• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Cow Carcasses Found In Multiple Conditions At Dumping Site Near Nagore Road In Bhuj, Anger Among People Including Cow Lovers

લમ્પી વાઇરસથી મોતનું તાંડવ!:ભુજના નાગોર રોડ પાસેના ડમ્પિંગ સાઇટ પર ગૌ વંશના સંખ્યાબંધ મૃતદેહો જોવા મળ્યા, ગૌપ્રેમીઓ સહિત લોકોમાં રોષ

કચ્છ (ભુજ )2 મહિનો પહેલા
  • તંત્ર દ્વારા ખાડો ખોદી પશુના મૃતદેહનો નિકાલ શરૂ કરાયો હોવાનો દાવો
  • કચ્છમાં પ્રતિદિન લમ્પી વાયરસનો ફેલાવો વધી જતાં પશુઓના ટપોટપ મોત થઈ રહ્યા છે

કચ્છ જિલ્લામાં ગાયોમાં લમ્પી વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. લમ્પી વાઇરસથી અનેક ગાયોના મોત થયા છે. ત્યારે ભુજ શહેરના નાગોર રોડ પરના ડમ્પિંગ સાઇટ ખાતે લમ્પી રોગથી મૃત્યુ પામેલા ગૌ વંશના સંખ્યાબંધ મૃતદેહો જોવા મળ્યા હતા. જેને લઈ ગૌ પ્રેમીઓ સહિત લોકોની લાગણી દુભાઈ હતી. પશુ મૃતદેહના નિકાલના અભાવે મોટી સંખ્યામાં ગાયોના મૃતદેહોનો ખડકલો અહીં જોવા મળ્યો હતો. ગૌપ્રેમીઓનું કાળજું કંપાવી દેતા દૃશ્યો સામે આવતા લોકોએ તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી.

કચ્છમાં હજારો ગૌ વંશના મોત
ભુજના ડમ્પિંગ સાઇટ ખાતે લમ્પી રોગથી મૃત્યુ પામેલા ગૌ વંશના સંખ્યાબંધ મૃતદેહોનો ઢગલો જોવા મળ્યો હતો. જ્યાં જુઓ ત્યા ગાયોના મૃતદેહ જ નજરે પડી રહ્યા છે. ત્યારે ગાયોના મૃતદેહોનો યોગ્ય નિકાલ કરવાની માગ લોકો દ્વારા કરવામાં આવી હતી. જેના આધારે તંત્ર દ્વારા હાલ પશુ મૃતદેહોને નિકાલ અર્થે ખાડો બનાવી પુરણ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, લમ્પી સ્કિન ડિસિસના કારણે કચ્છમાં અત્યાર સુધીમાં હજારોની સંખ્યમાં ગૌ વંશના મૃત્યુ થઈ ચૂક્યા છે.

1.46 લાખ પશુઓનું રસીકરણ કરાયું છતાં પરિસ્થિતિ કાબૂ બહાર
કચ્છના તમામ 10 તાલુકાના ગાયોમાં લમ્પી વાઇરસ ફેલાઈ ગયો છે. જેના બચાવ અને અટકાવ માટે નાના મોટા તમામ ગામોમાં સેવાભાવી લોકો દ્વારા રાત દિવસ સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા પણ દરેક તાલુકામાં ખાસ લાયઝન અધિકારી મુકવામાં આવ્યા છે અને પશુ ચિકિત્સકની ટીમ સાથે બહારની ટીમ પણ ગાયોની સારવાર માટે ઉપલબ્ધ કરાઈ છે. અત્યાર સુધી 1.46 લાખ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 43 હજાર ગૌ વંશની સારવાર કરવામાં આવી છે. તેમ છતાં આ ભયાનક બિમારી કાબુમાં આવી રહી નથી. જેના કારણે પ્રતિદિન ગાયોમાં લમ્પી સ્કિન ડિસિસનો ફેલાવો વધી જતાં પશુઓના ટપોટપ મોત થઈ રહ્યો છે. જેની સાક્ષી પૂરતા દ્દશ્યો નાગોર રોડ ખાતેના ડમ્પિંગ સાઇટ પર જોવા મળ્યા હતા.

