પાણીની સેવા:નળ વાટે દૂષિત પાણીના બહાને મફત ટેન્કર મેળવવાનું દૂષણ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાએ નગરસેવકોના ઝઘડા બાદ બંધ કર્યા હતા
  • પદાધિકારીઓ ગમે એટલા કડક બને પણ છટકબારી ખુલ્લી

ભુજ નગરપાલિકાની વોટર ટેન્કર શાખા દ્વારા નળ વાટે દૂષિત પાણી અાવવા સહિતના જુદા જુદા કારણોસર ટેન્કર મારફતે મફત પાણી પહોંચતું કરવાની સેવા અાપે છે, જેથી મફતનો લાભ લેવા નળ વાટે દુષિત પાણી અાવતું હોવાના બહાના અાગળ ધરાતા હોવાનું કર્મચારીઅોમાં ચર્ચાઈ રહ્યું છે.

ગત વર્ષ 2022ના માર્ચ માસ દરમિયાન વિપક્ષ અને શાસક પક્ષના નગરસેવકો વચ્ચે ટેન્કર મારફતે મફત પાણી મેળવવાની હોડ જામી હતી, જેમાં પૈસા ખર્ચીને ટેન્કર મંગાવનારાને 15થી 20 દિવસ સુધી પાણી મળતું ન હતું, જેથી નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કર, કારોબારી ચેરમેન જગત વ્યાસ સહિતના પદાધિકારીઅોઅે નીતિ વિષયક નિર્ણય લઈ નગરસેવકોને અપાતી મફત પાણીના ટેન્કરની સેવા જ બંધ કરી દીધી હતી. જે બાદ મફત પાણીના ટેન્કરની સેવા પુન:શરૂ થાય અે માટે માનસિક દબાણ લાવવા પ્રપંચ થતા રહેતા હતા.

જેને પદાધિકારીઅોઅે ગણકાર્યા ન હતા, જેથી સારા પરિણામ રૂપે વોટર ટેન્કર બ્રાન્ચના ખર્ચ સામે અાવકમાં વધારો થયો હતો. જોકે, હવે કર્મચારીઅોમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે કે, ટેન્કર મારફત મફત પાણી પૂરું પાડવાની સેવા બંધ કરાઈ હતી. પરંતુ, ધાર્મિક સ્થળોઅે કે નળ વાટે પાણી વિતરણમાં વિક્ષેપ થાય ત્યારે ટેન્કર મારફતે મફત પાણી પૂરું પાડવાનો માનવીય અભિગમ અપનાવાયું હતું.

જે વિકલ્પનો હવે કેટલાક વગદારો છટકબારી તરીકે ઉપયોગ કરી રહ્યા છે. સૂત્રોઅે જણાવ્યું હતું કે, નળ વાટે દુષિત પાણી અાવતું હોય તો અે ડ્રેનેજ બ્રાન્ચ અને વોટર સપ્લાય બ્રાન્ચની ક્ષતિ ગણાય. જે માટે જવાબદાર ઈજનેર સહિતના સ્ટાફ સામે સખત કાર્યવાહી કરવી જોઈઅે અને દંડ રૂપે ટેન્કર મારફતે અપાતા મફત પાણીની કિંમત તેમની પાસેથી વસૂલવી જોઈઅે.

અન્ય સમાચારો પણ છે...