કચ્છના મુન્દ્રા સ્થિત અદાણી બંદરના સી.એસ.એફમાંથી ચેન્નાઇ GST તંત્રએ કસ્ટમ વિભાગની SBBI શાખાની મદદ વડે ગુટખાનું એક કન્ટેનર સRઝ કરી તપાસ આરંભી છે. જેમાં કરોડો રૂપિયાની GST ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ચેન્નાઈની એક ખાનગી કંપની દ્વારા નબળી ગુણવતાની અખાદ્ય તમાકુ ઊંચી ગુણવત્તાની બતાવી નિકાસ કરવામાં આવતી હતી અને મોટી રકમનું GST રિફંડ મેળવવામાં આવતું હતું. આ અંગે તપાસ એજન્સી દ્વારા શંકાસ્પદ કન્ટેનરને સીઝ કરી તેમાં રહેલા તમાકુ (ખૈની)ના નમૂના લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા, જેમાં તે અખાદ્ય હોવાનું સામે આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે.
DGGI દ્વારા આ અંગે ચાર માસ પૂર્વે મુન્દ્રા કસ્ટમને એલર્ટ આપવામાં આવ્યું હતું-સૂત્રો
મુન્દ્રા પોર્ટ સ્થિત સી.એસ.એફ. માંથી સીધું ખાવા માટે વપરાતું સુંગધિત તમાકુ (ખૈની)ના જથ્થાનું કન્ટેનર ચેન્નાઇ GST તંત્રએ કસ્ટમની SBBI શાખાના સહયોગ વડે સીઝ કરી તેની ગુણવતા વિશે તપાસ આદરી હતી. જેમાં તે નબળી કક્ષાનું અને અખાદ્ય હોવાનું સ્પષ્ટ થયું હતું. આ તમાકુને ઊંચી ગુણવત્તાનું બતાવી બદલામાં મોટી રકમનું GST રિફંડ મેળવવામાં આવતું હોવાનું જાણમાં આવતા ચેન્નાઇની પેઢી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. આ તમાકુ કુલ કેટલી કિંમતનું અને આ સિવાયના કેટલા કંસાઈનમેન્ટ અત્યાર સુધીમાં પસાર થયા છે તે સહિતના પ્રશ્નો અંગે તપાસ ચાલુમાં છે. હાલ ઓલ કાર્ગો સીએસએફમાં કરોડો રૂપિયાનો તૈયાર તમાકુનો જથ્થો સિઝ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.