનેજ ખંડિત કરાવાના ઇરાદે આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું લોકોએ જણાવ્યું હતું.
ચાંદરોડી ગામના અગ્રણી મેરા બીજલ ભરવાડે રોષપૂર્વક જણાવ્યું હતું કે, ગામના શિવ મંદિરના પૂજારી ગતરાત્રે મંદિરમાં તાળું લગાવી ઘરે ગયા બાદ આજે રવિવારે વહેલી સવારે 5.30ના અરસામાં મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા હતા, ત્યારે હનુમાનજીની મૂર્તિના છાતીના ભાગે કોઈએ બોથડ પદાર્થ વડે નુકશાન પહોચાડ્યું હોવાનું ધ્યાનમાં આવતા શિવ મંદિર અંદર તપાસ કરી હતી. જ્યાં વર્ષો જૂની શિવ પાર્વતીની પથ્થરની સ્થાપિત મૂર્તિને જમીનમાંથી ઉખેડી નજીક આવેલા વાડાના ખાડામાં ફેંકી દેવામાં આવી હોવાનું જોયું હતું.
ત્યાર બાદ સંકુલમાં આવેલા મોમાઈ માતાજીના મંદિરમાં 36 દેવી મૂર્તિઓમાંથી 13 જેટલી મૂર્તિઓને પણ નુકસાન પહોંચાડી ખંડિત કરી દેવામાં આવતા આ વિશેની ગ્રામજનોને જાણ કરી હતી. જેના પગલે ઘટનાની જાણ લાકડીયા પોલીસમાં કરવામાં આવી છે. હાલ પોલીસ કાફલો ચાંદરોડી ગામ આવી રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું. અલબત્ત કોઈ માનસિક વિકૃત ઇસમે હિન્દૂ સમાજની લાગણી દુભાવવા આ ઘટનાને અંજામ આપ્યો હોવાની આશંકા લોકો વ્યક્ત કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.