ઝળહળતી સફળતા:તલાટીથી સરકારી નોકરીની શરૂઆત કરનારી ચોબારીની દિવ્યાંગ યુવતી બની નાયબ કલેક્ટર

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાજેતરમાં લેવાયેલી જીપીઅેસસીની પરીક્ષામાં મેળવી ઝળહળતી સફળતા
  • નિષ્ફળતાથી હારવાના બદલે તેને પગથિયા બનાવીને આગળ વધ્યા શાંતિબેન

નિષ્ફળતાથી હાર માની લેવાના બદલે તેને પગથિયા બનાવીને ગુજરાત જાહેર સેવા આયોગની (જીપીઅેસસી) દ્વારા લેવાયેલી વર્ગ 1-2ની પરીક્ષામાં ઝળહળતી સફળતા ચોબારી અાહીર સમાજની દિવ્યાંગ દીકરીઅે મેળવી છે.

ચોબારીના શાંતિબેન વેલાભાઇ ઢીલાએ ધોરણ 1થી 5 સુધીનું પ્રાથમિક શિક્ષણ રતનપર-ખડીરની સરકારી પ્રાથમિક શાળામાંથી પૂર્ણ કરીને ધોરણ 6 થી 12નો અભ્યાસ માધાપર, સ્નાતક સુધીનો અભ્યાસ ભુજમાં કર્યો છે. સ્નાતકના બીજા વર્ષના અભ્યાસ દરમ્યાન ધો.12ના આધારે તલાટીની પરીક્ષા આપતાં તેમની પસંદગી થઇ હતી. આમ, સ્નાતકના અભ્યાસ સાથે સરકારી સેવામાં પ્રવેશ કરવાનો અવસર મળ્યો અને ત્યારબાદ તેમણે પાછા વળીને જોયું નથી.

સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કારકિર્દીમાં વધુ આગળ જવા માટે તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ફરીથી શરૂ કરી અને ઇપીઅેફઅોમાં પણ પસંદગી પામ્યા બાદ પેન્શનર, ઔદ્યોગિક કર્મચારીઓ તથા ઉદ્યોગકર્તાઓ/નોકરીદાતાઓ સાથેના સતત સંપર્કને લીધે ઔદ્યોગિક કર્મચારીઓના પ્રશ્નો, તેમના પરિવારની સ્થિતિ, સમસ્યાઓ, એક સભ્યના અવસાન બાદ પરિવારની મનોસ્થિતિ, વૃદ્ધ પેન્શનરોની મૂંઝવણો, વિવિધ પ્રક્રિયાઓમાં તેમની મુશ્કેલીઓને જાણીને સુખદ ઉકેલ લાવવાની તક ભગવાને તેમને આપી હોવાનું શાંતિબેને જણાવ્યું હતું.

જીપીઅેસસીની પરીક્ષામાં પ્રથમ પ્રયત્નમાં મામલતદાર તરીકે પસંદ થવામાં 12 માર્ક્સ ઓછા પડ્યા. તો તેના પછીના પ્રયત્નોમાં ક્યારેક ફક્ત અડધાથી 1,2 માર્કસ માટે ચૂકી જતાં તો વળી ઓરલ ઇન્ટરવ્યુ માટે લાયક ઉમેદવારોની યાદીમાં સ્થાન મેળવવાનું ચૂકી ગયાં. ત્યાર પછીના પ્રયત્નમાં ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 માં પસંદગી માટે 8 માર્કસ ઓછા આવતાં તેમાંથી બોધપાઠ લઇને નિષ્ફળતાથી હારવાના બદલે તેને પગથિયા બનાવીને ધીમે ધીમે પણ મક્કમ ગતિથી આગળ વધવાનું ચાલુ રાખી અંતે સફળતા મેળવીને નાયબ કલેક્ટર તરીકે પસંદગી પામ્યા છે.

અનેકવિધ પરીક્ષાઅો પાસ કરી છતાં ધ્યેય અેકમાત્ર ક્લાસ વન અધિકારી બનવાનો
શાંતિબેન નોકરીમાંથી જ સેલ્ફ મોટીવેટ થતાં રહ્યાં અને સરકારી સેવામાં આગળ આવવા માટે વિવિધ પરીક્ષાઓ આપતાં જ રહ્યાં. અા દરમ્યાન તેઅો બેન્કમાં પ્રોબેશન અોફિસર, રેલવે તથા સ્ટાફ સિલેક્શનની પરીક્ષાના આધારે અનેકવિધ જગ્યાએ પસંદગી થવા છતાં ઇપીઅેફઅોમાં તેમની સેવા ચાલુ જ રાખીને સિવિલ સર્વિસીસમાં જવા માટેની તૈયારી શરૂ કરી, તેમાં સફળતા મેળવી છે.

પોતાની ક્ષમતાઓને ઓળખીને નિયત ધ્યેય પ્રાપ્ત કરવા સખત મહેનત કરો : શાંતિબેન
સ્પર્ધાત્મક પરીક્ષાઅો અાપતા યુવાઓને સંદેશ આપતાં શાંતિબેને જણાવ્યું હતું કે, પોતાની ક્ષમતાઓને ઓળખીને નિયત ધ્યેય પ્રાપ્ત કરવા સખત મહેનત કરો. નિષ્ફળતાને સ્વીકારી તેમાંથી શીખ મેળવી, નકારાત્મકતા તથા લઘુતાગ્રંથિને દુર કરી સખત અને સતત મહેનત કરતા રહેશો તો તમને સફળ થતાં કોઈ રોકી શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...