ભુજ નગરપાલિકાઅે મફત વોટર ટેન્કર સપ્લાય સેવા બંધ કર્યા બાદ છેલ્લા દોઢ માસથી કોંગ્રેસ શાસક પક્ષ ભાજપ સામે સંઘર્ષમાં ઉતરી છે, જેમાં કોંગ્રેસી કાર્યકરો બુધવારે ફરી મોરચા સ્વરૂપે ધસી ગયા હતા અને પ્રમુખની ચેમ્બરમાં ઉગ્ર બોલાચાલી કરી હતી, જેથી નગરપતિઅે નિવેદન અાપ્યું છે કે, કોંગ્રેસે પ્રથમ નાગરિક અને પરિવારનું અપમાન કર્યું છે.
જો પુનરાવર્તન થશે તો માનહાનિનો કેસ કરીશ.ભુજ નગરપાલિકાની મફત વોટર ટેન્કર સપ્લાય બ્રાન્ચ ઉપર કબજો જમાવવા શાસક અને વિપક્ષી નગરસેવકોઅે હોડ જમાવી હતી, જેથી અેપ્રિલ માસના પ્રારંભે જ મફત વોટર ટેન્કર સપ્લાય સેવા બંધ કરી પ્રત્યેક ટેન્કરે 200 રૂપિયા ચાર્જ વસુલવા નિર્ણય લેવાયો છે. જે બાદ રમજાન માસ પૂરો થતા જ કોંગ્રેસી નગરસેવકો અાક્રમક મૂડમાં અાવી ગયા છે, જેમાં પ્રમુખ દ્વારા મફત વોટર ટેન્કર સપ્લાય કરાતા હોવાનો અાક્ષેપ પણ કર્યો હતો.
બુધવારે નગરપાલિકામાં ત્રીજી વખત મોરચા સ્વરૂપે ધસી ગયા હતા અને વોટર ટેન્કર સપ્લાય સેવાના દર પ્રત્યેક ટેન્કરે 200 રૂપિયાને બદલે પુન: 100 રૂપિયા કરવા માંગણી કરી હતી. જે દરમિયાન નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરના પુત્ર સામે અાંગળી ચિંધી કહ્યું હતું કે, શું તમારા પુત્ર 10 વર્ષ બાદ ઘટાડો કરશે. જેને પ્રમુખે શહેરના પ્રથમ નાગરિક અને નગરપતિના પરિવારનું અપમાન ગણાવ્યું હતું. જો અે ઘટનાનું પુનરાવર્તન થશે તો માનહાનિનો દાવો કરવાની પણ ચિમકી અાપી છે. કોંગ્રેસી ચોરચામાં કિશોરદાન ગઢવી, કાસમ સમા, અાઈસુબેન સમા, મહેબૂબ પંખેરીયા, ફકીરમામદ કુંભાર, પુષ્પાબેન સોલંકી, ગની કુંભાર, ધીરજ રૂપાણી જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.