નિવૃત્ત નાયબ મામલતદાર અને ભુજના તાલુકાના બળદિયાના તત્કાલિન ઇન્ચાર્જ સર્કલ ઓફિસર આર.ડી. જાડેજાએ લોરિયાની સ.નં.645 વાળી સરકારી જમીન ખાનગી માલિકીના નામે ચડાવવાનો અભિપ્રાય આપતાં ગુજરાત મહેસૂલ વિભાગના ઉપ સચિવે 6 મહિના સુધી જાડેજાના પેન્શનમાંથી માસિક રૂ.500 કાપવાનો આદેશ કર્યો છે. જો કે, આશ્ચર્યની વાત એ છે કે, સરકારને કરોડોનું નુકસાન થયું હોવા છતાં ઉપ સચિવે માત્ર 3 હજારનો જ દંડ કર્યો છે.
લોરિયાની સ.નં.645 વાળી જમીન મુદ્દે ડી.આઇ.એલ.આર. કચેરી-ભુજના રેકર્ડ મુજબ 1969-70ની સુડબુકમાં જૂના સરવે નંબરની વિગત નથી પરંતુ માલધણીની વિગતમાં સરકારી ફાર્મ ક્ષેત્રફળ હે.6-07-00 આરે દર્શાવાયું છે અને માલધણીની કોલમમાં સરકારી ફાર્મ દર્શાવાયું છે. વધુમાં નોંધ નં.391 મુજબ જમીન ઇનામ નાબુદી ધારાની કલમ 10 હેઠળ સરકારને પ્રાપ્ત થતી જમીનની વિતમાં નવા સ.નં.645 ક્ષેત્રફળ 15-00 ગુ. સરકારી ફાર્મ દર્શાવ્યું છે.
આ જમીન શરૂઆતથી જ સરકારી છે અને ખાનગી નામે કયારેય પણ મંજૂર કરાઇ નથી તેમ છતાં બળદિયાના તત્કાલિન સર્કલ ઓફિસર આર.ડી. જાડેજાએ 2017માં આ સરકારી જમીનને ખાનગી નામે ઠરાવવા અભિપ્રાય આપ્યો છે. સર્કલ ઓફિસરે સરકારી જમીન ખાનગી નામે દાખલ કરવાનો અભિપ્રાય આપી સરકાર સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરીને સરકારને કરોડો રૂપિયાનું નુકસાન કર્યું હોવાનું મહેસૂલ વિભાગના ઉપ સચિવ કે.એસ. ધરમદાસાણીએ જણાવી તા.16-5-22ના હુકમથી આર.ડી. જાડેજાને મળવાપાત્ર પેન્શનમાંથી 6 મહિના સુધી માસિક રૂ.500 પેન્શન કપાત કરવા આદેશ કર્યો છે.
મહેસૂલ વિભાગના ખુદ ઉપ સચિવે પોતાના હુકમમાં જ જણાવ્યું છે કે, નિવૃત્ત નાયબ મામલતદાર અને બળદિયાના તત્કાલિન ઇન્ચાર્જ સર્કલ ઓફિસર જાડેજાએ લોરિયાની સરકારી જમીન ખાનગી નામે કરવાનો અભિપ્રાય આપી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે. જાડેજાએ રાજ્ય સેવક તરીકે હોદ્દાનો દુરપયોગ કરી ગેરબંધારણીય વર્તન આચરી એક સરકારી કર્મચારીને ન છાજે તેવું વર્તન કર્યું છે.
જો કે, નવાઇની વાત એ છે કે, સરકારને કરોડોનું નુકસાન થયું હોવા છતાં ઉપ સચિવે નિવૃત્ત નાયબ મામલતદાર જાડેજાના પેન્શનમાંથી 6 મહિના સુધી માસિક રૂ.500 પેન્શન કપાત કરવા આદેશ કર્યો છે, જે મુજબ કરોડોના નુકસાન સામે માત્ર 3 હજારનો જ દંડ થાય છે.
ડીઆઇએલઆર કચેરીના રેકર્ડ પર ખાનગી માલિકીના નામે નથી માપણી થઇ કે, નથી નોંધ
ઉપ સચિવના હુકમ પ્રમાણે ડી.આઇ.એલ.આર. કચેરીના રેકર્ડ મુજબ જૂના સ.નં.871 પૈકી હિસ્સા નં.15ના નવા સ.નં.645 છે કે કેમ તે સ્પષ્ટ થતું નથી. વધુમાં ડી.આઇ.એલ.આર. કચેરીના તા.7-7-18ના અહેવાલ મુજબ 1969-70માં થયેલા સરવે વખતે ઠાકુરદાસ મગરમલના નામે માપણી થઇ નથી તેમજ હાલીમાજી રજિસ્ટરમાં પણ આ શખ્સના નામની કોઇ નોંધ નથી છતાં પણ મામલતદારે આ જમીન ક્ષેત્રફળ હે.6-07-00 આરે નોંધાયેલું હોવા છતાં પણ તેનાથી વધારે હે.15-07-00 આરેનું પાનિયું ઠાકોરદાસ મગરમલ નામનું બનાવવાનો હુકમ કર્યો છે.
જેમને જમીન મંજૂર થયાની કોઇ પૂર્વ નોંધ રેકર્ડ પર નથી. પ્રમોલગેશન નોંધ નં.391થી સરકાર હેડે ચાલતી સરકારી સ.નં.645 વાળી ખાનગી વ્યક્તિના ખાતે થાય તે માટે સંબંધિત મહેસૂલી રેકર્ડની કોઇપણ ચાસણી કર્યા સિવાય કિંમતી સરકારી જમીન ખાનગી વ્યક્તિના નામે કરવાનો અભિપ્રાય સર્કલ ઓફિસર જાડેજાએ આપ્યો હતો, જેના આધારે મામલતદારે 2018માં જમીન ખાનગી નામે કરવાનો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.