સમસ્યા ઉકેલવા નક્કર નિર્ણય:સફાઈનું કામ જિલ્લા બહારના ઠેકેદારને 50 લાખમાં અપાશે

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભુજ નગરપાલિકાની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ભુજ નગરપાલિકાની ફાઈલ તસ્વીર
  • ગટરની ચેમ્બર સાફ રાખવા ભાડાએ 2.25 કરોડના ખર્ચે 15 વાહનો ફાળવ્યા
  • નગરપાલિકાની ​​​​​​​કારોબારીએ બંને સમસ્યા ઉકેલવા નક્કર નિર્ણય લીધા

ભુજ નગરપાલિકામાં શુક્રવારે કારોબારી સમિતિની બેઠક મળી હતી, જેમાં શહેરને લાંબા સમયથી સતાવતી માર્ગોમાં કચરા સફાઈ માટે જિલ્લા બહારની પેઢીને 50 લાખમાં ઠેકો આપવા અને ગટરની ચેમ્બરમાંથી કિચડ સફાઈ માટે નગરપાલિકાના કર્મચારીઓ મારફતે ભાડાએ 2 કરોડ 25 લાખ રૂપિયાના ખર્ચે ફાળવેલા 15 વાહનોથી ઉકેલ લાવવા નિર્ણય લેવાયો છે.

ભુજ શહેરમાં છેલ્લા દોઢેક વર્ષથી માર્ગો ઉપરથી કચરા ન ઉપડવાની સમસ્યા સતાવી રહી છે. શહેરના ત્રણ ઝોન પાડી ત્રણેય ઝોનની કચરા સફાઈનો ઠેકો અપાયો હતો. જોકે, ત્રણેય ઝોનના બંને ઠેકેદારોએ સતત વધતી મોંઘવારીને કારણે પરવડતું ન હોવાનું કારણ આગળ ધરીને કામગીરીથી હાથ અધ્ધર કરી જ દીધા હતાં. આમ છતાં ટેન્ડરની શરતો આગળ ધરીને એમની પાસેથી કામ લેવાતું હતું. પરંતુ, સારા પરિણામો મળ્યા ન હતા, જેથી ફરીથી નિવિદા બહાર પાડી નવા ટેકેદારોને કામ સોંપવા નક્કી થયું હતું. જેના ટેન્ડર ખોલવા શુક્રવારે કારોબારી સમિતિની બેઠક મળી હતી.

કારોબારી ચેરમેન જગત વ્યાસે જણાવ્યું હતું કે, કુલ ચાર ટેન્ડર આવ્યા હતા, જેમાંથી ત્રણ માન્ય ઠર્યા છે. સૂરત, બેન્ગલોર ઉપરાંત મુંબઈ અને અમદાવાદમાં કામ કરતી પેઢીઓ છે. જેમને બેઠક માટે બોલાવવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગટરની ચેમ્બરની સફાઈની કામગીરીના ટેન્ડર પણ મંગાવાયા હતા. પરંતુ, ઠેકેદાર મારફતે કામગીરીમાં સફળતા મળી નથી. જેની પાછળ અનેક કારણો છે. એમાંથી કેટલાક માનવ સર્જિત પણ કારણો પણ છે. પરંતુ, હાલ શહેરને ગટરની સમસ્યામાંથી મુક્તિ અપાવવી છે એટલે ઠેકેદાર પાસેથી કામ ન લેવા નક્કી થયું છે.

ભુજ શહેર વિકાસ સત્તા મંડળ એટલે કે ભાડા દ્વારા ભુજ શહેરની ગટર સમસ્યાનો ઉકેલ લાવવામાં ઉપયોગી 2 કરોડ 25 લાખ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક 15 વાહનો ફાળવાયા છે. એ વાહનો અને નગરપાલિકાના કર્મચારીઓ મારફતે કામ લેવા નક્કી કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...