કિસાનોને આર્થિક ફટકો:અબડાસામાં કપાસનો પાક નિષ્ફળ પરંતુ સારા ભાવ મળશે તો ધરતીપુત્રોને મગફળી ઉગારશે

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરવે બાદ નુકસાની વળતર ન અપાતાં કિસાનોને આર્થિક ફટકો

અબડાસા તાલુકામાં અા વખતે કપાસનો પાક નિષ્ફળ ગયો છે પરંતુ જો સારા ભાવ મળશે તો મગફળી કિસાનોને ઉગારશે. ભારે વરસાદ બાદ કપાસના પાકને નુકસાની થતાં તંત્ર દ્વારા સરવે હાથ ધરાયો હતો, જો કે, તેને લાંબો સમય થવા અાવ્યો છતાં પણ નુકસાની વળતર ન અપાતાં કિસાનોને અાર્થિક ફટકો પડ્યો છે.

સુકા મુલક અબડાસાના લાલા, બુડિયા, કોઠારા, સાંધવ, બિટીઅારી, રવા, કનકપર પંથકમાં પિયતની વ્યવસ્થા હોઇ અા વિસ્તારમાં ચોમાસુ પાક ઉપરાંત શિયાળુ પાક પણ લેવાય છે. અા પંથકમાં મોટાભાગના ખેડૂતોઅે કપાસનું વાવેતર કર્યું હતું પરંતુ ચોમાસામાં પડેલા ભારે વરસાદના કારણે વાડીઅોમાં લાંબા સમય સુધી પાણી ભરાઇ રહેતાં અને પાકને સૂર્યપ્રકાશ ન મળતાં મોટાભાગનો કપાસનો પાક નિષ્ફળ ગયો છે.

જે-તે વખતે તંત્ર દ્વારા સ્થાનિકે સરવે હાથ ધરાયો હતો, જો કે, નવાઇની વાત તો અે છે કે, તે સરવેને લાંબો સમય થવા અાવ્યો હોવા છતાં પણ અાજદિન સુધી કિસાનોને નુકસાની વળતરની રકમ મળી નથી. અત્યાર સુધી કુંભકર્ણની નિંદ્રામાં રહેલી સરકાર વિધાનસભાની ચૂંટણીના કારણે સફાળી જાગી છે અને હવે કિસાનો યાદ અાવ્યા હોય તેમ તાજેતરમાં જ સરકારે ખેડૂતોને પાક નુકસાની વળતરની અાપવાની જાહેરાત કરી હતી.

જો કે, કિસાનોના કહેવા મુજબ નુકસાની વળતરની અા જાહેરાત ચૂંટણીલક્ષી લોલીપોપ છે અને જેવી ચૂંટણી પૂરી થઇ નથી ને નેતાઅો અા જાહેરાત અને કિસાનોને ભૂલી જશે અને પાક નુકસાનીની રકમ કયારે મળશે તે તો અાવનારો સમય જ બતાવશે. કપાસનો પાક નિષ્ફળ ગયો છતાં પણ અા વખતે મગફળીનું વાવેતર વધુ કરાયું હોઇ જો સારા ભાવ મળશે તો મગફળી અા પંથકના ખેડૂતોને ઉગારી લેશે.

ટેકાના ભાવે કરાતી ખરીદીમાં પણ છેતરાતા ખેડૂતો
ટેકાના ભાવે સરકાર દ્વારા પાકની ખરીદી કરાય છે પરંતુ તેમાં પણ પૂરતા ભાવ કિસાનોને અપાતા નથી કેમ કે, સરકાર જે ભાવ અાપે છે તેના કરતાં તો ખેડૂતોને બજારમાં ભાવ વધુ મળે છે, જેથી અંતે તો ખેડૂતો છેતરાય જ છે. અધુરામાં પૂરું ગત વર્ષે જે કિસાનોઅે ટેકાના ભાવે પોતાનો પાક વેંચ્યો હતો તેઅોને પોતાનો માલ ભુજ પોતાના ખર્ચે લઇ જવો પડ્યો હતો, જેથી અેકબાજુ પાકના અોછા ભાવ ને બીજીબાજુ માલ સ્વખર્ચે ભુજ પહોંચાડનારા ખેડૂતોને અાર્થિક ફટકો પડ્યો હતો.

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માત્ર કાગળ પર
ધનાવાડાના મામદ હિંગોરાઅે જણાવ્યું હતું કે, અબડાસામાં લાલા-બુડિયાથી લઇને કનકપર પંથકમાં કપાસનું વધુ વાવેતર થાય છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો જે ખેડૂતોઅે લાભ લીધો હતો તેમના બેન્ક ખાતામાંથી પાક વીમાના નામે રૂપિયા કાપી લેવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકોને નુકસાન થતાં કિસાનોઅે વળતર માંગતાં બેન્કોએ હાથ ઊંચા કરી દીધા છે અને ગમે તે બહાના અાપીને કિસાન ખાતા ધારકોને સહાયથી વંચિત રાખવામાં અાવ્યા છે, જેથી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કાગળ પર છે.

અન્ય સમાચારો પણ છે...