કચ્છ વિસ્તારને નર્મદા યોજનાના પાણી પૂરા પાડતી નર્મદા યોજનાની કચ્છ શાખા નહેરમાંથી નીકળતી દૂધઈ પેટા શાખા નહેરને ઓપન કેનાલ તરીકે વધુ 45 કિલોમીટર લંબાવવામાં આવશે.જેની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરીય સમિક્ષા બેઠકમાં કરવામાં આવી હતી. આ વેળાએ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કેનાલ શાખા નહેરનું દૂધઈથી કુનારિયા સુધી એટલે કે વધુ 45 કિલોમીટર વિસ્તરણ થવાના પરિણામે અંજાર તેમજ ભૂજ તાલુકાના ખેડૂતો અને લોકોની માંગણીનો સુખદ અંત આવશે, ઉલ્લેખનીય છે કે આ પેટા કેનાલના અટકેલા કાર્યના નિર્માણ માટે કચ્છ કિશાન સંઘ દ્વારા ગત માસની 24 તારીખે રુદ્રામાતા સ્થળેથી ભૂજ સુધી ટ્રેકટર રેલી યોજાઈ હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વધારાની 45 કિ.મી. લંબાઈમાં 176 જેટલા મોટા સ્ટ્રક્ચર્સનું પણ બાંધકામ કરવાનો અને દૂધઈ પેટા શાખા ઉપરાંત તેના વિસ્તરણ માળખાના કામો પણ સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા અમલવારી કરવાના આદેશો આ બેઠકમાં આપ્યા હતા. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, હાલમાં દૂધઈ પેટા શાખા નહેરના ભચાઉથી દૂધઈ સુધીના 23.025 કિલોમીટર લંબાઈના કામો તથા તેના વિસ્તરણ માળખાના કામો પૂર્ણ થઈ ગયા છે. હવે, આ નહેરને ભુજ તાલુકાના કુનારિયા સુધી લંબાવાતા અંજાર તેમજ ભુજ તાલુકાના વધારાના 13,175 એકર વિસ્તારને સિંચાઈ માટે નર્મદા જળ મળતાં થશે તેમજ પશુધનને પીવાના પાણી તથા ઘાસચારાની સમસ્યા દૂર થશે. આ કેનાલ માટે મુખ્યમંત્રી સમક્ષ અંજાર અને ભૂજ તાલુકાના ખેડૂતો, અગ્રણીઓ, પદાધિકારીઓ વગેરેએ કરેલી રજૂઆતનો સાનુકૂળ પ્રતિસાદ આપતા તેમણે આ મહત્વનો નિર્ણય કર્યો છે. આ નહેર પૂર્ણ થતાં નર્મદામાં પૂર વખતે ઉપલબ્ધ થતાં વધારાના પાણીમાંથી કચ્છને જે 1 મિલિયન એકર ફૂટ પાણી ફાળવાયેલ છે તેના ભાગરૂપે રુદ્રમાતા ડેમમાં નર્મદાના પાણીનો સંગ્રહ થઈ શકશે.
ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજિંગ ડિરેક્ટર અને અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા, સરદાર સરોવર નર્મદા નિગમ ના ડાયરેક્ટર સિવીલ અને કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ ,જળ સંપત્તિ વિભાગ ના સચિવ અને ખાસ સચિવ તેમજ વરિષ્ઠ ઈજનેરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ વિશે કચ્છ કિશાન સંઘના પ્રમુખ શિવજીભાઈ અહિરે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે નર્મદા પાણી કચ્છ અને ખેડૂતો માટેની મૂળભૂત સુવિધા સમાન છે એ માટે દુધઈ બ્રાન્ચ કેનાલ નિર્માણ માટે કરેલી માંગ રાજ્ય સરકાર દ્વારા સ્વીકારવામાં આવતા હું ખેડુતો વતી મુખ્યમંત્રીનો આભાર માનું છું. ભલે મોડો નિર્ણય આવ્યો હોય પરંતુ કચ્છને નર્મદાના પૂરતા પાણી મળે તે માટે આ નિર્ણય ખૂબ સારો છે. સમગ્ર જિલ્લાના ખેડૂતો માટે આ હર્ષની લાગણી સમાન છે.
કિસાન સંઘે સરકારના નિર્ણયને આવકાર્યો
નર્મદાની દૂધઈ પેટા શાખા નહેરનું બાકી રહેલું 45 કિલોમીટરનું કામ ખુલ્લી કેનાલ દ્વારા કરવા માટે સરકારે લીધેલા નિર્ણયને ભારતીય કિસાન સંઘ દ્વારા આવકાર અપાયો હતો. મુખ્યમંત્રીએ કરેલી જાહેરાતથી 1550 કરોડ રૂપિયાના અંદાજીત ખર્ચથી કેનાલ બનતાં આ વિસ્તારના સૂકા ગામડાને જીવતદાન મળશે જેનાથી સરહદી ગામો ખાલી થતા અટકશે અને પશુઓને પીવાનું પાણી તેમજ ઘાસચારો મળશે. વરસાદ આધારિત કપિત ખેતી પિયત ખેતી થશે અને લોકોને નવજીવન મળશે તેમ ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા પ્રમુખ શિવજી બરાડિયાએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.