આચારસંહિતા ઇફેક્ટ:લગ્નસરા હોવા છતાં કચ્છમાં સોનાની અછત

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેકિંગના કારણે આંગડિયામાં આવતા દાગીનાના કાયદેસરના પાર્સલ બંધ થઈ ગયા
  • પાર્સલ કાયદેસર હોવા છતાં તેને સાબિત કરવામા સમય અને શક્તિ વેડફાવાનો ડર

આચારસંહિતાના કારણે ઠેરઠેર ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે તેમજ આંગડીયા બંધ છે.જેથી રાજકોટ અને અમદાવાદ સહિતના સ્થળોએથી કચ્છમાં સોનાનો માલ આવતો નથી. અને વેપારીઓ જાતે સોનુ ખરીદવા જવામાં ભયનો સામનો કરી રહ્યા છે તથા ચેકપોસ્ટ પર ચેકિંગના કારણે થતા વિવાદથી દૂર રહેવા માંગે છે.જેથી હાલ લગ્નસરાની ખરીદીની સીઝન હોવા છતાં સોનાની ખેંચ ઉભી થઇ છે.

સામાન્ય રીતે સોની બજારમાં વેપારીઓ પોતાના અંગત માણસની સાથે માલ મગાવે છે કે મોકલે છે, તો કોઈ આંગડિયા પેઢી મારફત વ્યવહારો કરે છે. પરંતુ હાલ આચારસંહિતાને કારણે આંગડિયામાં આવતા રોકડ-દાગીનાના પાર્સલ બંધ થઈ ગયા છે.અત્યારે સૌ કોઈ જોખી-જોખીને જ જોખમ લે છે. એટલું જ નહિ વેપારીઓને પણ ચેકિંગના નામે થતા તોડની બીક લાગે છે.

જેથી સીઝન વૈશાખના લગ્નની ખરીદી નીકળી હોવા છતાં વેપારીઓ દુકાનમાં મર્યાદિત અને ઓર્ડર પૂરતો જ માલ રાખે છે. જો દુકાનમાં વધુ માલ રાખવામાં આવે અને ચેકિંગ આવે તો તેનો ખુલાસો રજૂ કરવો પડે. એટલું જ નહિ માલ મગાવીએ કે મોકલીએ અને તે અધવચ્ચે પકડાઈ જાય તો જે ઓર્ડર છે તેે સમયસર પૂરો કરવામાં મુશ્કેલી પડે. જેથી સોની બજારના વેપાર પર અસર થઈ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

માલ મંગાવનાર અને મોકલનાર જોખમ ઉઠાવવા તૈયાર નથી
કાયદેસર હોવા છતાં હાલ બીજા રાજ્ય કે શહેરમાંથી માલ મંગાવવાનું અને મોકલવાનું પ્રમાણ સાવ ઘટી ગયું છે. માલ મોકલનાર અને મગાવનાર બન્નેને એક જ ડર સતાવી રહ્યો છે કે જો પાર્સલ પકડાઇ જશે તો કાયદેસર હોવા છતાં તેને સાબિત કરવામાં અને રિલીઝ કરવામાં બે દિવસથી લઈને એક સપ્તાહ જેટલો સમય નીકળી જાશે. કારણ કે દસ્તાવેજ રજૂ કરીએ અને ત્યારબાદ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.જેથી વેપારીઓ જોખમ ઉઠાવતા નથી.
ખરીદદારોને ડર રસ્તામાં પોલીસ રોકશે તો ....
વેપારીઓની સાથે ખરીદનાર પણ ડરમાંથી બાકાત નથી. લગ્ન પ્રસંગ માટે જેને સોનું ખરીદવું છે. એને એવો ડર સતાવી રહ્યો છે કે, સોનું ખરીદવા જતા કે વળતા ચેકિંગ દરમિયાન જો પોલીસ અટકાવાશે તો ખુલાસો રજૂ કરવો પડશે અને કાયદાકીય પ્રક્રિયા માટે IT અને પોલીસ કચેરીના ધક્કા ખાવા પડશે.
મતગણતરી બાદ જ સોની બજારમાં વેપાર રાબેતા મુજબ
લગ્નની ખરીદી પુરબહારમાં ચાલુ હોય છે. દુકાનમાં પગ મુકવાની જગ્યા હોતી નથી. તેના બદલે બજારમાં તદન વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે.મતગણતરી બાદ આચારસંહિતા દૂર થશે. ત્યારબાદ સોની બજારમાં વેપાર રાબેતા મુજબ થશે.

અન્ય સમાચારો પણ છે...