લાકડીયા, અંજાર, વરાડીયા, આદિપુર અને ગાંધીધામમાં અપમૃત્યુ અને અકસ્માતને કારણે 5 માનવ જિંદગી ઉપર પુર્ણ વીરામ મુકાયું છે, જેમાં લાકડિયામાં ઝાડ કાપી રહેલા યુવકને વીજ શોક ભરખી ગયો હોવાની, અંજારની વેલ્સ્પન કંપનીમાં 12 દિવસ પહેલાં સ્ટીલનું ગરમ પ્રવાહી પડતા દાઝેલા કામદારે દમ તોડ્યો હોવાની, તો ગાંધીધામમાં હોટલમાં કામ કરતા યુવાને ગળે ફાંસો ખાઇ લઇ અંતિમ પગલું ભરી લીધું હોવાની ઘટનાઓ નોંધાઇ છે. તો અબડાસાના વરાડીયામાં 65 વર્ષીય વૃદ્ધે છ મહિના અગાઉ થયેલ પત્નીના અવસાનથી માનસિક રીતે હતાસ થઇ ઝેરી દવા પી આયખું ટુકાવ્યું હતું.તો આદિપુરના 49 વર્ષીય આધેડે બીમારીથી કંટાળી એસીડ પી મોત વ્હાલું કર્યું હતું.
લાકડિયા સીમમાં લાકડા કાપતા યુવાનને વીજશોક ભરખી ગયો
લાકડિયાની ખારતરા વાંઢ વાડી વિસ્તારમાં રહેતો 18 વર્ષીય નિકુલ શ્યામભાઇ કોલી બુધવારે સવારે 11 વાગ્યાના અરસામાં નવિન દેવાભાઇ વાણીયાની વાડીમાં નિશાળની બાજુમાં લીમડાનું ઝાડ કાપી રહ્યો હતો ત્યારે અચાનક વીજશોક લાગતાં ગંભીર રીતે પટકાયેલા નિકુલનું મોત નિપજ્યું હોવાનું તેને લઇ આવનાર ભરત મોહન કોલીએ લાકડિયા સીએચસીના તબીબને જણાવતાં તબીબે પોલીસને જાણ કરી હતી. પીઆઇ આર.આર.વસાવાએ વધુ તપાસ હાથ ધરી છે.
અંજારની કંપનીમાં દાઝેલા કામદારનું સારવારમાં મોત
અંજાર નજીક આવેલી વેલ્સ્પન કંપનીના સ્ટીલ મેટિંગ શોપમાં તા.18/2 ના કામ કરી રહેલા 50 વર્ષીય કામદાર મોહમ્મદ ઇદરિશ યાશીન ઉપર સ્ટીલનું ગરમ મેટલ(પ્રવાહી) પડતાં ગંભીર રીતે દાઝી ગયા હતા તેમને તાબડતોબ પ્રથમ આદિપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ અમદાવાદ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા જ્યાં તા.19/2 ના રોજ તેમણે દમ તોડ્યો હતો. પીએસઆઇ સી.બી.રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીધામમાં યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ લીધો
ગાંધીધામની હોટલ સીટી પ્લાઝામાં કામ કરતા 27 વર્ષીય આશિષ દિલિપદાસ નામના યુવાને બુધવારે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ અંતિમ પગલું ભરી લીધું હોવાની ઘટના એ-ડિવિજન પોલીસ મથકે નોંધાઇ છે. જેમાં કારણ જાણવા પીએસઆઇ એમ.વી.જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ દ્વારા યુવાનને કયા કારણોસર ફાંસો ખાધો છે તે દિશામાં તપાસ આદરાઇ છે.
વરાડીયા ગામમાં પત્નીના વિયોગમાં વૃદ્ધે ઝેરી દવા પી લીધી
વરાડીયા ગામના અનુસુચિત જાતિના 65 વર્ષીય વિરાભાઈ ડાયાભાઇએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.હતભાગીના પત્નીનુ છ મહિના અગાઉ અવશાન થયું હતું.જેના કારણે માનસિક રીતે હતાસ રહેતા હતા.એ દરમિયાન ગુરુવારે સવારે ૬ વાગ્યે વરાડીયા ગામની સીમમાથી મૃત હાલતમાં મળી આવ્યા હતા.વૃદ્ધે સીમમાં જ ઝેરી દવા પી આયખું ટૂંકાવી લીધું હતું.બનાવને પગલે કોઠારા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોધાયો છે.
આદિપુરના 49 વર્ષીય આધેડે બીમારીથી કંટાળી એસીડ પીધું
આદિપુરમાં આધેડે બિમારીથી કંટાળીને એસીડ પી લીધું હતું. જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી મળતી માહિતી મુજબ આદિપુરમાં ઇફ્કો કોલોનીમાં રહેતા 49 વર્ષીય કિશોરભાઈ રામચંદ્ર ગજરાએ શરીરની બીમારીથી કંટાળી એસીડ ગટગટાવી આપઘાત કર્યો હતો.બનાવના પગલે હતભાગીને સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.