ભાસ્કર એક્સક્લુઝિવ:કોરોના નહિવત છતાં કોર્ટ કે જેલમાં આરોપીને રજૂ કરતા પૂર્વે કોવિડ ટેસ્ટ હજી ફરજીયાત!

ભુજ17 દિવસ પહેલાલેખક: મીત ગોહિલ
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસની વેદના : ગૃહવિભાગ આ પરિપત્રમાંથી મુક્તિ આપે તો કામમાં રાહત મળે
  • એક વ્યક્તિના પરીક્ષણમાં 4 થી 5 કલાક નીકળી જાય છે
  • હાલમાં કેસ નથી છતાં ટેસ્ટના આગ્રહથી ખાખીધારીઓના કિંમતી સમયનો થતો બગાડ

કચ્છમાં હાલે કોરોના વાયરસના કેસો નહિવત છે તેમ છતાં આજે પણ પોલીસ જે આરોપીઓની અટકાયત કરે તેઓને કોર્ટમાં રજૂ કરતા કે જેલમાં ધકેલતા પૂર્વે ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવવા પડે છે જેનાથી હાડમારીમાં વધારો થઈ રહ્યો છે.અત્યારે કોવિડના ટેસ્ટ નથી છતાં કોરોનાના પરીક્ષણ માટે ખાખીધારીઓને કેદીઓને લઈને દવાખાનાના ધક્કા ખાવા પડી રહ્યા છે ત્યારે હવે ગૃહવિભાગ આ પરીપત્રમાંથી મુક્તિ આપે તેવી માંગણી ઉઠી રહી છે.

જેલમાં ધકેલવાના હોય તે પૂર્વે કોવિડ ટેસ્ટ કરાવવામાં આવે

આ અંગેની વિગતો મુજબ, ત્રણ વર્ષ પૂર્વે જ્યારે કોરોનાની શરૂઆત થઈ ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.જેમાં સંક્રમણનો ફેલાવો અટકે તે માટે આરોપીઓના ફરજિયાત કોરોના ટેસ્ટ કરવામાં આવતા હતા.આરોપીઓને કોર્ટ સમક્ષ અથવા તો ન્યાયાધીશના ઘરે રજૂ કરવાના હોય અથવા તો તેઓને પાલારા કે ગળપાદર જેલમાં ધકેલવાના હોય તે પૂર્વે કોવિડ ટેસ્ટ કરાવવામાં આવે છે.

કોરોનાની રસી ફરજીયાત
જેમાં રિપોર્ટ નેગેટિવ આવે પછી જ રજૂ કરવામાં આવે છે પણ હાલના દિવસોમાં આ નિયમ અતિશયોક્તિ ભર્યો હોવાનું પોલીસ કર્મીઓ કહી રહ્યા છે.ફેબ્રુઆરી પછી કચ્છ સહિત રાજ્યમાં કોવિડના કેસો સાવ ઘટી ગયા છે.એકલ-દોકલ કેસો આવતા હોય છે અને કોરોનાની રસી ફરજીયાત હોવાથી મોટાભાગના લોકોએ ડોઝ પણ મુકાવી લીધા છે.

આરોપીઓના કોરોના ટેસ્ટ ફરજીયાત ​​​​​​​
આવા સંજોગોમાં હાલના દિવસોમાં આરોપીઓના કોરોના ટેસ્ટ ફરજીયાત કરાવવાના આગ્રહથી પોલીસની સમય અને શક્તિનો વેડફાટ થઈ રહ્યો છે.આજે પણ પોલીસ બળાત્કાર કે ચોરી સહિતના ગુનામાં આરોપીની અટકાયત કરે અને રીમાન્ડ અથવા તો કોર્ટ સમક્ષ રજુ કરવાના હોય તે પહેલા દવાખાને લઈ જવા પડે છે અને કોરોના ટેસ્ટ કરાવવો પડે છે જો રિપોર્ટ નેગેટિવ આવે પછી જ કોર્ટમાં રજૂ કરાય છે અને જેલમાં ધકેલતા પૂર્વે પણ આ જ નિયમ છે.

કોવિડ ટેસ્ટ કરવાના પરિપત્રમાંથી પણ મુક્તિ આપે
​​​​​​​સરકારે તાજેતરમાં જ માસ્ક,વેકસીન સર્ટિફિકેટ સહિતના નિયમોમાં છુટછાટ આપી હતી ત્યારે ગૃહવિભાગ ફરજીયાત કોવિડ ટેસ્ટ કરવાના પરિપત્રમાંથી પણ મુક્તિ આપે તેવું પોલીસકર્મીઓ ઇચ્છી રહ્યા છે પણ હાલમાં વિધાનસભા ચૂંટણીને લઈને આચારસંહિતા અમલમાં હોવાથી આ દિશામાં પગલાં લેવાય તેવા કોઈ સંજોગો નથી પણ ચૂંટણી પછી તેમાં સુધારો આવે તેવું સૂત્રો માની રહ્યા છે.

સરકારના ગૃહવિભાગમાંથી નિયમમાં ફેરફાર કરવા માટેની કોઈ સૂચના નહિં
ગૃહ વિભાગના નિયમ પ્રમાણે આરોપીની અટક કર્યા બાદ તેઓને કોર્ટમાં રજૂ કરવાના હોય કે પછી જેલમાં મોકલવાના હોય તે પૂર્વે કોરોના ટેસ્ટ કરવામાં આવે છે.તેમાં ફેરફાર સંદર્ભે કોઈ નવી સૂચના આવી નથી જેથી નિયમની અમલવારી કરાઈ રહી છે. - સૌરભસિંઘ, પશ્ચિમ કચ્છ એસપી

પોલીસને ચેપ ન લાગે તે માટે કોઈ પગલાં ન લેવાયા
આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાના હોય કે પાલારા/ગળપાદર જેલમાં મોકલવાના હોય તે પૂર્વે ફરજીયાત કોવિડ ટેસ્ટ કરવામાં આવે છે પણ જે ખાખીધારીઓ આરોપીઓને પકડે છે તેઓનું શુ ? ન કરે નારાયણ ને કેદીને કોરોના પોઝિટીવ હોય તો પોલીસ પણ સંક્રમણનો ભોગ બની હતી પણ પોલીસ કર્મચારીઓને ચેપ ન લાગે એ માટે કોઈ પગલાં ઉપરી કચેરીએથી લેવાયા ન હતા.જેથી સ્વાસ્થ્ય સલામતીનો સવાલ પણ ઉભો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...