કચ્છમાં પ્રવાસીઓ દિવાળી વેકેશન બાદ 2023 નવા વર્ષને આવકારવા માટે પણ ઉમટી પડ્યા છે, ત્યારે હોડકો થી ધોરડો સુધી નાના-મોટા 50 જેટલા રિસોર્ટ્સ પેક છે. સ્થાનિક લોકોને રોજગારી પણ સારી મળી રહી છે. પ્રવાસન સાથે અથવા તો હોટલ ઉદ્યોગ સાથે જોડાયેલા દરેકને કામ મળી રહ્યું છે. દસ ભૂંગા હોય કે પચાસ ભૂંગાનો મોટો રિસોર્ટ પ્રવાસીઓને એન્ટરટેઇનમેન્ટ માટે રાત્રે બે કલાક કચ્છી વાદ્યો સાથે કાફી રજૂ કરતા કલાકારો હાલ વ્યસ્ત છે. કોઈપણ પ્રદેશની સંસ્કૃતિ જાળવવી હોય તો ત્યાંનું સંગીત ધબકતું હોવું જોઈએ જે હાલ કચ્છમાં થઈ રહ્યું છે.
સફેદ રણમાં ટેન્ટ સીટી જે પ્રવાસન વિભાગ સાથે જોડાઈને મોટી સંખ્યામાં તંબુનગરી ઊભી કરી પ્રવાસીઓને આકર્ષે છે, તો ધોરડોથી હોડકો સુધી એટલે કે ચાલીસેક કિલોમીટરના અંતરમાં 50 જેટલા નાના મોટા રિસોર્ટ છે. જેમાં ભૂંગા અને તંબુ ઉભા કરવામાં આવે છે. આ ત્રણ મહિના દરમિયાન તેઓ સારો એવો વકરો કરે છે. તો પ્રવાસીઓને આકર્ષવા દરરોજ રાત્રે પાંચથી સાત કલાકારો રાવણહથો, મોરચંગ, ઘડો, ગમેલો, સારંગી, જોડિયા પાવાના સંગાથે કચ્છી અને સિંધી કાફી ગાઈને જમાવટ કરે છે.
રિસોર્ટમાં પ્રવાસીઓ માટે દરરોજ રાત્રે સાજીંદાઓ સાથે કચ્છી અને સિંધી કાફી રજૂ કરતા ગ્રુપના સઇદુ શેખ જણાવે છે કે, ગામડાઓમાં વર્ષોથી રાત્રે જમીને રેયાણ કરે અને સંગીત સાથે કાફી ગાય. જેમાં તળપદી ભાષામાં અને સિંધની છાંટ આવે તેવી હોય છે. હવે જ્યારે પ્રવાસીઓનો પ્રવાહ વધી ગયો છે અને રિસોર્ટ પણ વધી ગયા ત્યારે અમે લોકો રિસોર્ટમાં જઈને કલા રજૂ કરીએ છીએ અને બધાને રોજગારી પણ મળે છે.
ઉલ્લેખનીય છે કે સ્થાનિક લોકોના રિસોર્ટમાં આ કચ્છી કલાકારોને રોજગારી તો મળે જ છે સાથે સાથે અહીંનું લોકસંગીત પીરસી અને સંસ્કૃતિ જાળવવાનું પણ કામ થઈ રહ્યું છે. જ્યારે ટેન્ટ સિટીમાં સ્થાનિક કલાકારોને બદલે કોન્ટ્રાક્ટમાં ગુજરાતના જિલ્લા બહારના ગ્રુપ દ્વારા પરફોર્મન્સ આપવામાં આવે છે. કચ્છ જોવા આવનારને કચ્છ બહારની સંસ્કૃતિ દેખાડવાનો કોઈ મતલબ નથી રહેતો.
કચ્છી ભાષામાં ‘કચ્છ નહી દેખા તો કુછ નહીં દેખા’ કરે છે જમાવટ સાહિત્યકારોના કચ્છી લોક ગીતો પણ સાંભળે છે પ્રવાસીઓ
કારાણીની કચ્છી રચના મન મીઠડાં મિલધા, અખ ફરક ફરક ફરકે જેવી કચ્છી કાફી અને ગજીયો મુંજો જોલ જલાનો, જેવા લોકગીત, સિંધી અને સૂફી ગીત સાથે હવે પ્રવાસીઓ ફરમાઈશ મુજબ દમાદમ મસ્ત કલંદર, હેલ્લારોના ગીત પણ આજકાલ ફેવરિટ બની ગયા છે, તો ગરબા પ્રવાસીઓને રાસ કરવા મજબૂર કરે છે. કચ્છી ભાષામાં ‘કચ્છ નહી દેખા તો કુછ નહીં દેખા’ અત્યારે ખાસ આકર્ષણ બન્યું છે. દીવ દેખા દમણ દેખા, દિલ્હી દેખા-મુંબઈ દેખા પર કચ્છ નહી દેખા તો કુછ નહીં દેખા રજૂ કરતા કલાકારો ઉત્સવ જેવો માહોલ સર્જે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.