કચ્છમાં ધીરે ધીરે કોરોનાના કેસો દેખાવાની શરૂઆત થઈ રહી છે ત્યારે સતત ત્રીજા દિવસે કોવિડની હાજરી નોંધાઇ છે જેમાં એકસાથે 3 કેસ જિલ્લામાં નોંધાયા છે જેથી એક્ટિવ કેસની સંખ્યા 6 થતા ફરી ચિંતા પ્રસરી છે. પાંચ દિવસ પહેલા ગાંધીધામ અને મુન્દ્રા ખાતે એકસામટે બે કેસ આવ્યા હતા.જે બાદ શનિવારે ગાંધીધામ અને અંજારમાં બે કોરોનાના કેસ નોંધાયા હતા તેવામાં સતત બીજા દિવસે કોરોના જિલ્લામાં ડોકાયો છે.
જિલ્લા પંચાયતની યાદીમાં જણાવ્યા પ્રમાણે, ભુજ શહેરમાં 2 અને ગાંધીધામ તાલુકામાં 1 વ્યક્તિને કોવિડનું સંક્રમણ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.ભુજમાં લાંબા સમય બાદ કોવિડની હાજરી નોંધાઇ છે.આ સાથે એક્ટિવ કેસની સંખ્યા વધીને 6 થઈ ગઈ છે.જેમા ભુજ અને ગાંધીધામના 2-2 જ્યારે અંજાર અને મુન્દ્રાના 1 - 1 વ્યક્તિ સારવાર તળે દાખલ છે.
રાજયમાં પણ કોરોનાના કેસોએ માથુ ઉચકયું છે ત્યારે હવે કચ્છમાં પણ કેસો વધી રહ્યા છે તે વચ્ચે આજથી બાળકો માટે ઓફલાઈન શિક્ષણની શરૂઆત થઈ રહી છે.મોટાભાગના બાળકોએ રસીના ડોઝ પણ લીધા નથી તેમજ પ્રિકોશન ડોઝની કામગીરી પણ કચ્છમાં મંદ પડી ગઈ છે.સરકાર દ્વારા ટેસ્ટિંગ વધારવા માટે સૂચના આપવામાં આવી છે, પરંતુ આ દિશામાં પ્રગતિ પણ જોવા મળતી નથી. રવિવારે કચ્છમાં 120 કોરોના ટેસ્ટ થયા હતા.હાલમાં જે કેસો આવી રહ્યા છે, તે કોન્ટેક્ટ ટ્રેસિંગના કારણે સામે આવતા હોવાનું સૂત્રોએ કહ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.