તંત્રએ ચૂપકિદી સેવી:જખૌમાં મીઠા ઉદ્યોગના ઓવરલોડ વાહનોનું દુષણ, માર્ચ એન્ડિંગમાં આરટીઓ તંત્રએ ઝુંબેશ આદર્યા બાદ જાણે આપી દીધો છૂટો દોર

જખૌ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોડ પર ઠેર-ઠેર મીઠાના ખડકાયા છે ઢગલા તેમ છતાં તંત્રએ ભેદી મૌન ધારણ કરી લીધું હોય તેમ કાર્યવાહીના નામે મીડું

કચ્છમાં માથાના દુ:ખાવા સમાન ઓવારલોડ વાહનોના દુષણ વચ્ચે જખૌ વિસ્તારમાં મીઠાના ઉદ્યોગોમાંથી આવતા ઓવરલોડ વાહનોને જાણે છૂટોદોર મળી ગયો હોય તેમ માર્ગ પર ઠેર-ઠેર મીઠાના ઢગલા પડ્યા છે તેમ છતાં આરટીઓ તંત્રએ ચૂપકિદી સેવી લીધી છે. અબડાસા તાલુકાના જખૌ દરિયાઈ વિસ્તારમાંથી નમકનું પરિવહન મુન્દ્રા અને કંડલા પોર્ટ ખાતે થાય છે.

ઓવરલોડ મીઠુ ભરીને નીકળતી મસમોટી ટ્રકો અંદાજે 130 કિ.મી.નું અંતર કાપીને મુન્દ્રા અને કંડલા પોર્ટ પહોંચે છે તેમ છતાં કોઈપણ જાતની તપાસ ન કરાતાં વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. આરટીઓ દ્વારા માર્ચ એન્ડિંગ સમયે મોટા ઉપાડે ઝુંબેશ આદરી હતી, જેના પગલે થોડાક સમય માટે ઓવરલોડનું દુષણ બંધ રહ્યા બાદ ફરી ચાલુ થઈ ગયું છે. જાણકારોના મતે જો અબડાસા તાલુકાના હાઇવે ઉપર આવેલા ચેક પોઈન્ટ ઉપર સીસીટીવી લગાડવામાં આવે તો સાચી હકીકત બહાર આવે તેમ છે.

ખેતી લાયક રોડ ટચ જમીન બંજર બની જવાનો ખેડૂતોને ભય
અબડાસા તાલુકામાં ખાસ કરીને જખૌથી લઇને કોઠારા, કનકપર પંથકમાં સિંચાઇ આધારીત ખેતી છે ત્યારે જખૌથી મુન્દ્રા તેમજ કંડલા પોર્ટ તરફ જતા મીઠું ભરેલા ઓવરલોડ વાહનોના પગલે રસ્તા પર નમક ઢોળાય છે. ખાસ કરીને જખૌ, લાલા, સિંધોડી, વાંકું, કોઠારા, નલિયા સહિતના ગામોના માર્ગ પરથી ઓવરલોડ વાહનોના કારણે રોડ ટચ ખેતી વિષયક જમીન બંજર બની જતી હોવાની રાવ ખેડૂતો દ્વારા ઉઠી રહી છે.

વધુમાં એક સમયે રોડ ટચ જમીનનો ભાવ આસમાને પહોંચી ગયો હતો પરંતુ વર્તમાન પરિસ્થિતિ નજરે બંજર જમીનમાં પાક નિષ્ફળ જાય છે અને જમીનના વેચાણ સમયે પણ પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોની મુશ્કેલી વધી ગઇ છે.

મીઠાના ઓવરલોડ પરીવહનનો મુદ્દો આર.ટી.ઓ. કમિશનર પાસે પહોંચ્યો
ખાવડાથી કંડલા સુધી મીઠાના ઓવરલોડ વાહનોનું પરિવહન છેલ્લા દોઢ માસથી થઇ રહ્યું છે, જે અંગે સ્થાનિક આર.ટી.ઓ. તંત્ર દ્વારા ચેકપોઇન્ટ પર કડક પહેરો ગોઠવી દેવાયો તો ટ્રક-ટ્રેલરો ચોર રસ્તેથી પસાર થવાનું શરૂ કર્યું હતું. કોંગ્રેસી આગેવાનો દ્વારા જનતા રેડની ચિમકી પણ ઉચ્ચારાઇ હતી. જો કે હવે સમગ્ર મામલો આર.ટી.ઓ. કમિશનર પાસે પહોંચ્યો છે.

બે માસ પહેલા જિલ્લા આર.ટી.ઓ. તંત્રને કોંગ્રેસી નગરસેવક એમ. જે. પંખેરીયા અને પ્રતિનિધિ મંડળે મીઠાનું ઓવરલોડ પરીવહન બંધ કરાવવા રજૂઆત કરી હતી, જો કોઇ નક્કર કાર્યવાહી નહી થાય તો જનતા રેડની ચિમકી પણ ઉચ્ચારાઇ હતી. બે માસ સુધી આર.ટી.ઓ. તંત્ર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ તેમના તરફથી કરાયો છે અને હવે સમગ્ર મામલો આર.ટી.ઓ. કમિશનર સુધી પહોંચયો છે.

લાખો રૂપિયાની સરકારી દંડની વસૂલાતને બદલે ઓવરલોડ પરીવહન પર મીઠી નજર રાખવામાં આવતી હોવાનો આક્ષેપ કરી આર.ટી.ઓ. તંત્રને કરાયેલી રજૂઆત તેમજ ઇન્સ્પેકટરોને કરાયેલા ફોન અને ઓવરલોડ વાહનોની માહિતી અંગે આર.ટી.ઓ. કમિશનરને પત્ર લખી કડક કાર્યવાહી કરી મીઠાના પરીવહનને કારણે થતા અકસ્માતોને રોકવા રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...