ખારાઇ ઉંટ વિલુપ્ત થવાના આરે?:વાગડના દરિયા કાંઠે ચાલતા મીઠાના અગરના બાંધકામથી ચેરીયા વનસ્પતિને અસર, ખારાઈ ઉંટના અસ્તિત્વ પર સંકટનાં વાદળ

ભુજ8 દિવસ પહેલા
  • ખારાઈ ઉંટનો મુખ્ય ખોરાક ચેરીયા હોવાથી તેનું રક્ષણ જરૂરી - માલધારી
  • બેરોકટોક ચાલતા મીઠાના અગરથી દરિયાની ભરતીના પાણીની આવમાં અવરોધ
  • પાણીની આવ બંધ થતાં ચેરીયા વનસ્પતિને અસર, અનેક રજૂઆત છતાં પરિસ્થિતી જૈસે થે

કચ્છની અસ્મિતામાં અભિન્ન હિસ્સો ધરાવતા ઉંટની સલામતી હવે ભયમાં હોવાની રજૂઆત ખારાઈ ઉટ ધરાવતા માલધારી વર્ગે કરી હતી. ખારાઈ ઉંટ મુખત્વે ચેરીયા વનસ્પતિ પર આધારિત છે. પરંતુ ભચાઉ તાલુકાના દરિયાઇ વિસ્તારમાં ઉગતા ચેરીયા પર ઉભા થયેલા સંકટથી માલધારીઓની ચિંતામાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે. કાંઠા વિસ્તારમાં બેરોકટોક ચાલતા મીઠાના અગરના કાર્યથી દરિયાની ભરતીના પાણીની આવમાં અવરોધ ઉભો થઇ રહ્યો છે. જેના કારણે કુદરતી ચેરીયા વનસ્પતિનું નિકંદન નીકળી રહ્યું છે. જો ચેરીયા નહિ ઉગે તો આ વિસ્તારના 1200 જેટલા ઉંટના નિભાવ પર મોટી અસર થઈ શકે છે. આ માટે માલધારી વર્ગે તંત્ર સમક્ષ અનેક રજૂઆત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

ચેરીયા પર નિર્ભર ખારાઈ ઉંટને હવે બચાવવા મુશ્કેલ બન્યા - માલધારીભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારના જંગી છાડવારા, આંબલિયારા અને વોન્ધ ગામના માલધારીઓ માટે હવે પોતાના ઉંટના અસ્તિત્વ ટકાવવા પર પ્રશ્નાર્થ ઉભો થયો હોવાનું જણાવતા માલધારી હમીર જતે કહ્યું હતું કે વોન્ધ-આંબલિયારા વચ્ચે આવતા દરિયાઈ વિસ્તાર નાની અને મોટી બેટીઓ પર મીઠાના અગર બનવાનું કાર્ય સતત વધી ગયું છે. જેને લઈને દરિયાના પાણીની આવ રોકાઈ જાય છે અને ચેરીયાનું નિકંદન નીકળી રહ્યું છે. જેના કારણે ચેરીયા પર નિર્ભર ખારાઈ ઉંટને હવે બચાવવા મુશ્કેલ બન્યા છે. જો આમ જ ચાલતું રહ્યું તો આવતા બે-ચાર વર્ષમાં જ વિશ્વના એક માત્ર તરી શકતા ઉંટની પ્રજાતિ વિલુપ્ત થઈ જશે એમ તેમણે જણાવ્યું હતું.

સમાહર્તાથી લઈ સ્થાનિક તલાટી સુધીમાં રજૂઆત કરી - માલધારી
હમીરભાઈ સાથે રહેલા અન્ય અમીન આયુબ સહિતના માલધારીઓ જણાવ્યું હતું કે ચેરીયા બચાવ માટે કચ્છના સમાહર્તાથી લઈ સ્થાનિક તલાટી સુધીમાં રજૂઆત કરી છે. પરંતુ કોઈ કાંઈ કરવા તૈયાર હોય એવું લાગતું નથી. કંડલા પોર્ટ હસ્તકની જમીન પર લગાતાર અગરો બનાવવાનું કામ ધમધોકાર ચાલુ રહે છે. 4થી 5 મહાકાય હિટાચી મશીનો સાગરના ક્રિક વિસ્તારમાં કાર્યરત જોવા મળે છે. પરંતુ તેમના પર કોઈ રોક લગાવાતી નથી.

ચેરીયા માટે કચ્છને પ્રેમ હોય એવું લાગતું નથી - મહેન્દ્ર ભાનાણી​​​​​​​
ભુજ ખાતે કેમલ પ્રોજેક્ટ હેઠળ કામ કરતી સહજીવન સંસ્થાના કો-ઓર્ડીનેટર મહેન્દ્ર ભાનાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણ બચાવ અંતર્ગત ચેરીયા માટે ખૂબ મહેનત કરી છે. પરંતુ હવે એવું લાગે છે કે ચેરીયા માટે કચ્છને પ્રેમ હોય એવું લાગતું નથી. વાત કરીએ વર્ષ 2017-18ની તો ઉંટ માટે અતિ મહત્વના ચેરીયાના નિકંદન અટકાવ માટે ગ્રીન ટ્રીબ્યુનલ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. ગરીબ માલધારીઓ પાસેથી એક એક રૂપિયો જમા કરીને કોર્ટ કેસમાં વિજય મળ્યો હતો. જેના આધારે DAPA (કંડલા પોર્ટ) દ્વારા તત્કાલીન સમયે કોર્ટ આદેશ અનુસાર ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારમાં મીઠાના અગરો પર રોક લગાવી હતી અને ચેરીયાનું વાવેતર કરવા સંનિષ્ઠ જંગલ ખાતાને મોટી રકમ પણ ફળવાઈ હતી. જે ચેરીયાની સાથે પાણીમાં તણાઈ ગઈ હશે.

વિસ્તારમાં મીઠાના કારખાના વધતા જાય છે
​​​​​​​એટલું જ નહિ પર્યાવરણ કોર્ટના આદેશના પગલે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કમિટી તપાસ અર્થે મોકલવામાં આવી હતી. જેના સચોટ રિપોર્ટ બાદ અંતે મીઠાના બનેલા અગરને અટકાવી તેમાં ચેરીયા ઉછેર કરવાનો હુકમ આવ્યો હતો. પરંતુ કોઈ કાર્યવાહી દેખાઈ નહોતી. કેન્દ્ર સરકાર હસ્તેની કમિટીનો રિપોર્ટ અને કોર્ટનો ચુકાદો હોવા છતાં ફરી છેલ્લા એક વર્ષથી આ વિસ્તારમાં મીઠાના કારખાના વધતા જાય છે અને ચેરીયા તથા ઉંટ ઘટતા જાય છે.

અન્ય સમાચારો પણ છે...