જામનગરમાં પણ ગાયોના મૃતદેહનો ઢગલો જોવા મળ્યો
રાજ્યમાં પશુઓમાં લમ્પી વાઇરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે. રાજ્યના કચ્છ ઉપરાત જામનગર, રાજકોટ, દ્વારકા સહિતના જિલ્લામાં લમ્પી વાઇરસે કહેર મચાવ્યો છે. ભુજમાં જે પ્રમાણે ગાયોના મૃતદેહનો ઢગલો જોવા મળ્યો છે. તેવો જ મૃતદેહનો ઢગલો જામનગર અને રાજકોટમાં પણ જોવા મળ્યો હતો. જામનગરના કાલાવડ શહેરમાં લમ્પી વાઇરસથી અનેક ગાયોનાં મોત થયાં છે. કાલાવડમાં તંત્રની ઢીલી નીતિને કારણે ગાયોની લાશોના ઢગલા જોવા મળી રહ્યા છે, જેથી દુર્ગંધ ફેલાતાં આસપાસ વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.

રાજકોટમાં ગૌ વંશના મૃતદેહોનો ઢગલો જોવા મળતા રોષ
રાજકોટમાં પણ પશુઓમાં લમ્પી વાઇરસનો કહેર જોવા મળ્યો છે. રાજકોટના માલિયાસણ ગામ પાસે ગાય, ગૌવંશ અને વાછરડાના મૃતદેહોના ઢગલા જોવા મળત ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. શહેરમાં મૃત્યુ પામતા પશુઓના મૃતદેહ અહીં નાખવામાં આવતા હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે. અસંખ્ય પશુઓના મોત પાછળ લમ્પી વાઇરસ કારણભૂત છે કે અન્ય કોઈ કારણ તે તપાસનો વિષય છે. 1 કિમી દૂરથી માથું ફાટી જાય એવી દુર્ગંધ આવી રહી છે.

કચ્છમાં 43741 પશુ સારવાર હેઠળ
જિલ્લા પંચાયત સ્થિત જિલ્લા નાયબ પશુપાલન નિયામક કચેરીના ઈનચાર્જ અધિકારીઅે જણાવ્યું હતું કે, 30 જુલાઈ સુધી લપ્પી ચર્મરોગથી પીડિત 43 હજાર 741 દુધાળ ઢોરોની સારવાર ચાલી રહી છે, જેમાંથી 1010ના મોત થયા છે. હજુ સુધી 1 લાખ 64 હજાર 981 પશુઅોની રસીકરણ થઈ ગયું છે. હવે પશ્ચિમ કચ્છના લખપત, અબડાસા, નખત્રાણા તાલુકામાં અસર અોછી થઈ ગઈ છે. પરંતુ, દક્ષિણ કચ્છના માંડવી, મુન્દ્રા અને ભુજ તાલુકા ઉપરાંત પૂર્વ કચ્છના અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપરમાં અસર વર્તાઈ રહી છે.

જિલ્લા પંચાયત નિષ્ફળ પુરવાર થઈ
જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન ઉપરાંત તમામ સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીઓ હજુ સુધી ગંભીરતા સમજ્યા નથી, જેથી વહીવટી અધિકારીઓ પાસે ગંભીરતાથી કામ લઈ શક્યા નથી. આવી મહામારી વચ્ચે પણ સંકલનની બેઠકમાં પણ જિલ્લા પંચાયત પ્રમુખ પારુલ કારા ગયા ન હતો.

ખાડા ખોદી દાટવાનું શરૂ કરી દીધું છે
ભુજ નરગપાલિકાના પ્રમુખ ઘનશ્યામ આર. ઠક્કરે જણાવ્યું હતું કે, નાગોર રોડ ડમ્પિંગ સ્ટેશનને અડીને આવેલી જય ભાટિયાની જમીન છે. જેમણે લમ્પીથી મૃત ઢોરોને દાટવા માટે એક ખાડો ખોદી નાખ્યો છે. સેનિટેશન સમિતિના ચેરમેન કમલ ગઢવીએ જણાવ્યું હતું કે, હજુ વધુ એક ખાડો ખોદવાનો ચાલું છે. જરૂર પડશે અેટલે વધારાના ખાડા ખોદાતા જશે, જેમાં ઢોરોના મૃત દેહો અને આના ઉપર દવા ઉપરાંત નમક છાંટવામાં આવશે.

માંડવીમાં 20 દિવસમાં 700 જેટલા ઢોરના મોત નિપજ્યા
માંડવી નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા 20 દિવસમાં કુલ 700 ગાય અને ભેંસ સંવર્ગના પશુઓના મોત થઈ ગયા છે. એવું સત્તાવાર જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...