પ્રશંસનીય પહેલ:કચ્છ યુનિવર્સિટીના પર્યાવરણ જતન અંતર્ગત વિશાળ સંકુલમાં ફરવા માટે સાયકલ સેવા ઉપલબ્ધ

કચ્છ (ભુજ )13 દિવસ પહેલા
  • કેનરા બેંકની આર્થિક સહયોગથી યુનિવર્સિટીને 20 સાયકલ અર્પણ કરાઈ

ભુજ શહેર પાસે આવેલી કચ્છ યુનિવર્સિટીમાં પર્યાવરણના જતન અંતર્ગત વિશાલ સંકુલમાં આવાગમન માટે નિશુલ્ક સાઇકલ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં આવતા વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ મુલાકાતીઓને હવેથી યુનિવર્સિટીના વિશાળ કેમ્પસમાં પગપાળા ચાલવાના બદલે સાયકલની સેવા મળી રહેશે. કેનરા બેંકના આર્થિક સહયોગથી 20 જેટલી સાયકલ હાલ શિક્ષણ સંકુલના પ્રવેશદ્વાર પર રાખવામાં આવી છે. આ સેવા દ્વારા લોકો હવે યુનિવર્સિટીમાં સાયકલ વડે ફરી શકશે. કચ્છ યુનિવર્સિટીની આ પહેલને સૌ કોઈ અવકારી રહ્યા છે.

યુનિવર્સિટીમાં આવતા લોકોને સાયકલની સેવા મળી રહેશે
કચ્છ યુનિવર્સિટી દ્વારા લાંબા સમયથી થઈ રહેલો પ્રયાસ આખરે સફળ થતાં હવે યુનિવર્સિટીમાં આવતા લોકોને સાઇકલ સેવાનો લાભ મળી રહેશે. ખાનગી બેંકના આર્થિક સહયોગથી યુનિવર્સિટીને 20 જેટલી સાઇકલ અર્પણ કરવામાં આવી છે, જે યુનિવર્સિટીના પ્રવેશદ્વાર પર મુકાઈ છે. યુનિવર્સિટીમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મચારીઓ કે પછી મુલાકાતીઓ ફક્ત પોતાનું આઇ.ડી. કાર્ડ અથવા તો અન્ય કોઈ સરકાર માન્ય ઓળખ પત્ર દર્શાવી સાઇકલ મેળવી યુનિવર્સિટીના વિશાળ 200 એકરના કેમ્પસમાં ફરી શકશે. યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયેલ આ સાઇકલ સેવા તદ્દન નિશુલ્ક રીતે અમલમાં મુકાઈ છે.

અન્ય સમાચારો પણ છે...