46 કોરોનાના નવા કેસ:ભુજ,અંજાર અને ગાંધીધામમાં કોરોનાએ કસ્યો સકંજો, જોકે દર્દીઓ હળવા લક્ષણવાળા હોઇ ચિંતા નહીંવત

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઋતુજન્ય રોગચાળા વચ્ચે કેસોમાં ઉછાળો

હાલમાં વરસાદી સીઝન વચ્ચે કચ્છમાં ઋતુજન્ય રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે.સરકારી અને ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે તેવા સમયે સતત કોરોનાના નવા કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.ચોથી લહેરમાં અત્યાર સુધીના સૌથી વધુ 46 કેસ બુધવારે નોંધાવા પામ્યા હતા.

આ પૂર્વે સપ્તાહ અગાઉ 37 કેસ તંત્રએ જાહેર કર્યા હતા. નવા 46 દર્દીઓની સામે 38 વ્યક્તિઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે.મહત્વની વાત એ છે કે,ભુજ અંજાર અને ગાંધીધામ શહેરમાં જ સૌથી વધુ કેસો આવી રહ્યા છે. જિલ્લા પંચાયત દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી પ્રમાણે, બુધવારે ભુજ શહેરમાં પાંચ અને તાલુકામાં 10 મળી કુલ 15 વ્યક્તિઓને કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યું છે.

આ સિવાય અંજાર શહેરમાં 11 અને તાલુકામાં ત્રણ મળી 14 કેસ આવ્યા છે.અત્યાર સુધી અંજાર શહેરમાં એકલદોકલ કેસો આવતા હતા.પરંતુ એક સાથે 14 કેસાવતા અહીં પણ ચિંતા પ્રસરી ગઈ છે.દરમિયાન ઔદ્યોગિક સંકુલ એવા ગાંધીધામમાં સતત કોરોના વકરતો હોય તેમ બુધવારે વધુ 11 દર્દીઓને ચેપ લાગ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.જેમાં શહેરમાં સાત અને તાલુકામાં ચાર દર્દીઓને ચેપ લાગ્યો છે.

અહીં પોર્ટમાં બહારથી આવતા લોકો અને સ્થાનિકે લોકલ સંક્રમણના કારણે કેસો વધતા હોવાનું તારણ બહાર આવ્યું છે.દરમિયાન નખત્રાણા તાલુકામાં વધુ છ વ્યક્તિઓને સંક્રમણ લાગ્યું છે.ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે તેઓ દ્વારા સંપર્કમાં આવેલા લોકોને રિપોર્ટ કરાવી લેવા માટે અપીલ કરવામાં આવી હતી.

આ સિવાય અબડાસા,ભચાઉ, લખપત,માંડવી,મુન્દ્રા અને રાપર તાલુકામાં કોરોનાની ગેરહાજરી નોંધાઈ હતી. નવા કેસોના કારણે એક્ટિવ કેસની સંખ્યા 154 થઈ છે.જોકે મહત્વની વાત એ રહી છે કે જે લોકોને કોવિડનું સંક્રમણ લાગે છે.તેઓ ત્રણથી ચાર દિવસમાં સ્વસ્થ થઈ રહ્યા છે હોસ્પિટલ જવાની જરૂર પડતી નથી તેમજ મોતનો એક પણ કિસ્સો સામે આવ્યો નથી.જે નવા દર્દીઓ સામે આવી રહ્યા છે તેઓ હળવા લક્ષણો ધરાવે છે.જેના કારણે કેસો વધતા હોવા છતાં લોકોમાં ચિંતાનું મોજુ નથી.

પટેલ ચોવીસીમાં સંક્રમણ વધ્યું : ભુજ તાલુકામાં સામે આવેલા કેસોમાં યુવતીઓને વધુ ચેપ લાગ્યો
​​​​​​​​​​​​​​ભુજમાં સૌથી વધુ 15 કેસ આવ્યા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોટાભાગના કેસ પટેલચોવીસીના ગામોમાં જ સામે આવ્યા છે.સૂત્રોએ જણાવ્યું કે, 9 મહિલાઓને ચેપ લાગ્યો છે.જેમાં 1 સગીરા અને 2 આધેડ જ્યારે બાકીની યુવતીઓને સંક્રમણ લાગ્યું છે.પુરુષોમાં પણ વૃદ્ધ સહિત યુવાનો ઝપટે ચડયા હતા.નવા કેસોના વિસ્તારની જો વાત કરીએ તો માધાપર ગોકુલધામ,હરિપાર્ક,ભુજોડી, કૂકમા નવાવાસ,રેલડી નાની,મીરજાપર રઘુરાજનગર,કેરા,માનકુવા જુના-નવા વાસ,સુરજપર,કોડકી,સંતોષ સોસાયટી ભુજમાં રહેતા વ્યક્તિઓને ચેપ લાગ્યો છે.તમામ દર્દીઓ હળવા લક્ષણોવાળા છે અને લોકલ ટ્રાન્સમીશનના કારણે ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે.

38 દર્દીઓને સ્વસ્થ જાહેર કરાયા
નવા કેસોની તુલનાએ વધુ 38 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે.જેમાં ગાંધીધામના 13,ભુજના 12, ભચાઉના સાત,અંજાર-મુન્દ્રા અને નખત્રાણા તાલુકાના બે બે વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

12,561 લોકોને રસી અપાઈ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર દ્વારા 75 દિવસ સુધી 18 થી 59 વર્ષની વયના લોકોને મફતમાં બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરવામાં આવી છે.જે અંતર્ગત બુધવારે 12561 લોકોએ રસી મુકાવી હતી.આ સાથે પ્રીકોસન ડોઝની જિલ્લાની કુલ કામગીરી 1,94,587 થઈ છે જોકે પહેલો ડોઝ મુકાવનારા 72000 લોકોએ હજુ પણ બીજો ડોઝ ન લીધો હોવાનું સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...