ક્રિકેટ કોમેન્ટ્રીમાં નવતર પ્રયોગ:ભુજમાં સંસ્કૃત સહિત પાંચ ભાષામાં ક્રિકેટની કૉમેટ્રી કરવામાં આવી, પ્રેક્ષકોમાં રોમાંચ ફેલાયો

કચ્છ (ભુજ )એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ યુવા પાંખ દ્વારા ભુજના જ્યુબિલિ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં રમાતી મેચ દરમિયાન કોમેન્ટ્રીમાં નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. કૉમેન્ટર દ્વારા સંપૂર્ણ કોમેન્ટ્રી 5 જુદી જુદી ભાષાઓમાં કરવામાં આવી હતી. જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, કચ્છી અને સંસ્કૃત ભાષાનો કોમેન્ટ્રીમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પ્રેક્ષકો માટે નવતર પ્રયોગ 5 ભાષામાં લાઈવ કોમેન્ટ્રી
ક્રિકેટ મેચને સૌથી વધારે રસપ્રદ બનાવવાનું કાર્ય કોમેન્ટ્રી કરતી હોય છે.જે લહેકાથી કોમેન્ટ્રી કરવામાં આવતી હોય છે તેનાથી મેચમાં રોમાંચ પણ જામતું હોય છે. ભુજમાં હાલ ભુજ તાલુકાના સમસ્ત બ્રહ્મસમાજ યુવા પાંખ દ્વારા આયોજિત યુવા પ્રીમિયર લીગ સીઝન 2માં અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, કચ્છી અને સંસ્કૃત ભાષામાં કોમેન્ટ્રી કરવામાં આવી રહી છે.આપે ગુજરાતી, અંગ્રેજી, હિન્દીમાં કોમેન્ટ્રી સાંભળી હશે પરંતુ શું આપે ક્યારેય સંસ્કૃત અને કચ્છની મીઠી કચ્છી ભાષામાં લાઈવ કોમેન્ટ્રી અંગે વિચાર્યું છે? જી હા બ્રહ્મસમાજ દ્વારા આયોજિત ક્રિકેટ મેચ દરમિયાન સંસ્કૃતમાં તેમજ કચ્છીમાં લાઈવ કોમેન્ટ્રી કરવામાં આવી હતી જેથી મેચમાં ભાગ લેનારા, ટુર્નામેન્ટ ના આયોજકો તથા પ્રેક્ષકો રોમાંચિત થયા હતા.

ભુજના યુવાન દ્વારા ક્રિકેટ મેચ દરમિયાન સંસ્કૃતમાં લાઈવ કોમેન્ટ્રી કરવામાં આવી
ભુજના જ્યુબિલિ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજની યુવા પાંખ દ્વારા 8મી જાન્યુઆરીથી યુવા પ્રીમિયર લીગ સીઝન 2 નામથી યુવાનો માટેની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં બ્રહ્મ સમાજના જ યુવા અગ્રણીઓ દ્વારા સંસ્કૃત, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી અને કચ્છીમાં લાઈવ કોમેન્ટ્રી કરવામાં આવી હતી.

સંસ્કૃતમાં કોમેન્ટ્રી સાંભળીને પ્રેક્ષકોને પણ થોડીવાર માટે નવાઇ લાગી
ભુજમાં યોજાયેલી સમસ્ત બ્રહ્મ સમાજની યુવા પાંખની મેચ દરમિયાન સંસ્કૃતમાં કોમેન્ટ્રી સાંભળીને પ્રેક્ષકોને પણ થોડીવાર માટે નવાઇ લાગી હતી, પરંતુ થોડા જ સમયમાં લોકોને રમત કરતાં કોમેન્ટ્રીમાં વધુ મજા આવવા લાગી હતી. પ્રેક્ષકોના આટલા ઉત્સાહને જોઈને હવે આયોજકો ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ કે જે 19મી ફેબ્રુઆરી એટલે કે છત્રપતિ શિવાજી મહારાજની જયંતીના દિવસે સંપૂર્ણ રીતે સંસ્કૃત ભાષામાં કોમેન્ટ્રી કરવામાં આવશે તેવું સમસ્ત બ્રહ્મ સમાજની યુવા પાંખના પ્રમુખ અનિકભાઈ જોષીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...