કચ્છમાં ખેતીના નવા પ્રકલ્પો, આયામો અને આધુનિકતાના સમન્વય માટે કચ્છ જીલ્લામાં એક અલાયદી કૃષિ કોલેજ માટે કચ્છવાસીઓની પ્રબળ માંગણી રહી છે. જેના અનુસંધાને તાજેતરમાં કચ્છના નવ નિર્વાચિત ધારાસભ્યો સહિતના લોકપ્રતિનિધિઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જેના પ્રત્યુત્તરમાં ટૂંક સમયમાં જ આ દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપીને આગળની કાર્યવાહી ખૂબ ઝડપભેર પૂર્ણ કરીને ભુજને અત્યાધુનિક કૃષિ કોલેજની ભેટ ધરવામાં આવશે તેવી ખાતરી આપી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ નાણા મંત્રી કનુભાઈ દેસાઈને કચ્છ ભાજપ અધ્યક્ષ અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, ધારાસભ્ય ત્રિકમ છાંગા, ધારાસભ્ય અનિરુદ્ધ દવે, સામાજીક અગ્રણી દિલીપ દેશમુખ દ્વારા રજુઆત કરાઇ હતી. મુખ્યમંત્રી પટેલ સહિત બંને મંત્રીઓએ તેમની રજુઆત અન્વયે હકારાત્મક અને સાનુકૂળ પ્રતિસાદ આપતા ખાતરી આપી હતી. એવું કચ્છ ભાજપ મિડીયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.
વેટરનરી કોલેજની વહીવટી પ્રક્રિયા સંપન્ન કરવા પણ જણાવ્યું
આ ઉપરાંત ભુજ ખાતે વેટરનરી કોલેજ ફાળવવા અંગે રાજ્ય સરકાર અગાઉ મંજૂરી આપી ચુક્યું છે ત્યારે તેના માટે જરૂરી એવી તમામ વહીવટી પ્રક્રિયા ત્વરિત સંપન્ન કરાવીને ભુજ ખાતે હવે વહેલી તકે વેટરનરી કોલેજનો પ્રારંભ કરાવવા આ અવસરે અલગથી રજુઆત કરવામાં આવી હતી. આ વિષય સંદર્ભે પણ રાજ્ય સરકારે તમામ ખાતાકીય પ્રક્રિયાઓ બહુ જલ્દીથી આટોપી લેવાનું વચન આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.