માધાપરમાં ઝાપટાંથી માર્ગો ભીના:વાદળછાયું વાતાવરણ છતાં ભુજ રાજ્યમાં સાૈથી વધુ તપ્યું : 38.4 ડિગ્રી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવારે શહેરના અને ભાગોળે માધાપરમાં ઝાપટાંથી માર્ગો ભીના
  • આજે જિલ્લાના અમુક સ્થળે હળવા વરસાદની આગાહી

શનિવારથી કચ્છના વાતાવરણમાં અાવેલા પલટા વચ્ચે રવિવારે વાદળોની સંતાકુકડી છતાં ભુજ રાજ્યમાં સાૈથી ગરમ રહ્યું હતું. હવામાન વિભાગે હજુ અાજે સોમવારે જિલ્લાના અમુક સ્થળે હળવા વરસાદની શક્યતા દર્શાવી છે.

હવામાન વિભાગના વર્તારા મુજબ શનિવારે બપોર બાદ કચ્છના વાતાવરણમાં પલટો અાવ્યો હતો અને રાપર, અંજાર, ભચાઉ પંથકમાં ઝાપટાં વરસ્યા હતા. બીજા દિવસે રવિવારે ભુજમાં જી.કે. જનરલ હોસ્પિટલ વાળા વિસ્તારથી લઇને માધાપરમાં ઝાપટાંથી માર્ગો ભીના થયા હતા. હવામાન વિભાગના કહેવા મુજબ હજુ અાજે સોમવારે પણ જિલ્લાના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. રવિવારે ધૂપછાંવ વચ્ચે કચ્છમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાયો હતો અને લઘુત્તમ પારો 20થી ઉપર પહોંચી ગયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં ઉકળાટથી ગરમી વધી છે.

જિલ્લા મથક ભુજમાં ધૂપછાંવ વચ્ચે તાપ વધ્યો હતો અને દિવસે મહત્તમ 38.4 ડિગ્રી તાપમાન સાથે ભુજ રાજ્યમાં સાૈથી ગરમ રહ્યું હતું. શહેરમાં રાત્રિનું તાપમાન પણ 22.2 ડિગ્રી રહેતાં ગરમી અનુભવાઇ હતી. જિલ્લાના અન્ય મથકોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં અનુક્રમે કંડલા અેરપોર્ટ 36.6 ડિગ્રી, 21.1 ડિગ્રી, કંડલા પોર્ટ 36.4 ડિગ્રી, 22.0 ડિગ્રી અને નલિયામાં 36.1 ડિગ્રી, 18.4 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગના નિષ્ણાંતોનું માનીઅે તો અાગામી 4-5 દિવસ દરમ્યાન જિલ્લામાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફારની શક્યતા નહિવત છે.

અન્ય સમાચારો પણ છે...