રજુઆત:નગરજનો સમસ્યાથી ત્રસ્ત, નગરપતિ પક્ષમાં વ્યસ્ત: કોંગ્રેસનો આક્રોશ

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુપરસીડ કરવાની માંગણી સાથે લેખિત રજુઆત
  • પાલિકાના વિપક્ષીનેતાઅે પ્રાદેશિક કમિશનરને પત્ર લખ્યો

ભુજ નગરપાલિકાના વિપક્ષીનેતાએ કચ્છ સાૈરાષ્ટ્ર ઝોનની નગરપાલિકાના પ્રાદેશિક કમિશનરને 24મી જુલાઈના પત્ર લખી જણાવ્યું હતું કે, ભુજ શહેરના લોકો અનેક સમસ્યાઅોથી ત્રસ્ત છે અને નગરપતિ પાર્ટી સહિતના કાર્યક્રમોમાં વ્યસ્ત છે, જેથી પાલિકા સુપરસીડ કરવી જોઇએ.

છેલ્લા કેટલાક મહિનાથી નગરપાલિકા સર્જિત સમસ્યાઅોઅે શહેરીજનોને બાનમાં લીધા છે. તેવું જણાવતા વિપક્ષી નેતા કાસમ સમાએ નીવેદનમાં આક્ષેપો કર્યા હતા કે, નિરાકરણની જગ્યાઅે સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. શહેરના દરેક વિસ્તારમાં ઉભરાતી ગટરની ચેમ્બરની સમસ્યાઅો જોવા મળી રહી છે. ગટરની લાઈનો તૂટી રહી છે. લોકોના ઘરોમાં ગટરના પાણી અાવી રહ્યા છે, જેથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. અામ છતાં નક્કર કાર્યવાહી કરવામાં અાવતી નથી. તેમણે રખડતા ઢોરો, રોડ લાઈટ, સફાઈ અને માર્ગોમાં ખાડા સહિતના મુદ્દે પણ રજુઅાત કરી હતી.

લેખતિ માૈખિક રજુઅાતો ઉપરાંત મોરચા પણ કાઢ્યા છતાં સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. છેવટે મહિલા નગરસેવિકાને પ્રતિક ઉપવાસ ઉપર ઉતરવું પડ્યું છે. વાસ્તે નગરપાલિકાને સુપરસીડ કરવા માંગણી છે. બીજી તરફ અેજ મુદ્દે કોંગ્રેસના પ્રવકતા ગની કુંભારે પણ અખબારી યાદી મૂકી કોંગ્રેસી અાગેવાનોની પાલિકાને સ્પર્શતા પ્રશ્નો વિશે વ્યથા ઠાલવી હતી.

નગરપતિ અને કારોબારી ચેરમેનના રાજીનામાની માંગણી સાથે વિપક્ષી નગરસેવિકાના નેજા હેઠળ કોંગ્રેસના ધરણા
ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 1ના નગરસેવિકા અાઈસુબાઈ અલીમામદ સમાઅે શહેરની પાણી, ગટર, સફાઈ, માર્ગોમાં ખાડા, રખડતા ઢોર, ઝાડી કટિંગ સહિતની કામગીરી કરાવવામાં નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કર, કારોબારી ચેરમેન જગત વ્યાસ નિષ્ફળ ગયા છે અેવા અાક્ષેપ સાથે કચેરીના પ્રાંગણમાં સોમવારે બંનેના રાજીનામાની માંગણી સાથે ધરણા શરૂ કર્યા હતા, જેમાં વિપક્ષીનેતા કાસમ સમા, વિપક્ષી ઉપનેતા ફાલ્ગુનીબેન ગોર, રસીકબા જાડેજા, શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોર ગઢવી, પૂર્વ વિપક્ષીનેતા રાજેન્દ્રસિંહ જાડેજા, ગની કુંભાર વગેરે જોડાયા હતા. દરમિયાન પ્રમુખ ઘનશ્યામ અાર. ઠક્કર પાસે રજુઅાત કરવા ગયા હતા, જેમાં નગરપતિઅે કહ્યું હતું કે, ગ્રાહક નંબર સાથે રજુઅાત થશે તો તાત્કાલિક નિવેડો લાવી દેવાશે. ઉગ્ર બોલાચાલી દરમિયાન વોટર સપ્લાય સમિતિના ઘનશ્યામ સી. ઠક્કરે કહ્યું હતું કે, મોટાભાગના વિસ્તારોમાં અેકાંતરે પાણી અાવે છે.

અન્ય સમાચારો પણ છે...