માધાપરના ગોકુલધામ સોસાયટીમાં એક સ્થાનિક વ્યક્તિના ઘરે પાસપોર્ટ વિના રહેતી મોરેશિયસની મહિલાની માધાપર પોલીસે અટકાયત કરીને જોઇન્ટ ઇન્ટ્રોગેશ સેન્ટરમાં મોકલી આપી હતી. જ્યાં વિદેશી મહિલાની એજન્સીઓ દ્વારા પુછપરછ હાથ ધરાઇ રહી છે.
આ અંગે માધાપર પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર ડી.કે.પાતાળીયાએ જાણાવ્યું હતું કે, માધાપરના નવાવાસમાં ગોકુલધામ સોસાયટીમાં સ્થાનિક વ્યક્તિના ઘરે છેલ્લા ત્રણેક મહિનાથી રહેતી મોરેશિયસ દેશની દેઓરાની ઋષિકેસ મધુપ (ઉ.વ.48) નામની મહિલાએ પોલીસ મથકે આવીને પોતાનો પાસપોર્ટ ખોવાઇ ગયો હોવાની વાત કરી હતી. અને તે 2017માં 5 વર્ષ માટેના વિઝા લઇને ભારત આવી હોવાનું અને તેનો પાસપોર્ટ ખોવાઇ ગયો હોવાથી હાલ માધાપર રહેતી હોવાનું પોલીસને જણાવ્યું હતું.
આ વિદેશી મહિલા પાસે પાસપોર્ટ ન હોવાથી અને વિઝાની સમય મર્યાદા પૂર્ણ થઇ ગઇ હોવાથી કાયદા પ્રમાણે કોઈ પણ વિદેશી નાગરીક ભારતમાં રહે તો તેની પાસે પાસપોર્ટ અને ભારતમાં રહેવા માટેનો વિઝા હોવો જરૂરી છે. જેથી માધાપર પોલીસે જાણવા જોગ નોંધ કરીને વિદેશી મહિલાને વધુ પુછપરછ માટે જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર ખાતે મોકલી આપી હતી. જ્યાં વિદેશી મહિલાની એજન્સીઓ દ્વારા પુછતાછ ચાલુ હોવાનું અને બાદમાં આ મહિલા સામે ફોરેન એક્ટ સહિતની કલમ તળે ગુનો નોંધવામાં આવશે તેવું તપાસનીશે જણાવ્યું હતું.
2017માં મઢ દર્શને ગઇ ને પાસપોર્ટ સાથેની બેગ ખોવાઇ
પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ આ મહિલા 2017માં મોરેસીયસથી પ્રથમ મુંબઇ આવી હતી. બાદમાં માતાનામઢ ખાતે દર્શન કરવા ગઇ હતી. જ્યાં તેના પાસપોર્ટ સાથેની બેગ ગુમ થઇ થઇ ગઇ હતી. દરમિયાન કોરોનાના કારણે લોકડાઉન લાગી જતાં ત્યાં જ કોઇ ગુરૂકુળ ખાતે રહેતી હતી અને લોકો તેને ખાવા પીવાનું આપતા હતા.
હાલ છેલ્લા ત્રણેક મહિનાથી માધાપર ખાતે કોઇના ઘરે રહેતી હતી. અને પાસપોર્ટ ન હોવાથી પરત કઇ રીતે મોરેશિયસ જશે તેવી ચિંતા જતાં માધાપર પોલીસ મથકે પાસપોર્ટ ગુમ થયા અંગે જાણ કરવા આવી હતી. અને પોલીસે વિદેશી મહિલાની અટકાયત કરી લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.