બેઠક:મતદાનના દિવસે વેપારીઓને દુકાનો સ્વૈચ્છિક બંધ રાખવા ચેમ્બરની અપીલ

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન - ભુજની યોજાઇ બેઠક
  • ભૂકંપગ્રસ્ત વેપારીઓના પ્રશ્નો અને જીઆઇડીસીની સમસ્યા વિશે ચર્ચા થઇ

ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન - ભુજની તાજેતરમાં યોજાયેલી એક રાજકીય બેઠક દરમિયાન મતદાન જાગૃતિ સહિત બજારના નાના મોટા ધંધાર્થીઓ, ભૂકંપગ્રસ્ત વેપારીઓના પ્રશ્નો હલ કરવા માટે ધા નંખાઇ હતી. સાથે સાથે મતદાનના દિવસે એટલે કે 1 ડિસેમ્બરના ભુજની દુકાનો સ્વૈચ્છિક બંધ રાખવા ભુજ ચેમ્બર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

શહેરના વેપારીઓ અને સ્થાનિક ઉદ્યોગપતિઓની યોજાયેલી એક બેઠકમાં ચેમ્બરના પ્રમુખ અનિલ ગોરે વેપારી પરિવારો મતદાનના દિવસે સૌથી વધુ સંખ્યામાં મતદાન કરે અને ભુજમાં સ્વૈચ્છિક બંધ રાખવામાં આવે તેવો અનુરોધ કર્યો હતો. તેમણે રાજકીય નેતાઓની હાજરીમાં વેપારીઓ વતી ભારપૂર્વક જણાવ્યું હતું કે, કચ્છ-ભુજના વિકાસ, ભૂકંપગ્રસ્ત વેપારીઓના પ્રશ્નોનું નિરાકરણ આવે અને અધૂરા કામો પૂરા કરવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત જમનાદાસભાઇ ઠક્કર, જગદીશભાઇ ઝવેરી, અરવિંદભાઇ ઠક્કરે પણ વિવિધ પ્રશ્નો રજૂ કરીને જિલ્લા મથકે ભુજ ચેમ્બર ભવન માટે જમીન મળે તેવી રજૂઆત કરી હતી.

તો ભુજ-ભચાઉ માર્ગ બિસ્માર હાલતમાં છે તેનું સમારકામ કરાવવું, જીઆઇડીસીની સમસ્યાઓ દૂર કરાવવા પણ જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં જુદા જુદા એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારો પૈકી માર્કેટના અજીતભાઇ ઠક્કર, જીઆઇડીસીના અરવિંદભાઇ કોટક, વસંતભાઇ વ્યાસ, બુલિયનના કે.પી. સોની, ક્રેડાઇના પ્રવિણભાઇ પિંડોરિયા, ટીમ્બરના રસિકભાઇ ઠક્કર, વેજીટેબલ હોલસેલના અરવિંદ અજાણી સહિત 40 સંગઠનમાંથી હોદ્દેદારો, પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અભારવિધિ જગદીશભાઇ ઝવેરીએ કરી હોવાનું ચેમ્બરના સહમંત્રી રાજેશ માણેકની યાદીમાં જણાવાયું હતું.

ફોકિઆએ મતદાન જાગૃતિનું કર્યું સંકલન
કચ્છના ઉદ્યોગોના સંકલનની મુખ્ય ભૂમિકા ભજવતા સંગઠન ફોકિઆએ પણ મતદાન જાગૃતિ માટે જિલ્લા તંત્ર સાથે સંકલન સાધ્યું છે. ફોકિઆના એમડી નિમિષ ફડકેએ કહ્યું હતું કે, અવસર અંતર્ગત કોઓર્ડિનેશન કરીને વધુને વધુ મતદાન થાય એ માટેના ડિજીટલ સંકલ્પપત્રો ભરાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...