કચ્છના પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ગાંધીધામના ચુડવા ગામમાં આવેલી જમીન ગેરરીતિ આચરી અરજદારને ઓછા ભાવે આપી દીધી હોવાની ફરિયાદ ગાંધીધામ મામલતદાર દ્વારા નોંધાવવામાં આવી છે. પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા ઉપરાંત તત્કાલીન નગરનિયોજક અને તત્કાલીન RDC સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. સીઆઈડીએ આ મામલે પ્રદીપ શર્માની ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય બેની તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રદીપ શર્માને આજે ભુજની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
શું છે સમગ્ર મામલો?
ગાંધીધામના ચુડવા ગામમાં આવેલી એક જમીન વર્ષ 2004-05માં અરજદારને ખોટી રીતે નિયમિત કરી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જમીન નિયમિત કરવા માટે જે ભાવ વસૂલવા જોઈએ તેના કરતા ઓછા વસૂલી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું હોવાનો આરોપ છે. આ મામલે ગાંધીધામ મામલતદાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
કોની કોની સામે ગુનો નોંધવામાં આવ્યો?
ગાંધીધામના ચુડવા ગામમાં આવેલી જમીનમાં થયેલી ગેરરીતિ મામલે ગાંધીધામ મામલતદાર દ્વારા તત્કાલીન કલેકટર પ્રદીપ શર્મા, તત્કાલીન નગર નિયોજક નટુભાઈ દેસાઈ અને તત્કાલીન ડેપ્યુટી કલેકટર ફ્રાન્સીસ સવેરા સામે ગુનો નોઁધાવવામાં આવ્યો છે.
અમદાવાદમાંથી પ્રદીપ શર્માની ધરપકડ
પ્રદીપ શર્મા સામે ભૂતકાળમાં નોંધાયેલા કેસમાં હાલ જામીન પર છે. તેઓ અમદાવાદમાં પોતાના નિવાસસ્થાને હતા ત્યારે ભુજ સીઆઈડી દ્વારા ગાંધીધામમાં નોંધાયેલા ગુના મામલે પ્રદીપ શર્માની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે અન્ય બેની તપાસ હાથ ધરવામાં આવી છે. શર્માને આજે સાંજે ભુજની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.