પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં દૈનિક કરોડો રૂપિયાની ખનીજ ચોરી વ્યાપકપણે થઈ રહ્યાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે આજે ખાણ ખનીજ વિભાગ અંજાર કચેરી દ્વારા ભચાઉ તાલુકાના સુરજબારી ટોલગેટ નજીક ખનીજ ચોરી ઉપર દરોડા પાડી લાખો રૂપિયાની ખનીજ ચોરી પકડી પાડી છે. જોકે, હાલ વિભાગ દ્વારા કાર્યવાહી ચાલુ હોવાથી કેટલા પ્રમાણમાં ખનીજ ચોરી પકડવામાં આવી છે તે ચોક્કસપણે જાણી શકાયું નથી. પરંતુ તંત્રની કાર્યવાહીના પગલે 40 જેટલી ટ્રકો દ્વારા હાઇવે હોટેલ પર જ વિવિધ ખનીજ ખાલી કરી જવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ભચાઉના સેમખીયાળી પાસે ગઈકાલે ખાણ ખનીજ ચોરીના આશંકાએ અટકાવવામાં આવેલી ટ્રક દ્વારા ખનિજ વિભાગની વિજિલન્સ ટીમના વાહનને ટક્કર મારીને ફરાર થઈ જવાની ઘટના બની હતી. તો 5 દિવસ પૂર્વે ભચાઉના નારણસરી સિમ વિસ્તારમથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ખનીજ ચોરી ઉપર દરોડો પાડી તવાઈ બોલાવવામાં આવી હતી. જે બાદ આજે શુક્રવારે અંજાર ખાણ તંત્ર દ્વારા સક્રિય બની આજે વહેલી સવારથી દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ દરમિયાન અંજાર ખાણ ખનીજ વિભાગના અધિકારી પ્રણવ સિંગ સાથે સંપર્ક કરતા તેમણે આજની ઘટનાને સમર્થન આપતા જણાવ્યું હતું કે, આરટીઓ અને પોલીસને સાથે રાખીને ખનીજ ચોરી ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેની કાર્યવાહી હાલ ચાલુમાં હોવાથી કેટલા પ્રમાણમાં ચોરી પકડાઈ છે તેનો ચોક્કસ આંકડો કહી શકાય એમ નથી. જે કાર્યવાહી પૂર્ણ થયા બાદ જાણ કરવામાં આવશે.
વિશેષ સ્થાનિકના રમજું છાત્રાએ જણાવ્યું હતું કે, એક ડંપરમાં 40 ટન જેટલો ખનીજ જથ્થો આવતો હોય છે તે પ્રમાણે અંદાજિત 40 થી 50 ટ્રકો હાઈવે હોટેલ પરજ ખાલી કરીને નાશી જતા હોટેલનું મેદાન ખાણીજના જથ્થાથી ભરાઈ ગયું છે. ત્યારે પડતર ખાણીજના જથ્થાને તંત્ર હસ્તગત કરશે કે કેમ તે જોવું રહ્યું.
ડમ્પર ચાલકો અંદાજીત 1600 ટન ખનીજ હોટલના ગ્રાઉન્ડ પર ખાલી કરી ગયા
ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીના કારણે ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો અને ખનીજ હોટલના ગ્રાઉન્ડ પર જ ખાલી કરી નખમાં આવ્યો હતો. એક અંદાજ મુજબ 1600 ટન જેટલો ખનીજ ઠાલવવામાં આવ્યો હોવાથી હોટલના સમગ્ર ગ્રાઉન્ડ પર ખનીજ વિખેરાઈ ગયું હતું.
તંત્રની કાર્યવાહી બાદ હોટલ પર ખનીજ માફિયાઓનો જમાવડો
ખાણ ખનીજ વિભાગે વ્યાપક દરોડો પાડી 50 ટ્રકો પર કાર્યવાહી કરી હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા ખનીજ ,માફિયાઓમાં દોડધામ મચી ગઈ હતી અને દરોડા સ્થળે ખનીજ માફિયાઓનો જમાવડો થઇ પડ્યો હતો. તો બીજી તરફ તંત્રની કાર્યવાહી રોકવા કચ્છ તેમજ મોરબીના રાજકીય આગેવાનો પણ મેદાને પડ્યા હતા અને અધિકારીઓને સતત ફોન કરી પ્રેસર કરતા હોવાનું પણ સ્થાનિકેથી જાણવા મળ્યું હતું.
ખાણ ખનીજ વિભાગની હથિયાર વગરની ટુકડી પર જીવનો જોખમ
માથાભારે અને રાજકીય ઓથ હેઠળ સમગ્ર કચ્છમાં ખનીજ ચોરી થઇ રહી છે. જેને રોકવા માટે ખાણ ખનીજ વિભાગની ટીમ જીવના જોખમે કાર્યવાહી કરતી હોય છે. માથાભારે શખ્સોએ અનેક વખત દરોડો પાડવા આવેલી ટીમ પર હુમલો કર્યો હોવાના બનાવો પણ સામે આવી ચુક્યા છે. જેના કારણે કોઇપણ પ્રકારના હથિયાર વગર દરોડો પાડવા જતી ટુકડી પર જીવનો જોખમ ઉભું થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.