મગરો જોવા મળતા ભય:પશ્ચિમ કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદ બાદ મગર જોવા મળ્યા, લોકોમાં ભયનો માહોલ

કચ્છ (ભુજ )4 દિવસ પહેલા
  • ભુજ, માંડવી અને નખત્રાણા તાલુકામાં મગરની વિશેષ સંખ્યા
  • નદી, તળાવ અને રહેણાંક વિસ્તારમાં મગરની હાજરી લોકો માટે ચિંતાનો વિષય બની

કચ્છના નવા વર્ષ અષાઢીબીજના સુકન કર્યા બાદ મેઘરાજાએ અનરાધાર હેત વરસાવીને જિલ્લાના અનેક જળાશયો પાણીથી છલોછલ કરી દીધા છે. તેની સાથે મગર જેવા જળચર જીવો પણ પાણી બહાર જોવા મળી રહ્યા છે. નદી, નાળા બાદ રહેણાંક વિસ્તારોમાં સાપ જેવા જીવ ચડી આવ્યાના બનાવ બની રહ્યા છે. તેમજ મગર પણ પાણી બહાર નીકળી રહ્યા છે. જેથી લોકોમાં ભયનો માહોલ પણ ઉદ્દભવી રહ્યો છે. સદભાગ્યે હજુ સુધી હિંસક જીવ દ્વારા કોઈને ઇજા પહોંચાડાઈ નથી.

રામેશ્વર વિસ્તારમાં બે મગર જોવા મળ્યાં
આજે શુક્રવારે નખત્રાણા રામેશ્વર વિસ્તાર પાસે ભરાયેલા પાણીમાં નર અને માદા મગર જોવા મળ્યા હતા. તેમજ થોડા દિવસ પૂર્વે પાસેની જિલ રેસિડેન્સીમાં પણ મગર ચડી ગયો હતો. જ્યારે ભુજ શહેરના નરસિંહ મહેતા નગરમાં મગર નીકળતા લોકોની ભીડ જોવા ઉમટી પડી હતી. જ્યારે ખારી નદી રેલવે અન્ડર બ્રિજ પાસેથી પસાર થતા એક યુવક પર મગર દ્વારા હુમલાનો પ્રયાસ પણ કરાયો હતો. તેવી જ રીતે નખત્રાણાના વિથોણ ગામના મહાદેવ મંદિરમાં તળાવ વધાવતા સમયે દોડી આવેલા મગરે ધાર્મિક વિધિમાં ખલેલ પહોંચાડી હતી. આમ અનેક સ્થળે મગરો ફરતા જોવા મળતા લોકોમાં ભય ફેલાયો છે.

મગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડવામાં આવે છે
આ વિશે પશ્વિમ કચ્છના નાયબ વન સરક્ષક યુવરાજસિંહ ઝાલાએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, ભુજ, માંડવી તાલુકામાં મગરની સંખ્યા વિશેષ છે તેના બાદ નખત્રાણા તાલુકામાં પણ મગરની સંખ્યા નોંધપાત્ર રહેલી છે. હાલ ચોમાસાની ઋતુ દરમ્યાન મગરો સચેત અવસ્થામાં હોય છે, જ્યારે બાકીના સમયે તેઓ સુસપ્ત દશામાં રહેતા હોય છે. તેથી ચોમાસામાં વરસાદ બાદ તેઓ મૂળ સ્થાનેથી બહાર નીકળી અન્ય વિસ્તારમાં પહોંચી જતા હોય છે. જેની જાણ વન વિભાગને થતા તેને રેસ્ક્યુ કરી સલામત રીતે અનુરૂપ સ્થળે છોડી મુકવામાં આવતા હોય છે. વન અધિનયમ એક્ટ તળે આ જીવ શેડ્યુલ 1માં આવતો હોવાથી તેની સલામતીને ધ્યાનમાં રાખીને રેસ્ક્યુ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...