દેશભરમાં ક્રિકેટ પર સટ્ટો રમાય છે તે ‘જાહેરમાં કહું છું ખાનગી રાખજો’ જેવું સત્ય છે. વિદેશમાં કાયદેસર છે જ્યારે ભારતમાં તે ગેરકાયદેસર હોવાથી છૂપી રીતે પણ સટ્ટાના વેપલામાં કરોડો રૂપિયાની લેવડ દેવડ થાય છે. વિધાનસભા ચૂંટણીના મતદાનને બાર દિવસ અને પરિણામને વીસ દિવસ બાકી છે, ત્યારે ક્રિકેટ પર સટ્ટો રમાડતી એપ્લિકેશનની આઈડી દ્વારા ત્રણેય રાષ્ટ્રીય પક્ષ ભાજપ, કોંગ્રેસ અને આપની કેટલી બેઠક પર વિજય થશે તેના તેજી અને મંદીના સોદા થવાના શરૂ થઈ ગયા છે. આગામી 20 દિવસમાં કચ્છમાં જ કરોડો રૂપિયાનો સટ્ટો રમાશે તેવું સૂત્રો જણાવે છે.
લોકશાહીનો ઉત્સવ એટલે ચૂંટણી. ગુજરાત વિધાનસભા ચૂંટણી મતદાનને હવે ગણેલા દિવસો બાકી છે ત્યારે એક તરફ મતદારોને રીઝવવા રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. તો મતદારો કયા પક્ષના ઉમેદવારને મત આપવો તેની ચર્ચામાં વ્યસ્ત છે. ત્યારે સટ્ટા રમવાના શોખીનો આગામી 8, ડિસેમ્બરના કયા પક્ષને કેટલી સીટ મળશે તેના પર લાખો રૂપિયાનો જુગાર રમવા પ્રવૃત્ત થઈ ગયા છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શુક્રવારે સાંજ સુધી બેઠકની જીતના ભાવ તેજી અને મંદીના અનુક્રમે ભાજપની બેઠક 140/138, કોંગ્રેસની બેઠક27/25 અને આપના 8/7 મુજબ નક્કી થયા છે.
જનતા માટે સટ્ટો કેમ રમાય તે કાયમી કોયડો રહ્યો છે, પરંતુ જે આ પ્રકારના જુગાર રમતા આવ્યા છે તેઓ તેજી અને મંદી દરરોજના અહેવાલો ઉપરથી નક્કી કરે છે. જેમ કે હાલ ભાજપ માટે 138 સીટની મંદી કરે તો રૂપિયા 1000 ના 1150 ચૂકવવા પડે જ્યારે 140 બેઠકની તેજી કરે તો 1000ના 850 મળે. ભાવમાં સટ્ટો રમાડનાર માટે 100/125ના હિસાબે 25 પૈસાનો નફો રાખીને રમાડતા હોય છે.
જેમ ક્રિકેટનો સટ્ટો રમાડતા મુંબઈ, અમદાવાદ, મદ્રાસ વગેરે મોટા શહેરો સ્થિત સટોડીયા કે સ્થાનિકે પંટરો શોધવા પોલીસ માટે પડકાર છે તેમ ચૂંટણીના પરિણામ પર રમાતો સટ્ટો પણ શોધવો મુશ્કેલ છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આવતા 20 દિવસમાં ભુજના બધા જ બુકીઓ ધૂમ સટ્ટો રમાડશે તો કચ્છમાં પણ અબજો રૂપિયાનો સટ્ટો રમાશે.
કચ્છની છ બેઠક માટે આજકાલમાં ભાવ ખુલી શકે
ગુજરાત વિધાનસભાની 182 સીટ માટે હાલ આઈડી દ્વારા સટ્ટો રમાડતા સટોડીયાઓ જિલ્લા દીઠ ભાવ બાંધણું કરે છે. કચ્છની છ બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને આપને કેટલી સીટ મળે તેના પર કેટલા ભાવ નક્કી કરવા તે આજકાલમાં જ નક્કી થાય તેવું સૂત્રોએ જણાવ્યું હતું. રાષ્ટ્રીય સ્તરે પક્ષનો પ્રભાવ, પ્રચાર અને સ્થાનિક ઉમેદવારની લોક ચાહના ઉપરથી કયા પક્ષને કેટલી બેઠક મળે તે અંદાજ કરીને તેજી અને મંદીના ભાવ નક્કી થશે.
ચૂંટણી પરિણામ સુધી પક્ષોની બેઠક પર જીતમાં ઉતાર ચઢાવ થશે
તારીખ 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે ત્યારે કયા પક્ષને કેટલી બેઠક મળે છે તે આ 20 દિવસ દરમિયાન રાષ્ટ્રીય સ્તરના મુખ્ય ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રચાર તેમજ તેમની કાર્યશૈલી પર આધારિત હશે. દરરોજ વિવિધ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પ્રસારિત માહિતીના આધારે બેઠકની વધ ઘટ અને ભાવ નક્કી થશે. જેમ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભામાં એક લાખ લોકો ઉમટ્યાં, અને ભાજપ તરફી માહોલ બને તો તેની બેઠક સંખ્યા વધે અને મંદી ઘટે. આમ દરરોજ ઊંચ નીચ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.