કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોરે અચાનક વાતવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ સર્જાઈ જતા અનેક સ્થળે કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. એક દિવસના અંતરાલ બાદ આજે માંડવી અને નખત્રાણા તાલુકામાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. વરસાદી માવઠું પડતા ગામની ગલીઓમાં પાણી વહી નીકળ્યા છે. તો માવઠાના પગલે દાડમ, કેરી અને ઘઉં સહિતના પકોમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે. સફેદ મોતી જેવા બરફના કરા પડતા લોકોએ તેનું મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડીંગ કરી સોસીયલ મીડિયા પર દ્રષ્યોને વહેતા કર્યા છે.
હવામાન વિભાગ દ્વારા કરાયેલી અગમચેતી અનુસાર
કચ્છમાં પણ સાયકલોનીક સર્ક્યુલેશનની અસર તળે એક દિવસ બાદ આજે ફરી કમોસમી વરસાદ પડ્યો છે. જિલ્લાના માંડવી, નખત્રાણા, મુન્દ્રા અને અંજાર તાલુકામાં વરસાદના વાવડ સાંપડ્યા છે. માંડવીના ગઢશીશામાં કરા સાથે શરૂ થયેલો વરસાદ એક કલાક સુધી પડ્યો હતો. તો પાસેના દસરડી અને આસપાસના વિસ્તારમાં પણ માવઠું થયાનું જાણવા મળ્યું છે. આ સિવાય નખત્રાણાના કોટડા રોહ, રામપર રોહા, નારણપર અને વમોટી ગામમાં વરસાદ પડ્યો છે. મુન્દ્રા તાલુકાના કનઝરામાં પણ કરા સાથે વરસાદ પડ્યો છે. જ્યારે અંજારના ખેડોઈમાં વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. વરસાદના કારણે માહોલમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જ્યારે ભુજમાં વાદળછાયું વાતવરણ સર્જાઈ જતા આંશિક બફારો વર્તાઈ રહ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.