અાકાશમાં દાવપેચ લડાવવાના તહેવાર અેવા મકરસંક્રાંતિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને અા વખતે પતંગ, દોરા સહિતની વસ્તુઅોમાં 15 ટકાનો વધારો હોવા છતાં પણ જિલ્લા મથક ભુજમાં લોકો પતંગ, દોરાની અાગોતરી ખરીદી કરી રહ્યા છે.
ધોરડોમાં યોજાનારા અાંતરરાષ્ટ્રીય પતંગોત્સવની જાહેરાતની સાથે જ સમગ્ર કચ્છમાં પતંગપ્રેમીઓને આકર્ષવા માટે વ્યાપારીઓએ દુકાનો અને સ્ટોલની સજાવટ ચાલુ કરી દીધી છે. આ વખતે 15% જેવો ભાવ વધારો હોવા છતાં પણ ભુજમાં સ્થાનિક લોકો અને અાસપાસના ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોની ખરીદી ચાલુ થઈ ગઈ છે.
પતંગ અને દોરા સિવાયની અનેક રંગબેરંગી નાનીમોટી વસ્તુઓ જેવી કે, નાના-મોટા બ્યુગલ, કાર્ટૂન તથા ડરામણા મહોરાઓ સોલાર કેપ, આંગળીમાં ચીરા ન પડે તે માટેની અલગ જ રબરની આંગળીઓ વગેરે ગ્રાહકોના બજેટ પ્રમાણે મળી રહે છે.
આકર્ષક પ્રિન્ટ અને અવનવી છાપ વાળા પતંગો
દર વર્ષની જેમ આ વર્ષે પણ નેતાઓની સાથે અભિનેતાઓ તેમજ બાળકોની ગમતા ટોમ અેન્ડ જેરી, છોટાભીમ, સ્પાઇડરમેન, ટારઝન, બાર્બી જેવી અનેક પ્રિન્ટો સાથે પ્લાસ્ટિકના કાગળમાં નાની મોટી સાઈઝમાં રંગબેરંગી પતંગો ઉપલબ્ધ છે. ખાસ તો ચીલી પતંગ મોટી સાઈઝમાં અને નાના-મોટા બલુનો, ગુબારા જેવી વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ છે.
શહેરના વેપારીઅો બજારના હાલના માહોલથી ખુશ
કાચા માલની કિંમતમાં વધારો ખપતવાડી વસ્તુની અછત જેવા અનેક કારણોને કારણે પતંગ અને દોરામાં 15 ટકા જેટલો ભાવ વધારો થયો છે. પતંગ રૂ.5થી શરૂ કરીને રૂ.25થી 30 સુધી જ્યારે દોરામાં તો અવનવી બ્રાન્ડ, જુદી-જુદી ઓળખ પ્રમાણે ગ્રાહકોની માંગ પ્રમાણે ખિસ્સાને પરવડે એવા ભાવો સાથે મળી રહે છે.
દોરાનું ચલણ ઘટતું જાય છે કારણ કે, તેના માટે રંગ કાચ અને ખાસ તો સમય જોઈએ, જેથી આજના બાળકો કે, યુવાનો તૈયાર દોરા વેચાતા લઇ રહ્યા છે, જેને અનુલક્ષીને જિલ્લા બહારથી લોકો અહીં આવીને દોરાને પાવવાનું કામ થોડા સમય પહેલા શરૂ કરી નાખ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.