દેશ-વિદેશની જેમ રાજ્યમાં પણ હવે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું હોય તેમ એક-એકથી ચડિયાતી ખાનગી સ્કૂલો અમલમાં આવી ગઈ છે અને તેનું પ્રમાણ શહેરથી લઈ ગ્રામીણ વિસ્તાર સુધી વિસ્તરી ચૂક્યું છે. કારણ છે લોકોનો ખાનગી સ્કૂલ પ્રત્યેનો ક્રેઝ વધ્યો છે. પરંતુ કચ્છનાં નખત્રાણા તાલુકાનું સમૃદ્ધ એવું મોટા ધાવડા ગામ સરકારી સ્કૂલ પ્રત્યે અતૂટ વિશ્વાસ ધરાવે છે. ગામમાં મુખત્વે પાટીદાર સમાજનાં લોકો ખેતીવાડી આધારિત વ્યવસાય ધરાવે છે અને મોટા ભાગનાં સુખી સંપન્ન લોકો વસે છે. તેમ છતાં તેઓ સંતાનોનાં અભ્યાસ માટે ખાનગી સ્કૂલના બદલે સરકારી સ્કૂલ પર પસંદગી ઉતારી બાળકોને અભ્યાસ માટે મોકલે છે. હાલ એકથી આઠ સુધીના ધોરણમાં 123 જેટલા છોકરા-છોકરી પ્રાથમિક સ્કૂલનું શિક્ષણ આનંદભેર મેળવી રહ્યા છે અને અભ્યાસ કરી ગયેલા બાળકો ઉચ્ચ ગુણાંક સાથે ઉત્તીર્ણ થઈ આગળ વધી રહ્યા છે.
સરકારી સ્કૂલમાં પણ સારી રીતે શિક્ષણ મેળવી શકાય
ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ 100ટકા ગામની સરકારી સ્કૂલમાં જ પ્રવેશ મેળવે છે. જેમાં નખત્રાણા તાલુકા પંચાયતનાં પ્રમુખ જયસુખ પટેલે પણ પોતાની પૌત્રીને ગામની સરકારી સ્કૂલમાં આ વર્ષે ધોરણ એકમાં પ્રવેશ અપાવીને સરકારી સ્કૂલનાં શિક્ષણ પ્રત્યે સંતોષ વ્યકત કર્યો હતો. તેમની આ પહેલને અબડાસા વિસ્તારનાં ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ પણ બિરદાવી સોસીયલ પોસ્ટ દ્વારા પ્રશંસા કરી હતી. અવિશે જયસુખભાઇ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, પોતાના સંતાનોના સંતાનોને પણ સરકારી સ્કૂલમાં અભ્યાસ અર્થે દાખલ કરાવીને અન્ય વાલીઓ માટે એક પહેલ કરી છે. ઉલ્લેખનીય છે કે, તેમની મોટી પૌત્રીને પણ આજ ગામની સરકારી સ્કૂલમાં આ પૂર્વે પ્રવેશ કરાવ્યો હતો. ત્યાર બાદ બીજી પૌત્રીને પણ સરકારી સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો છે.
તમામ બાળકો સરકારી સ્કૂલમાં જ શિક્ષણ મેળવે છે
આજે સરકારી કર્મચારીઓ અને પદાધિકારીઓના બાળકો સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા જ હોય છે. અને સરકારી પ્રાથમિક સ્કૂલોમાં પણ તમામ પ્રકારની અત્યાધુનિક ભૌતિક સુવિધાઓ તેમજ કવોલીફાઈડ શિક્ષકો સારી રીતે કામ કરતા હોય છે. ત્યારે ગામના તમામ વિદ્યાર્થીઓ અન્ય ખાનગીસ્કૂલમાં જવાના બદલે ગામની સરકારીસ્કૂલમાં જ અભ્યાસ કરે છે.
સ્કૂલ પરિવારના સક્રિય પ્રયાસોનાં કારણે આ શક્ય બન્યું
ગામનાં અગ્રણી પ્રેમજીભાઈ ડાયાણીએ જણાવ્યું હતું કે, ગામનાં તમામ બાળકો સરકારી સ્કૂલમાંજ પ્રવેશ મેળવે તે માટે વાલીઓની સામૂહિક બેઠક બોલાવવામાં આવે છે. અને લોકોને વાકેફ કરવામાં આવે છે. તો નિતેશ જયસુખભાઈ ડાયાણીએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષ પહેલાં તેમની દીકરી ધાર્મીને સરકારી સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો હતો અને આ વર્ષે બીજી દિકરી તપસ્યાને પણ સરકારી સ્કૂલમાંજ પ્રવેશ અપાવ્યો છે. સ્કૂલનાં આચાર્ય બાબુભાઈ પ્રજાપતિ તેમજ સ્કૂલ પરિવારનાં સક્રિય પ્રયાસોનાં કારણે આ શક્ય બન્યું છે.
પદાધિકારોઓએ હાજર રહી ગ્રામજનોનો ઉત્સાહ વધાર્યો
શાળા પ્રવેશોત્સવમાં બાળકોને પુરા લાડ સાથે કપાળે કંકુ તિલક કરી સરકારી સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. આ વેળાએ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ, શિક્ષણ સમિતિના ચેરમેન જયાબેન ચોપડા, જિલ્લા અને તાલુકાના ચુંટાયેલા પ્રતિનિધિઓ સાથે દિલીપભાઈ નરસંગાણી, ચંદન સિંહ રાઠોડ, હરિસિંહ રાઠોડ તેમજ વિવિધ રાજકીય આગેવાનો, સ્કૂલ પરિવાર, એસ.એમ.સી. સમિતિ, દાતાઓ તેમજ ગામનાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.